ભારત-બાંગ્લાદેશ વચ્ચે રાજકોટમાં રમાનારી ટી-20 મૅચ પર 'મહા' વાવાઝોડાનો ખતરો

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટી-20 સિરીઝ પર હવે 'મહા' વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે.

ભારત-બાંગ્લાદેશ વચ્ચે યોજાનારી બીજી ટી-20 મૅચ ગુરુવારે સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે યોજાવાની છે.

'મહા' વાવાઝોડાને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

આ ઉપરાંત 6 નવેમ્બરે બુધવારે પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીના ફિરોઝશાહ કોટલા ખાતે યોજાયેલી પહેલી ટી-20 મૅચમાં ખરાબ હવાના કારણે ખેલાડીઓ પરેશાન થયા હતા.

સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશનના પ્રમુખ જયદેવ શાહે કહ્યું છે કે અમે પહેલાંથી જ પીચને તૈયાર કરી રાખી છે અને તેને ઢાંકી રાખી શકાશે. અમે ઘણી મોટી આઉટફિલ્ડ કવર કરી છે. વધુમાં અમારા મેદાનની ગટર વ્યવસ્થા સારી છે એટલે વરસાદ પડશે પરંતુ મૅચમાં તે મુશ્કેલી ઊભી નહીં કરી શકે.

સુરતમાં ડેન્ગ્યુએ માઝા મૂકી

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર સુરતમાં ઑક્ટોબર માસમાં ડેન્ગ્યુના કુલ 199 કેસ નોંધાયા છે.

જે છેલ્લા દાયકામાં એક મહિનામાં નોંધાયેલાં સૌથી વધુ કેસ છે.

ચાલુ વર્ષે સુરત શહેરમાં ડેન્ગ્યુના 217 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 221 કેસ નોંધાયા છે.

સુરત ગ્રામ્યમાંથી જાન્યુઆરીથી ઑક્ટોબર દરમિયાન 654 નમૂના લેવામાં આવ્યા હતા.

દિલ્હી પ્રદૂષણ મામલે સરકાર પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ - સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે વાયુ પ્રદૂષણને 'જીવનના મૂળભૂત અધિકારનો ગંભીર અનાદર' ગણાવતાં સોમવારે કહ્યું છે કે રાજ્ય સરકાર અને સ્થાનિક સંસ્થાઓ પોતાની ડ્યૂટી કરવાનું કામ કરે.

પરાળ સળગાવવા અને પ્રદૂષણને લઇને સુપ્રીમ કોર્ટે પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશના ચીફ સેક્રેટરીને સમન્સ પાઠવ્યું છે.

સાથે જ સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે જો દિલ્હી એનસીઆરમાં કોઈ વ્યક્તિ બાંધકામ અથવા તોડફોડ કરતો નજરે પડશે તો તેની પર એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવે. કચરો સળગાવવા પર 5,000 રૂપિયાનો દંડ થશે.

કોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારને કહ્યું છે કે નિષ્ણાંતોની મદદથી પ્રદૂષણ પર કાબૂ મેળવવા માટે પગલાં ભરે. આની આગામી સુનવણી 6 ઑક્ટોબરે થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો