ચીફ જસ્ટિસની ઓફિસ બાદ ભાજપ, કૉંગ્રેસ સહિતના રાજકીય પક્ષો RTI અંતર્ગત આવશે?

    • લેેખક, અંજલિ ભારદ્વાજ અને અમૃતા જોહરી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે ચુકાદો આપ્યો છે કે ભારતના મુખ્ય ન્યાયાધીશની કચેરી પણ માહિતીના અધિકારના કાયદા અંતર્ગત લોકો પ્રત્યે જવાબદાર રહેશે.

13 નવેમ્બર 2019ના રોજ લેવાયેલા આ નિર્ણયમાં સૌથી મહત્ત્વની વાત એ રહી કે ન્યાયી સ્વતંત્રતા અને જવાબદારી સાથે લઈને ચાલવાની વાત કરવામાં આવી છે. અદાલત માને છે કે સ્વતંત્ર ન્યાયતંત્ર માટે પારદર્શિતા અનિવાર્ય છે.

વર્ષ 2005માં લાગુ કરવામાં આવેલા આરટીઆઈ કાયદામાં વહિવટીતંત્ર, ધારાસભા અને ન્યાયતંત્ર સામેલ છે.

આ કાયદાની મદદથી સામાન્ય નાગરિક સરકારી પદો પર રહેલા લોકો સામે સવાલ ઉઠાવી શકે છે.

દર વર્ષે દેશમાં 60 લાખથી વધુ આરટીઆઈ અરજીઓ થાય છે. આ અરજીઓમાં સરકારની કાર્યપદ્ધતિ, સરકારી યોજનાઓની જાણકારી જેવી બાબતો પૂછવામાં આવે છે.

આ કાયદાની મદદથી લોકોએ સત્તામાં બેઠેલી સરકારના કામકાજ પર સવાલ ઊઠાવ્યા છે અને ઘણા મામલાઓમાં ભ્રષ્ટાચાર અને સત્તાનો દુરુપયોગ પણ સામે આવ્યો છે.

આ જ કારણે ઘણી સંસ્થા આ કાયદાના દાયરામાં આવવાથી પોતાને બચાવતી રહી છે.

જોકે આરટીઆઈ કાયદો લાગુ થતાં પહેલાં સુપ્રીમ કોર્ટે જ તેને નાગરિકનો મૌલિક અધિકાર ગણાવ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટ પોતે કાયદા અંતર્ગત જાણકારી જાહેર કરવામાં સંકોચ કરતી રહી છે.

ત્રણ મુદ્દે થઈ હતી આરટીઆઈ

ત્રણ અલગ-અલગ બાબતો પર કેન્દ્રીય માહિતી આયોગ તરફથી સુપ્રીમ કોર્ટના માહિતી અધિકારીને જાણકારી આપવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. અંતે આ મામલો બંધારણીય પીઠ સામે આવી જ ગયો.

તેમાંથી એક મુદ્દો ન્યાયાધીશોની નિયુક્તિ સાથે સંકળાયેલી માહિતીનો હતો.

વર્ષ 2009માં સુપ્રીમ કોર્ટમાં એક અપીલ દાખલ કરવામાં આવી હતી. જેમાં જસ્ટિસ એચ. એલ. દત્તુ, જસ્ટિસ એ. કે. ગાગુંલી અને જસ્ટિસ આર. એમ. લોઢાને સુપ્રીમ કોર્ટના જજ નિયુક્ત કરવા અંગે માહિતી માગવામાં આવી હતી.

અરજદારે આ નિમણૂક દરમિયાન ત્યારના ચીફ જસ્ટિસ અને અન્ય બંધારણીય અધિકારીઓ વચ્ચે થયેલી વાતચીતની કૉપીની માગ કરી હતી.

આ ત્રણે જજની સિનિયૉરિટીથી હઠીને જસ્ટિસ એ. પી. શાહ, જસ્ટિસ એ. કે. પટનાયક અને જસ્ટિસ વી. કે. ગુપ્તાના પહેલાં સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિ કરવામાં આવી હતી.

અન્ય એક મામલામાં એક મીડિયા રિપોર્ટના આધારે આરટીઆઈ દાખલ કરવામાં આવી હતી. તેમાં એક કેન્દ્રીય મંત્રી પર હાઇકોર્ટના નિર્ણયોમાં દખલ કરવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

અરજદારે આ મુદ્દે સીબીઆઈ અને મદ્રાસ હાઈકોર્ટના જજ વચ્ચે થયેલી વાતચીતની કૉપી માગી હતી.

ત્રીજા મુદ્દામાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની સંપત્તિ અંગેની માહિતી માગવામાં આવી હતી.

પીઆઈઓ અને સીઆઈસી વચ્ચેનો મામલો

ત્રણેય મામલમાં સર્વોચ્ચ અદાલતના માહિતી અધિકારીએ જાણકારી આપવાથી ઇનકાર કરી દીધો હતો.

જોકે, કેન્દ્રીય માહિતી આયોગે પીઆઈઓના નિર્ણય વિરુદ્ધ નિર્ણય લીધો અને તેમને માહિતી જાહેર કરવા માટે આદેશ કર્યો.

ત્યાર બાદ સુપ્રીમ કોર્ટના માહિતી અધિકારીએ પહેલા બે મામલામાં મુખ્ય માહિતી અધિકારીના આદેશ વિરુદ્ધ સીધી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી.

જ્યારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સપંત્તિ જાહેર કરવાના મુદ્દાને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો.

આ મામલાને પડકારવાનો આધાર એ બનાવવામાં આવ્યો કે જજોની સંપત્તિ સાથે જોડાયેલી સૂચના સુપ્રીમ કોર્ટના રજીસ્ટરમાં નથી હોતી, આ જાણકારી મુખ્ય ન્યાયાધીશના કાર્યાલય અંતર્ગત આવે છે, જે આરટીઆઈના કાયદાથી બહાર છે.

આ અંગે હાઈકોર્ટે નિર્ણય આપ્યો કે બાકીની સરકારી કચેરીઓની જેમ ચીફ જસ્ટિસની કચેરી પણ માહિતી હેઠળ આવવી જોઈએ. હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટના પીઆઈઓએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો.

શું રાજકીય પક્ષો પણ આરટીઆઈ હેઠળ આવી જશે?

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં માન્યું છે કે ચીફ જસ્ટિસની કચેરી પણ સુપ્રીમ કોર્ટથી અલગ નથી.

જો સુપ્રીમ કોર્ટ જાહેર અધિકાર હેઠળ આવે છે અને તેથી ચીફ જસ્ટિસની કચેરી પણ તેની અંદર સામેલ છે અને એ જ કારણ છે કે તે આરટીઆઈની અંતર્ગત આવે છે.

હવે આ નિર્ણય બાદ સુપ્રીમ કોર્ટ સાથે જોડાયેલી કોઈ પણ જાણકારી અંગે એવું કહીને ના નહીં પાડી શકાય કે તે ચીફ જસ્ટિસની કચેરી અંતર્ગત આવે છે અને સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં સામેલ નથી.

આ ચુકાદો એ સંસ્થાઓ માટે પણ એક સંકેત હોવો જોઈએ, જે આરટીઆઈના કાયદા હેઠળ લોકો પ્રત્યેની જવાબદારીથી બચવા માગે છે.

આ ચુકાદાથી એ માગને પણ વેગ મળશે જેમાં રાજકીય પક્ષોને આરટીઆઈ અંતર્ગત લાવવાની વાત કરવામાં આવે છે.

વર્ષ 2013માં મુખ્ય માહિતી અધિકારીએ મહત્ત્વનો આદેશ આપતાં દેશના છ મુખ્ય રાજકીય પક્ષોની આરટીઆઈ કાયદા અંતર્ગત જનતા પ્રત્યે જવાબદાર ઠેરવ્યા હતા.

રાજકીય પક્ષોને સરકારી ખજાનામાંથી ઘણો લાભ મળે છે. જેમકે કર રાહત મળે છે, સસ્તા દરે જમીન મળે છે. એટલું જ નહીં આ રાજકીય પક્ષો પોતાના ઢંઢેરામાં રહેલા વાયદાઓને પૂરા કરવાના બદલામાં જનતા પાસેથી પણ મોટી સંખ્યામાં ફંડ ઉઘરાવે છે.

ભારતના લાખો લોકો પોતાની મહેનતની કમાણી આ નેતાઓને ફંડ તરીકે આપે છે ત્યારે તેમને એ જાણવાનો પૂરેપૂરો અધિકાર હોવો જોઈએ કે રાજકીય પક્ષો તેમણે આપેલા પૈસા કઈ રીતે વાપરે છે.

કયાં મૂલ્યોને ધ્યાનમાં રાખીને તેઓ નીતિઓ ઘડે છે. સંસંદમાં વિવિધ બિલનું સમર્થન કરશે કે વિરોધ કરશે અથવા ચૂંટણીમાં પોતાના ઉમેદવારની પસંદગી કરશે.

મુખ્ય માહિતી અધિકારીના આદેશના થોડા સમય બાદ જ બધા રાજકીય પક્ષોએ એકસાથે આદેશ માનવાનો ઇનકાર કરી દીધો હતો.

આવું બહુ ઓછું બને છે કે કોઈ એક મુદ્દા પર બધા જ રાજકીય પક્ષો એકમત હોય પરંતુ આરટીઆઈમાંથી બહાર રહેવાના મુદ્દે આ ભાગ્યેજ જોવા મળતી એકતા જોવા મળી હતી.

તમામ પક્ષો મુખ્ય માહિતી અધિકારીના આદેશનું અપમાન કરીને ન તેને અદાલતમાં પડકારી રહ્યા છે કે ન કોઈ આરટીઆઈનો જવાબ આપે છે.

ઇલેક્ટોરલ બોન્ડ આવ્યા બાદ હવે તો લોકો એ પણ નહીં જાણી શકે કે જે પક્ષને તેઓ મત આપી રહ્યા છે તેને પૈસા ક્યાંથી મળી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટની બંધારણીયે પીઠના નિર્ણયે દેશની સૌથી ઉચ્ચસ્તરની કચેરીને આરટીઆઈ હેઠળ લાવી દીધી છે. તેનાથી ચોક્કસ રાજકીય પક્ષોમાં પારદર્શકતા લાવવાના સંઘર્ષને વેગ મળશે.

(અંજલી ભારદ્વાજ નેશનલ કૅમ્પેન ફૉર પીપલ્સ રાઇટ ટૂ ઇન્ફૉર્મેશન (એનસીપીઆરઆઈ)નાં સંયોજક છે. અમૃતા જોહરી તેમનાં સહયોગી છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો