બર્લિનની દીવાલ ધ્વસ્ત કરાયાનાં 30 વર્ષ બાદ યુરોપમાં ઊભી થઈ રહી છે નવી દીવાલો?

    • લેેખક, પીટર બૉલ
    • પદ, બીબીસી

બર્લિન વૉલ ધ્વસ્ત કરી દેવાયાને 30 વર્ષ વીતી ચૂક્યાં છે. બર્લિન વૉલ એટલે એ ઘાતક બૉર્ડર જે શીત યુદ્ધ દરમિયાન સામ્યવાદી એવા પૂર્વ યુરોપના વાસીઓને પશ્ચિમ યુરોપમાં જતા અટકાવતી હતી.

પરંતુ બર્લિન વૉલ ધ્વસ્ત કરી દેવાયાના 3 દાયકા બાદ, ફરીથી ખંડને બે ભાગમાં વહેંચતી સેંકડો કિલોમિટર લાંબી વાડ બાંધવામાં આવી રહી છે. જેનો ઘણા ઉદ્દેશો પૈકી એક લોકોની અવરજવરને પ્રતિબંધિત કરવાનો પણ છે.

આ બાબત યુરોપની હિજરતીઓ સાથેની મુશ્કેલીઓ પર પ્રકાશ પાડે છે. મેડિકલ ચૅરિટી એમ. એસ. એફ. અનુસાર "આવા પગલાથી વેર વાળવાની વૃતિના કારણે હિજરતીઓનાં મૃત્યુના બનાવો અને તેમને સહન કરતી મુશ્કેલીઓનું સામાન્યીકરણ થશે."

સમગ્ર યુરોપમાં દેખાઈ રહેલું આ ચલણ આજના યુરોપિયન દેશો હિજરતના માનવીય પાસાનો વિચાર કર્યા વગર તેને કારણે સર્જાતી આર્થિક અને રાજકીય અસરોથી કેટલા ચિંતિત છે એ વાત તરફ આંગળી ચીંધે છે.

એક વિભાજિત ખંડ

બીજા વિશ્વયુદ્ધ બાદ, સમગ્ર યુરોપને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યું હતું, એક સામ્યવાદી પૂર્વ અને બીજું મૂડીવાદી પશ્વિમ.

પૂર્વ બાજુની સરકાર વધુ પડતી આપખુદ બની જતાં 1949થી 1961ની વચ્ચે પૂર્વ જર્મનીમાંથી 27 લાખ લોકો હિજરત કરીને પશ્ચિમ જર્મની તરફ ચાલ્યા ગયા હતા.

આ હિજરતને અટકાવવા માટે પૂર્વ યુરોપના દેશોએ સોવિયેત સંઘના વડપણ હેઠળ એક ખૂબ જ આકરી બૉર્ડરની યોજના અમલમાં મૂકી.

આ બૉર્ડર પર ઇલેક્ટ્રિક વાડ, લૅન્ડમાઇન અને હથિયારધારી સૈનિકો તહેનાત કરી દેવાયા. જેઓ પૂર્વમાંથી હિજરત કરીને પશ્વિમ તરફ જતા લોકોને જોતાં જ ઠાર કરી દેતા.

શીત યુદ્ધના અંત બાદ બ્રિટનનાં વડાં પ્રધાન માર્ગરેટ થૅચરે પૂર્વ યુરોપિયન દેશોની આ કાર્યવાહીને વખોડતાં કહ્યું કે, "સ્વતંત્રતા તરફની દોટને અટકાવવા માટે પૂર્વી યુરોપના દેશોએ નિષ્ઠુરપણા અને શયતાનિયતની તમામ હદો વટાવી દીધી છે."

લોકોને પૂર્વ યુરોપમાંથી પશ્ચિમ યુરોપમાં જતા અટકાવવા માટે આખા યુરોપમાં જે પ્રયત્નો થઈ રહ્યા હતા, તે પૈકી સૌથી વધારે કુખ્યાત પ્રયત્ન બર્લિન વૉલ તરીકે ઓળખાય છે.

આ દીવાલે જર્મનીના ઐતિહાસિક પાટનગર બર્લિનને બે ભાગમાં વહેંચી દીધું હતું. જેનું નિર્માણ 1961માં થયું હતું.

વર્ષ 2017માં બર્લિનની ફ્રી યુનિવર્સિટીના એક અભ્યાસ મુજબ એ દીવાલને પાર કરવાના પ્રયાસમાં 262 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા હતા.

ઉષ્માભેર સ્વાગત

એક સમય એવો પણ હતો જ્યારે પૂર્વમાંથી સલામતપણે ભાગીને આવનાર માણસોનું પશ્ચિમના લોકો દ્વારા સ્વાગત કરાતું.

બદલામાં સફળતાપૂર્વક ભાગીને આવનાર લોકો પૂર્વના દેશોએ લાદેલા પ્રતિબંધને વખોડતા અને એ પ્રતિબંધનો અમલ કરવા માટે કરાતા અત્યાચારની ટીકા કરતા.

પશ્ચિમના દેશો અવરોધો ઊભા કરવાની નીતિનો વિરોધ થવો સ્વાભાવિક માનતા, કારણ કે આવા પ્રકારના પ્રતિબંધ વધુ સમય સુધી લાગુ કરી શકાય નહીં.

શીત યુદ્ધના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો આ પરિસ્થિતિ પૂર્વી યુરોપના દેશો માટે ઘણી જ અપમાનિત કરે એવી હતી, કારણ કે તેમના ઘણા નાગરિકો તેમની વિચારધારા કરતાં તદ્દન વિપરીત વિચારધારાવાળા દેશોમાં જઈને રહેવા માટે આતુર હતા.

એ સમય દરમિયાન જ પશ્ચિમી યુરોપના દેશોનું અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યું હતું. સાથે જ ત્યાં બેરોજગારીનો દર પણ ખૂબ જ ઓછો હતો. તેમજ હિજરતના કારણે આ દેશોમાં રહેલી કામદારોની અછતની સમસ્યાનું પણ નિરાકરણ થઈ રહ્યું હતું.

બીજા વિશ્વયુદ્ધ બાદ સર્જાયેલી કામદારોની અછતને પહોંચી વળવા માટે બ્રિટન સરકારે પૂર્વી યુરોપમાંથી યુનાઇટેડ કિંગડમમાં આવીને વસવા માટે હિજરતીઓને મદદ કરવાની યોજના ઘડી,

બર્લિન વૉલ અસ્તિત્વમાં આવ્યા બાદ પશ્ચિમ જર્મની દ્વારા તુર્કી અને મોરક્કો જેવા દેશો સાથે કરાર કર્યા જેથી પૂર્વ યુરોપના પ્રતિબંધને કારણે હિજરતીઓની ઘટતી જતી સંખ્યા માટે અન્ય વ્યવસ્થા થઈ શકે.

હિજરતીઓની મર્યાદિત સંખ્યાને કારણે પશ્ચિમી યુરોપના દેશો માટે અનુકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ થયું, કારણ કે ત્યાંના નેતાઓને પૂર્વી યુરોપના દેશોની નીતિઓને વખોડવાની તક પણ મળી જતી અને બીજી બાજુ પૂર્વી યુરોપમાંથી હિજરતીઓનું માનવ મહેરામણ આવી પહોંચશે એવી ચિંતા પણ નહોતી.

નવું યુરોપ

પરંતુ આ અનુકૂળ પરિસ્થિતિ હંમેશાં માટે જળવાઈ ન રહી.

પૂર્વી યુરોપિયન દેશોનો સંઘ વર્ષો પહેલાં પડી ભાંગ્યો છે અને એ સંઘના ઘણા સામ્યવાદી દેશો હવે યુરોપિયન સંઘનો એક ભાગ બની ગયા છે. પરંતુ હવે હિજરતીઓ તરફના વલણમાં પરિવર્તન આવી ગયું છે.

જે દેશો પોતાના નાગરિકો જતા રોકવા માટે પહેલાં દીવાલો ચણી રહ્યા હતા, એ દેશો હવે બીજા દેશોના નાગરિકોને પોતાના દેશમાં આવતા અટકાવવા માટે અવરોધો ઊભા કરી રહ્યા છે.

જો કે, યુરોપિયન યુનિયનમાં અંદરોઅંદર ફરવું ઘણું જ સરળ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સંઘે પોતાની બાહ્ય બૉર્ડર વધુ મજબૂત બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. જેને ઘણા લોકો 'યુરોપની કિલ્લેબંધી' નામક નીતિ તરીકે ઓળખાવે છે.

જોકે, યુરોપની બૉર્ડરરક્ષણની નીતિનું મુખ્ય કેન્દ્ર તેની દક્ષિણ સરહદ તરફ કેન્દ્રિત છે. આ સરહદે જ આફ્રિકા, મધ્ય-પૂર્વ અને એશિયાના ઘણા દેશોની સરહદો યુરોપની સરહદ સાથે જોડાય છે.

હંગેરીએ સર્બિયા સાથેની પોતાની બૉર્ડર પર 155 કિલોમિટર લાંબી વાડ બનાવી દીધી છે. નોંધનીય છે કે તેની આ બૉર્ડર અલાર્મ અને થર્મલ ઇમેજિંગ કૅમેરાથી સજ્જ છે.

જ્યારે બલ્ગેરિયાએ તુર્કી સાથીની પોતાની સરહદ પર 260 કિલોમિટર લાંબી વાડ બનાવી દીધી છે.

ભૂમધ્ય સમુદ્રના પ્રદેશોમાંથી જેમ કે, આફ્રિકામાંથી સમુદ્ર માર્ગે આવતા હિજરતીઓને યુરોપિયન યુનિયનના પ્રદેશોમાં આવતા અટકાવીને તેમના મૂળ દેશો તરફ પાછા રવાના કરી દેવાય છે. ટ્રાન્સનેશનલ ઇન્સ્ટિટ્યુટ જેવા કેટલાક પ્રેશર ગ્રૂપ આ વ્યવસ્થાને 'સમુદ્રી દીવાલ' તરીકે વર્ણવે છે.

પરંતુ અહીં માત્ર યુરોપની સરહદો પર બીજા દેશોને નાગરિકોની ઘૂષણખોરી અટકાવવાના પ્રયત્નો થાય છે એવું નથી. ઘણા યુરોપિયન દેશોએ પણ એકબીજાની ભૌગોલિક સરહદો પર લોકોની અવરજજવરને અંકુશમાં રાખવા વાડ કે દીવાલ પ્રકારની વ્યવસ્થા કરી દીધી છે.

હંગેરીએ પણ ક્રોએશિયા સાથેની પોતાની સરહદ પર 300 કિલોમિટર લાંબી વાડ બનાવી છે. ઑસ્ટ્રિયાએ સ્લોવેનિયા સાથેની સરહદ પર, સ્લોવેનિયાએ ક્રોએશિયા સાથેની પોતાની સરહદ પર આવી જ વાડ બાંધી દીધી છે.

મેડિકલ ચૅરિટી એમ. એસ. એફ. આ અંગે જણાવે છે કે, "યુરોપિયન સંઘે પોતાના માઇગ્રેશન મૅનેજમૅન્ટ અને બૉર્ડર પ્રોટેક્શનની નીતિઓના કારણે અપાર મુશ્કેલીઓનું સર્જન કર્યું છે."

ભાવભીનો આવકાર બની જૂની વાત

હિજરતીઓ તરફના વલણમાં આવેલા પરિવર્તનને કારણે યુરોપની સરહદીવ્યવસ્થા કડક બનાવાઈ છે.

પહેલાં પૂર્વી યુરોપની અત્યાચારી નીતિઓની ટીકા કરી હિજરતીઓ પ્રત્યે નરમ વલણ રાખવામાં રાજકારણીઓ પોતાનો લાભ જોતા હતા.

શીત યુદ્ધનો અંત આવ્યાના દાયકાઓ બાદ વર્ષ 2015માં યુરોપ માટે હિજરત એ એક ખૂબ વિકટ સમસ્યા બની છે.

વર્ષ 2015થી હિજરતીઓનાં ટાળેટોળાં યુરોપિયન સંઘના પ્રદેશોમાં ધસી આવ્યાં. એ વર્ષના ઑક્ટોબર મહિનામાં જ 2,20,000 હિજરતીઓ અન્ય દેશોમાંથી ત્યાં આવી પહોંચ્યા.

સમગ્ર યુરોપમાં તીવ્ર જમણેરી પક્ષો હિજરતના મુદ્દાને આગળ ધરીને તાકતવર બન્યા, તેમજ ઘણા મુખ્ય-ધારાના પક્ષોએ પણ પોતાની નીતિઓમાં ફેરફાર કરી દીધો.

વર્ષ 2008ની આર્થિક મંદીના કારણે યુરોપના મોટા ભાગના દેશોનાં અર્થતંત્રની પરિસ્થિતિ અસ્થિર છે. તેમજ ઊંચો વિકાસદર અને નીચા બેરોજગારીદરની વાતો હવે માત્ર યાદો બનીને રહી ગઈ છે.

હિજરતીઓનાં ટોળાંને આખા યુરોપના દેશો વચ્ચે વહેંચી લેવાની વાતો પણ થઈ, પરંતુ એ પ્રયત્નો પણ નિષ્ફળ નિવડ્યા, કારણ કે યુરોપના દેશોમાં જ અંદરોઅંદર કયા દેશોમાં કેટલા હિજરતીઓને મોકલવા તે વાતને લઈને ઝઘડાં થવાનું શરૂ થઈ ગયું.

પ્રતિબંધનું પ્રતીક બની બૉર્ડર

આ પરિસ્થિતિને કારણે આખા યુરોપમાં હિજરતીઓને રોકવા માટે બૉર્ડર બનાવવાની શરૂઆત થઈ ગઈ. જાન્યુઆરી, 2017 સુધીમાં આખા યુરોપમાં માત્ર 7,000 હિજરતીઓ જ આવી શક્યા.

ગઈ સદીના હિજરતીઓ પ્રત્યેના માનવીય અભિગમને આ સદીમાં જાણે ભુલાવી દેવાયો છે.

વર્ષ 2015માં યુરોપમાં આવેલા હિજરતીઓ પૈકી 33% સીરિયાના, 15% અફઘાનિસ્તાન અને 6% ઇરાકના હતા. નોંધનીય છે કે આ તમામ દેશો એ સમયે આંતરિક વિગ્રહનો ભોગ બન્યા હતા. જેમાં હજારો લોકોએ જીવ પણ ગુમાવવા પડ્યા હતા.

પરંતુ તેમની સમસ્યાઓ અને પરિસ્થિતિઓ પ્રત્યે યુરોપને એટલી સહાનુભૂતિ નહોતી કે જેટલી તેમને દશકો પહેલાં આવેલા પૂર્વી યુરોપના હિજરતીઓ પ્રત્યે હતી.

કદાચ યુરોપનું આ વલણ હિજરતીઓ ક્યાંથી આવે છે તેના પર આધારિત હશે.

હંગેરીયન ઇતિહાસકાર ગુસ્તાવ કેસ્કેસે રૉયટર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, "શીત યુદ્ધે હિજરતના પ્રશ્નને ખૂબ જ અગત્યનો રાજકીય પ્રૉપગૅન્ડા બનાવી દીધો હતો. પૂર્વી યુરોપમાંથી હિજરતી તરીકે આવતા તમામ લોકો પશ્વિમી યુરોપના દેશોના ગુણગાન ગાતા હતા."

"તેમજ આ લોકો મોટા ભાગે ખ્રિસ્તી યુરોપિયનો હતા અને યુવાન પણ હતા. તેઓ ભણેલા-ગણેલા હોવાની સાથે એ સમય પ્રમાણે અત્યંત મહત્ત્વપૂર્ણ એવા સામ્યવાદના વિરોધીઓ પણ હતા. તેનો અર્થ એ થયો કે એ હિજરતીઓ જે દેશોમાં જવા માગતા હતા ત્યાંની વિચારધારા સાથે સંમત હતા."

"પરંતુ હાલ જે લોકો આવી રહ્યા હતા. તેઓ મોટા ભાગે બિનકુશળ અને કુશળ લોકોનું મિશ્રણ હતા, તેઓ શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાંથી આવતા હતા. આ સિવાય પણ તેઓ તો સીરિયા, ઇરાક અને અફઘાનિસ્તાનમાંથી આવેલા વયસ્કો અને બાળકો હતા. તેઓ એવા યુદ્ધની પરિસ્થિતિમાંથી બચવા માટે ભાગીને આવ્યા હતા જેનો કોઈ અંત નહોતો. આ સિવાય તેઓ જે દેશોમાં જવા માટે ઉપડ્યા હતા ત્યાંની સંસ્કૃતિ કરતાં બીજી સંસ્કૃતિ અને ધર્મમાંથી આવતા હતા."

"તેમજ હાલ યુરોપિયન સંઘ હિજરતીઓને આટલી સંખ્યામાં રાખવા માટેની ઇચ્છાશક્તિ ધરાવતું નથી. રાજકીય પરિબળો પણ તેને આમ કરતા રોકે એમ છે."

"પરંતુ યુરોપિયન સંઘની બૉર્ડરની બહાર નીકળતાની સાથે જ આવેલું તુર્કી આ હિજરતીઓનાં ટોળાંને આવકારી રહ્યું છે."

"તુર્કીમાં માત્ર સીરિયાથી 36 લાખ હિજરતીઓ આવી પહોંચ્યા છે. જ્યારે જર્મનીમાં પણ સીરિયાના 11 લાખ લોકોએ શરણ લીધી છે."

"યુરોપિયન સંઘના એક દેશ જર્મનીની વસતિ તુર્કી કરતાં થોડીક જ વધારે છે, જ્યારે તેના અર્થતંત્રનું કદ તુર્કી કરતાં ચાર ગણું છે. તેમ છતાં જર્મની તુર્કી કરતાં ત્રીજા ભાગના હિજરતીઓને શરણ આપી રહ્યું છે."

"તેમ છતાં જર્મની આખા યુરોપમાંથી સૌથી વધારે હિજરતીઓને શરણ આપનાર દેશ બન્યું છે. જ્યારે યુનાઇટેડ કિંગડમમાં માત્ર 1,26,000 હિજરતીઓને શરણ મળી છે."

આ અંગે યુરોપિયન યુનિયન દલીલ રજૂ કરે છે, "બીજા વિશ્વ યુદ્ધ બાદથી સર્જાયેલી સૌથી ચિંતાજનક હિજરતી સંકટ સમયે અમે ઑસ્ટ્રેલિયા, કેનેડા અને અમેરિકા દ્વારા સંયુક્તપણે જેટલા હિજરતીઓને શરણ અપાઈ છે તેના કરતાં પણ વધારે એટલે કે કુલ 7,20,000 હિજરતીઓને અમારે ત્યાં શરણ આપીને તેમનું પુનર્વસન કર્યું છે."

પરંતુ સંયુક્ત રાષ્ટ્ર પ્રમાણે, "બાહ્ય સરહદો ઊભી કરીને અને હિજરતીઓની જવાબદારી ઓછાં સંસાધનોવાળાં રાજ્યોને સોંપી, જ્યાં તેમણે મારઝૂડ અને સેક્સ્યુઅલ હિંસાનો ભોગ બનવું પડે છે, યુરોપિયન સંઘની આવી નીતિઓએ હિજરતીઓના અધિકારો પર તરાપ મૂકવાનું કામ કર્યું છે."

સંયુક્ત રાષ્ટ્રનું આ અવલોકન 1989માં સર્જાયેલા આશાવાદથી તદ્દન અલગ છે. એ સમયે પશ્ચિમી યુરોપ જે પોતાને સહિષ્ણુતા અને સ્વાતંત્ર્યનો આગેવાન માનતું, જેણે પોતાની નીતિઓથી સામ્યવાદી પૂર્વી યુરોપને હાર આપી હતી. તેણે પોતાની કીર્તિ લગભગ ધોઈ નાખી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો