You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IND vs BAN : એ ભારતીય બૉલર જેની સામે બાંગ્લાદેશના બૅટ્સમૅન ટકી ન શક્યા
બાંગ્લાદેશ સામેની પહેલી ટેસ્ટ મૅચમાં ભારતનો એક ઇનિંગ અને 130 રનથી વિજય થયો છે.
બે ટેસ્ટ મૅચની સિરીઝમાં ભારત 1-0થી આગળ છે. આ અગાઉ બાંગ્લાદેશ સામેની ટી-20 સિરીઝમાં પણ ભારતનો વિજય થયો હતો.
ભારતીય ટીમના બૅટ્સમૅન મયંક અગ્રવાલ અને રાઇટ-આર્મ ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીના પ્રદર્શને ભારતનો જીત માટેનો માર્ગ મોકળો કર્યો હતો.
મયંક અગ્રવાલે બેવડી સદી ફટકારી હતી તો બીજી તરફ મોહમ્મદ શમીની બૉલિંગ સામે બાંગ્લાદેશના બૅટ્સમૅન નિષ્ફળ રહ્યા હતા.
મોહમ્મદ શમીની સાત વિકેટ
મોહમ્મદ શમીએ આ ટેસ્ટ મૅચમાં કુલ સાત વિકેટ લીધી હતી.
પહેલી ઇનિંગમાં શમીએ 2.08ની સરેરાશ સાથે બૉલિંગ કરી હતી.
તેમણે પહેલી ઇનિંગમાં 13 ઓવરમાં કુલ 27 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.
બાંગ્લાદેશના બૅટ્સમૅન મોહમ્મદ મિથુન અને હસન શમીના બૉલ પર એલબીડબ્લ્યૂ આઉટ થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે મુશ્ફિકુર રહીમ 43 રન બનાવીને શમીના બૉલ પર બોલ્ડ થયા હતા.
બીજી ઇનિંગમાં શમીએ 16 ઓવરમાં 31 રન આપીને ચાર વિકેટી લીધી હતી.
બન્ને ઇનિંગ થઈને શમીએ કુલ 12 ઓવર મેડન નાખી હતી.
આ મૅચમાં ઇશાંત શર્માએ ત્રણ, ઉમેશ યાદવે ચાર અને આર. અશ્વિને પાંચ વિકેટ લીધી હતી.
મયંક અગ્રવાલની બેવડી સદી
આ મૅચમાં અન્ય એક ભારતીય ખેલાડીએ પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
રોહિત શર્મા સાથે ઓપનિંગ બેટિંગ કરવા ઊતરેલા મયક અગ્રવાલે મૅચના બીજા દિવસે આક્રમક બેટિંગ કરતાં બેવડી સદી ફટકારી હતી.
અગ્રવાલે 330 બૉલમાં 243 રન ફટકાર્યા હતા. તેમણે 28 ફોર અને આઠ સિક્સ ફટકારી હતી.
એક ટેસ્ટ ઇનિંગમાં સૌથી વધારે સિક્સ ફટકારવાના નવજોતસિંઘ સિદ્ઘુના રેકર્ડની મયંક અગ્રવાલે બરાબરી કરી હતી.
1994માં નવજોતસિંઘ સિદ્ઘુએ શ્રીલંકા સામેની મૅચમાં આઠ સિક્સ ફટકારી હતી.
ભારત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ટોપ પર
ભારત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં હાલ 300 પૉઇન્ટ સાથે ટોપ પર છે. જ્યારે બીજા ક્રમે રહેલી ન્યૂઝીલૅન્ડની ટીમના 60 પૉઇન્ટ છે.
આમ ભારત ન્યૂઝીલૅન્ડ કરતાં 240 પૉઇન્ટથી આગળ છે.
ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની શરૂઆત થઈ ત્યારથી હાલ સુધીમાં 6 ટેસ્ટ મૅચ રમી છે અને તમામ છ મૅચમાં જીત થઈ છે.
ભારતે હાલ સુધીમાં 2 સીરિઝ રમી છે અને બંનેમાં જીત મેળવી છે.
ટેસ્ટ ચૅમ્પિયનશિપના પૉઇન્ટ-ટેબલમાં ન્યૂઝીલૅન્ડ બીજા અને શ્રીલંકા ત્રીજા ક્રમે છે. જ્યારે ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ અનુક્રમે ચોથા અને પાંચમા ક્રમે છે.
ભારતનો જંગી સ્કોર
પહેલી ઇનિંગમાં બાંગ્લાદેશની ટીમ 150 રનમાં ધ્વસ્ત થઈ ગઈ હતી.
એ પછી બેટિંગ કરવા માટે ઊતરેલી ભારતીય ટીમે છ વિકેટના નુકસાને 493 રન ફટકાર્યા હતા.
ત્યારબાદ ભારતીય ટીમની બેટિંગ ડિક્લેર કરવામાં આવી હતી.
મયંક અગ્રવાલની બેવડી સદી ઉપરાંત અજિંક્ય રહાણેએ 86, રવીન્દ્ર જાડેજાએ 60 અને ચેતેશ્વર પૂજારાએ 54 ફટકાર્યા હતા.
બીજી ઇનિંગમાં બેટિંગ માટે ઊતરેલી બાંગ્લાદેશની ટીમ 213 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
હવે બીજી ટેસ્ટ મૅચ કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે રમાશે, જે ડે-નાઇટ મૅચ રહેશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો