You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
TOP NEWS: નીરવ મોદીની જામીનની અરજી પાંચમી વખત ખારિજ કરાઈ
લંડનની એક અદાલતે ફરી એક વખત નીરવ મોદીની જામીન માટેની અરજી ખારિજ કરી દીધી છે. પંજાબ નેશનલ ગોટાળાના આરોપી નીરવ મોદીએ જામીન માટે કરેલી અરજી પર બુધવારે બ્રિટનમાં સુનાવણી હતી.
આ પહેલાં અદાલતે ચાર વખત નીરવ મોદીની જામીન અરજી રદ કરી છે.
લંડનના હોલ્બોર્ન વિસ્તારમાંથી તેમની 19 માર્ચે ધરપકડ કરાઈ હતી.
નીરવ મોદી પર પંજાબ નેશનલ બૅન્ક પાસેથી 13 હજાર કરોડ રૂપિયાની લૉન લઈને નહીં ચૂકવવાનો આરોપ છે.
આ ગોટાળાને ભારતનો સૌથી મોટો બૅન્ક ગોટાળો ગણવામાં આવે છે.
ભારતે બ્રિટન સમક્ષ નીરવ મોદીને પ્રત્યાર્પિત કરવાની માગ પણ કરી છે. નીરવ મોદી 2018થી બ્રિટનમાં છે.
હાર્દિક પટેલનું સરકારને અલ્ટિમેટમ
ગુજરાતમાં વાવાઝોડાંને પગલે પડેલા કમોસમી વરસાદના લીધે ખેડૂતોએ ભારે નુકસાન વેઠવું પડ્યું છે.
આ સંદર્ભે પાટીદાર અનામત આંદોલન સમિતિ અને હવે કૉંગ્રેસ સાથે જોડાયેલા નેતા હાર્દિક પટેલે રાજકોટમાં એક પત્રકારપરિષદ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પત્રકાર પરિષદમાં હાર્દિક પટેલે ગુજરાત સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવતા કહ્યું, "ભાજપ સરકાર ખેડૂતોના હિતમાં કામ નહીં કરે તો ખેડૂત સરકાર વિરુદ્ધ બોલશે અને લડશે."
"ગુજરાતમાં ખેડૂતોને બચાવવા છે તો ગુજરાતમાં ભાજપ સરકારે રાજીનામું આપવું જોઈએ. કેમ કે ગુજરાત સરકાર પાસે ખેડૂતોના હિતમાં એક પણ યોજના નથી."
"સતત વરસાદના કારણે બચેલો પાક પણ નાશ પામ્યો છે. સરકાર ખેડૂતોને વીમો પણ આપી રહી નથી. વીમા કંપની ખેડૂતોને જવાબ આપી રહી નથી."
તેમણે ઉમેર્યું, "ગુજરાત સરકાર પાસે સાત દિવસનો સમય છે, ખેડૂતોની સમસ્યાનું સમાધાન કરે, નહીં તો જનઆંદોલનનો સામનો કરે."
ગુજરાતથી મધ્યપ્રદેશ સુધી 'મહા' વાવાઝોડાની અસર
7 નવેમ્બરના રોજ 'મહા' વાવાઝોડું પોરબંદરની નજીક ત્રાટકશે.
સ્કાયમેટના રિપોર્ટ પ્રમાણે મહા વાવાઝાડું સતત ઉત્તર પૂર્વી દિશામાં આગળ વધી રહ્યું છે અને તોફાનની અસર પશ્ચિમ મધ્યપ્રદેશ સુધી થવાની શક્યતા છે.
જોકે, શક્યતા છે કે ગુજરાતમાં જ તોફાનની તીવ્રતા ઘટી જશે જેનાથી અન્ય રાજ્યોને તોફાનની વધારે અસર થશે નહીં.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે ગુરુવારની સવારે 'મહા' વાવાઝોડાની ગતિ 70થી 80 કિલોમિટર પ્રતિકલાકની હશે.
તોફાનના પગલે ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાત અને મહારાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
'મહા'ની સાથે સાથે બંગાળની ખાડીમાં બુલબુલ વાવાઝોડા સર્જાવાનું શરૂ થયું છે.
પોલીસ-વકીલ વિવાદ : દિલ્હી પોલીસના ધરણાં ખતમ
દિલ્હીમાં પોલીસકર્મીઓનું આશરે 11 કલાક સુધી ચાલેલું વિરોધ પ્રદર્શન વરિષ્ઠ પોલીસ અધિકારીઓના આશ્વાસન બાદ મંગળવારની રાત્રે પૂર્ણ થઈ ગયું.
દિલ્હીની તીસ હઝારી કોર્ટ પરિસરની બહાર શનિવારના રોજ પોલીસ અને વકીલો વચ્ચે થયેલી ઝપ્પાઝપ્પી બાદ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ મંગળવારની સવારે ITO સ્થિત દિલ્હી પોલીસ હેડક્વાર્ટરની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.
રાત્રે આશરે 8 કલાકે દિલ્હી પોલીસકર્મીઓએ પોતાના ધરણાં બંધ કરવાની ઘોષણા કરી.
જાણકારી પ્રમાણે દિલ્હી પોલીસકર્મીઓની માગ માની લેવામાં આવી છે. જોકે, તેમને લેખિતમાં કોઈ આશ્વાસન આપવામાં આવ્યું નથી.
પ્રદર્શનકારી પોલીસકર્મીઓ સાથે વાત કરતા પોલીસ કમિશનર સતીશ ગોલચાએ તેમને ડ્યૂટી પર પરત ફરવાની અપીલ કરી અને વાયદો કર્યો કે તીસ હઝારી કોર્ટ બહાર થયેલી હિંસા પર દિલ્હી હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ પુનઃવિચાર અરજી દાખલ કરવામાં આવશે.
અયોધ્યા : 'ઝનૂની ઉજવણી નહીં, હારનો હોબાળો નહીં'
અયોધ્યા રામજન્મભૂમિ વિવાદ મામલે થોડા દિવસમાં નિર્ણય આવવાનો છે.
અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલાં મુસ્લિમ સમાજ સુધી પહોંચ બનાવવા માટે RSS અને ભાજપના વરિષ્ઠ નેતાઓએ મુસ્લિમ સમાજના મૌલવીઓ સાથે મુલાકાત કરી હતી.
બેઠકમાં ભાગ લેનારા લોકોએ સામાજિક સમરસતા અને એકતા જાળવી રાખવાના મુદ્દા પર ભાર આપ્યું.
ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે બેઠકમાં કહેવામાં આવ્યું કે કોર્ટના નિર્ણય મામલે ન તો 'ઝનૂની ઉજવણી' થવી જોઈએ અને ન 'હારનો હોબાળો' થવો જોઈએ.
અલ્પસંખ્યક મામલાના મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીના ઘરે યોજાયેલી આ બેઠકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા કૃષ્ણ ગોપાલ અને રામલાલ હાજર રહ્યા હતા.
તેમની સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી શાહનવાઝ હુસૈન, જમીયત ઉલેમા-એ-હિંદના મહાસચિવ મહમૂદ મદની, શિયા ધર્મગુરુ કલ્બે જવાદ, ફિલ્મ નિર્માતા મુઝફ્ફર અલી અને મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના પ્રમુખ સભ્યો સામેલ થયા હતા.
'હવે ઘૂંઘટના દિવસો ગયા'
દેશના વિકાસમાં નારી શક્તિની જરૂરિયાત પર વાત કરતા રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે કહ્યું છે કે જેમ બને તેમ જલદી 'ઘૂંઘટ'ની પ્રથા હટાવી દેવી જોઈએ.
ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે મહિલાઓના ચહેરા ઢાંકવા માટે ઘૂંઘટ તેમજ બુરખાની પ્રથા સામે નારાજગી વ્યક્ત કરતા અશોક ગેહલોતે કહ્યું કે આ પ્રથા જૂના જમાનાની છે અને સમાજને કોઈ હક નથી કે તે મહિલા પર ઘૂંઘટની પ્રથા થોપે.
તેમણે ઉમેર્યું, "જ્યાં સુધી ચહેરા પર ઘૂંઘટ રહેશે, ત્યાં સુધી મહિલાઓ ક્યારેય આગળ વધી શકશે નહીં. ઘૂંઘટના દિવસો હવે ગયા. તમારે આત્મવિશ્વાસ અને હિંમત સાથે આગળ વધવું જરૂરી છે. તમને સરકાર સમર્થન આપશે."
"જ્યારે તમે મહિલાને દુર્ગા અને દેવી કહીને બોલાવો છો, તો તેમને દેશના વિકાસમાં ભાગીદાર બનવામાં પણ મદદ કરવી જોઈએ. હું તમને કહેવા માગીશ કે હવે સમય બદલાઈ ગયો છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો