IND vs BAN : મયંક અગ્રવાલની બેવડી સદી, ભારત મજબૂત સ્થિતિમાં

પ્રથમ દિવસે મોહમ્મદ શમીની ધારદાર બૉલિંગ બાદ બીજે દિવસની રમતને અંતે બાંગ્લાદેશ સામે ઇંદોરમાં રમાઈ રહેલી ટેસ્ટ મૅચમાં ભારતની ટીમે મજબૂત પકડ જમાવી છે.

ભારત તરફથી મયંક અગ્રવાલ અને અજિંક્ય રહાણેએ શાનદાર ભાગીદારી કરી હતી.

મયંક અગ્રવાલે 243 રન કર્યા. તેઓ મહેંદી હસનની બૉલિંગિમાં અબુ જાયેદને હાથે કૅચ આઉટ થયા હતા.

મયંક અગ્રવાલે તેમની ઇનિંગમાં 330 બૉલનો સામનો કર્યો. તેમણે 243 રનની ઇનિંગમાં 28 બાઉન્ડરી અને 8 સિક્સ ફટકારી હતી.

બીજા દિવસની રમતને અંતે ભારતનો સ્કોર 6 વિકેટે 493 રન છે. આમ ભારતે 343 રનની લીડ મેળવી લીધી છે.

બીજા દિવસની રમતને અંતે રવીન્દ્ર જાડેજા 60 રને અને ઉમેશ યાદવ 25 રને રમતમાં છે.

બીજા દિવસની શરૂઆતમાં ભારતનો સ્કોર 86 રન હતો અને ચેતેશ્વર પૂજારા અને મયંક અગ્રવાલ મેદાન પર હતા.

જોકે, ચેતેશ્વર પૂજારા 54 રન પર અબુ જાયેદની બૉલિંગમાં સબસ્ટિટ્યૂટ સૈફ હસનને હાથે કૅચ આઉટ થઈ ગયા હતા.

પૂજારા પછી રમવા આવેલા કૅપ્ટન વિરાટ કોહલી પણ અબુ જાયેદનો શિકાર બન્યા હતા અને શૂન્ય રને એલબીડબલ્યૂ આઉટ થઈ ગયા હતા.

જોકે કોહલીના આઉટ થયા પછી આધારભૂત મિડલ ઑર્ડર બૅટ્સમૅન અજિંક્ય રહાણે અને મયંગ અગ્રવાલે ભારતની બાજી સંભાળી હતી.

મયંક અગ્રવાલ સાથે ઉપયોગી ભાગીદારી કરનાર અજિંક્ય રહાણે ત્રીજા સેશનની શરૂઆતમાં 86 રને આઉટ થઈ ગયા.

રહાણની વિકેટ પણ બાંગ્લાદેશના બૉલર અબુ જાયેદે ઝડપી. ભારતની અત્યાર સુધી 6 વિકેટ પડી છે જે પૈકી 4 વિકેટ અબુ જાયેદે ઝડપી છે.

રહાણે આઉટ થતા રવીન્દ્ર જાડેજા બેટિંગમાં આવ્યા હતા અને તેઓ 60 રને રમતમાં છે.

વિકેટકીપર-બૅટ્સમૅન રિદ્ધિમાન સાહા ફકત 12 રને ઇબાદત હુસેનની બૉલિંમાં બૉલ્ડ થયા હતા.

ટેસ્ટ મૅચનો પહેલો દિવસ મોહમ્મદ શમીને નામે રહ્યો

ટૉસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરનારી બાંગ્લાદેશની ટીમ માત્ર 59 ઓવરમાં 150 રનોમાં જ સમેટાઈ ગઈ.

પ્રથમ દિવસે જ મોહમ્મદ શમી અને બીજા ભારતીય બૉલર્સે શાનદાર પ્રદર્શન કરીને બાંગ્લાદેશની બેટિંગને ધરાશાયી કરી દીધી હતી.

શમીએ ત્રણ, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ અને સ્પિનર આર. અશ્વિને બે-બે વિકેટ લીધી.

બાંગ્લાદેશ તરફથી સૌથી વધુ 43 રન વિકેટકીપર બૅટ્સમૅન મુશફિકુર રહીમે ફટકાર્યા. જ્યારે કપ્તાન મોમિનુલ હકે 37 અને લિટન દાસે 21, મોહમ્મદ મિથુને 13 રન કર્યાં. તેમના સિવાય અન્ય કોઈ પણ બૅટ્સમૅન 10 રનનો આંક વટાવી ન શક્યા.

પ્રથમ દિવસે સૌથી વધુ ચર્ચા આજે એ બૉલની થઈ જેમાં મોહમ્મદ શમીએ મુશફિકર રહીમને ક્લીન-બૉલ્ડ કર્યા.

આ બૉલ ઑફ-સ્ટમ્પ બહાર પડી અને ઝડપથી અંદરની તરફ જતા મુશફિકરેના સ્ટમ્પ્સ ઉડી ગયા હતા. મુશફિકુરે તેને રોકવાની કોશિશ કરી પરંતુ તે દરમિયાન તો મિડલ-સ્ટમ્પ ઉડી ચૂક્યું હતું.

જોકે આ બૉલ પૂર્વે મહેંદી હસનની ઓવરમાં તેમણે આવી જ બૉલને રોકવામાં સફળતા મેળવી હતી અને પગ વચ્ચે બૉલને ફસાવી લીધો હતો.

પરંતુ શમીની ઓવરમાં મહેંદી હસનને એવી સફળતા ન મળી અને એમણે વિકેટ ગુમાવવી પડી.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારત-બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પહેલી મૅચ ઇંદોર ખાતે રમાઈ રહી છે. જેમાં ટી-20માં આરામ કરનાર કૅપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ મૅચમાં પુનરાગમન કર્યું છે.

ભારત ટી-20 શ્રેણીમાં બાંગ્લાદેશને 2-1થી હરાવી ચૂક્યું છે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્માએ ટીમની કપ્તાની સંભાળી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો