અર્થતંત્રમાં મંદી : વિકાસ દર ઘટવાની આશંકા, રોજગારીનું સંકટ ઘેરાયું - દૃષ્ટિકોણ

ઇમેજ સ્રોત, Getty Images
આર્થિક બાબતોની થિન્ક ટૅન્ક નેશનલ કાઉન્સિલ ઑફ એપ્લાઇડ ઇકનૉમિક રિસર્ચ (એનસીએઈઆર)ના જણાવ્યા અનુસાર વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં પણ જીડીપીનો દર નીચો આવી શકે છે. એનસીએઈઆરનું અનુમાન છે કે ''બધા જ ક્ષેત્રોમાં મંદી દેખાઈ રહી છે તેના કારણે" 2019-20ના વર્ષના બીજા ત્રિમાસિકમાં જીડીપીનો દર 4.9 ટકા જેટલો રહેશે.
આ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) એટલે કે કુલ ઘરેલુ ઉત્પાદન એ કોઈ પણ દેશના આર્થિક આરોગ્યનો માપદંડ હોય છે.
જીડીપી કોઈ ખાસ સમયગાળા દરમ્યાન વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનની કુલ કિંમત હોય છે.
નોંધપાત્ર બાબત એ છે કે સંબંધિત ઉત્પાદન અને સેવાઓ દેશમાંના જ હોવાં જોઈએ.
આ પહેલાં વિશ્વ બૅન્ક, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા અને આઈએમએફ જેવી સંસ્થાઓએ પણ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના જીડીપી દરના અનુમાનનો આંક નીચે કર્યો હતો.
હાલમાં જ એસબીઆઈના અહેવાલમાં બીજા ત્રિમાસિકમાં કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં વિકાસ દર માત્ર 4.2 ટકા રહેશે તેવું અનુમાન લગાવ્યું હતું.
ભારતનો જીડીપી 2018-19ના પ્રથમ ત્રિમાસિકમાં સૌથી વધારે વૃદ્ધિ દર પર એટલે કે 8.1% પર પહોંચ્યો હતો. પરંતુ ત્યાર બાદ તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં તે છેલ્લા છ વર્ષના સૌથી નીચેના સ્તરે (5%) પર પહોંચ્યો હતો. જો એનસીએઈઆરનું અનુમાન સાચું પડ્યું તો જીડીપી દર તેના કરતાં પણ નીચે જતો રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2019-20ના નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકના આંકડા આ મહિનાના અંત ભાગમાં જાહેર થશે.
એનસીએઈઆરના સિનિયર ફેલો બોર્નાલી ભંડારી સાથે બીબીસી સંવાદદાતા આદર્શ રાઠોડે વાતચીત કરી હતી અને જાણવા કોશિશ કરી હતી કે શા માટે જીડીપીનો વિકાસ દર ઘટતો જણાય છે અને તેનાથી જનતા પર શું અસર પડશે.
તેમની વાતચીત સાથેના અંશો અહીં રજૂ કરી કરીએ છીએ:

'માગમાં મોટો ઘટાડો'

ઇમેજ સ્રોત, Getty Images
એનસીએઈઆરનું અનુમાન છે કે વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં જીડીપીનો વૃદ્ધિદર 4.0 ટકા રહેશે તેનું કારણ એ છે કે ભારતના અર્થતંત્રમાં માગમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે.
ખાનગી અને ઘરેલુ માગમાં ઘટાડો જોવા મળે છે. સાથે જ ટીવી, ફ્રીઝ જેવી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ખાણીપીણી તથા વસ્ત્રો જેવી કન્ઝ્યુમર નૉન ડ્યુરેબલ્સ વસ્તુઓનો ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક પણ ઘટ્યો છે.
કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં જૂન મહિનામાં નેગેટિવ ગ્રોથ જોવા મળ્યો હતો, જ્યારે કન્ઝ્યુમર નૉન ડ્યુરેબલ્સમાં સપ્ટેમ્બરમાં નેગેટિવ ગ્રોથ એટલે કે ઉત્પાદનમાં ઉલટાનો ઘટાડો જોવા મળ્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images
આ રીતે નેગેટિવ ગ્રોથને કારણે એ વાતનો અંદાજ આવે છે કે દેશના નાગરિકો વપરાશ માટે ખર્ચ કરે છે તેમાં એટલે કે પ્રાઇવેટ ફાઇનલ એક્સપેન્ડિચરમાં પણ ઘટાડો થયો છે.
આ સિવાય 2018-19ના બીજા ત્રિમાસિકથી ગુડ્સ એન્ડ સર્વિસેઝની નિકાસ પણ ઘટી રહી છે. ઘટતાં ઘટતાં તે સપ્ટેમ્બરમાં માત્ર 1.9 ટકા રહી ગઈ હતી. ઑક્ટોબરથી નિકાસમાં પણ નેગેટિવ ગ્રોથ જોવા મળી રહ્યો છે.
મૂડીરોકાણની બાબતમાં પણ નેગેટિવ ગ્રોથ છે અને સરકાર તરફથી થતા ખર્ચમાં પણ કાપ આવ્યો છે.
આ રીતે ચારેય બાજુથી માગ ઓછી થઈ હોવાના કારણે વિકાસ દરનો અનુમાન બહુ નીચે આવી ગયો છે.

રોજગારી પર અસર

ઇમેજ સ્રોત, Getty Images
ખેડૂતો લાંબા સમયથી મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. મનરેગા અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેવી યોજનાઓ સરકાર ચલાવી રહી છે, જેથી ગ્રામીણ ક્ષેત્રોમાં માગ ઊભી થઈ શકે.
સરકાર આ બંને યોજનાઓ પર ધ્યાન આપી રહી છે, પરંતુ નાણા સરકારમાંથી લોકો સુધી પહોંચે અને પછી તેનો ખર્ચ થાય તેમાં ઘણો સમય લાગી જતો હોય છે.
સંગઠિત ક્ષેત્રની વાત કરીએ તો તેમાં નોકરી કરનારા લોકોને બહુ ફરક પડતો નથી, પણ બેરોજગાર હોય તેની સામે સમસ્યા છે.
દર વર્ષે નોકરી માટે નવા યુવાનો તૈયાર થાય છે, પણ ટૅક્નૉલૉજી બદલાવાથી અને કંપની બંધ થઈ જવાથી પણ લોકોની મુશ્કેલી વધશે. વિકાસ દર ઓછો રહેવાથી વધુ નોકરીઓ પણ ઊભી નહીં થાય.

માગમાં વૃદ્ધિ કરવી જરૂરી

ઇમેજ સ્રોત, PTI
સરકાર ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે ધિરાણ આપવાની કોશિશ કરે છે, પણ આંકડા દર્શાવે છે કે નાના ઉદ્યોગોને સૌથી ઓછું ધિરાણ મળે છે. લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને જ વધારે લોનો મળી રહી છે.
સરકાર ભલે આ દિશામાં પ્રયાસો કરી રહી હોય, પણ તેમાં સફળતા મળતી હોય તેમ લાગતું નથી. નાના એટલે કે માઇક્રો એન્ટરપ્રાઇઝની વ્યાખ્યામાં એ યુનિટ આવે છે, જેનું ટર્નઓવર એક કરોડથી ઓછું હોય. માઇક્રો એન્ટપ્રાઇઝ પર સૌથી વધુ અસર થઈ હોવાથી રોજગારી પર અસર પડી છે. તે પણ એક પડકાર છે.
સમગ્રતયા સ્થિતિ એવી છે કે ઉત્પાદન થઈ રહ્યું છે, પણ તેને ખરીદવાળા પણ જોઈએ. ખરીદી ના થાય તેના કારણે માગ ઓછી થાય છે.
પુરવઠા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે, પણ માગ વધી રહી નથી. તેથી એ જરૂર બન્યું છે કે અર્થતંત્રમાં માગ વધારવા માટે પ્રયાસો કરવામાં આવે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












