સંપત્તિ વિવાદમાં મહિલા અધિકારીને 'જીવતાં સળગાવાયાં'

મહિલા અધિકારીને જીવતાં સળગાવાયાં
    • લેેખક, દીપ્તિ બથિની
    • પદ, બીબીસી તેલુગુ

તેલંગણામાં સંપત્તિ વિવાદને લઈને મહિલા મહેસૂલ અધિકારીને તેમના જ કાર્યાલયમાં જીવતાં સળગાવી દેવામાં આવ્યાં.

સ્થાનિક પોલીસે આ ઘટનાની ખરાઈ કરી છે. પોલીસે આ મામલે કલમ 302 અને 307 અંતર્ગત કેસ દાખલ કર્યો છે.

સોમવારે થયેલા આ હુમલાને કારણે વિજયા રેડ્ડીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

મહિલા અધિકારીને તેમના એક કર્મચારીએ બચાવવાનો પ્રયાસ કર્યો પણ દાઝી જવાથી મંગળવારે તેમનું પણ મૃત્યુ થયું.

ઘટનાના વીડિયોમાં અધિકારી મદદ માટે ચીસો પાડી રહ્યાં છે અને એક વ્યક્તિ તેમની પર ધાબળો નાખતી દેખાઈ રહી છે.

પોલીસે કહેવું છે કે તેમણે આરોપીની અટકાયત કરી લીધી છે. આ ઘટનામાં આરોપી પણ દાઝી ગયા છે.

જ્યારે પોલીસે અટકાયત કરી ત્યારે આરોપીનું શરીર 60 ટકા જેટલું દાઝી ગયું હતું, જેને બાદમાં સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ ઘટના બપોરે દોઢ વાગ્યે એ વખતે ઘટી જ્યારે રેડ્ડી એક સુનાવણી બાદ અદાલતમાંથી પરત ફર્યાં હતાં.

સંદિગ્ધ આરોપી સુરેશ
ઇમેજ કૅપ્શન, સંદિગ્ધ આરોપી સુરેશ

તેઓ તેમના કાર્યાલયમાં એક વ્યક્તિ સાથે મુલાકાત કરી રહ્યાં હતાં. પોલીસના જણાવ્યા પ્રમાણે તેમને મળવા આવેલી વ્યક્તિનું નામ સુરેશ છે.

રેડ્ડીને બચાવવાના પ્રયાસમાં બે કર્મચારી ચંદરિયાહ અને ગુરુનાથમ પણ દાઝી ગયા છે.

ગુરુનાથમે તેમના નિવેદનમાં જણાવ્યું, "તેઓ દરવાજો ખોલવામાં સફળ રહ્યાં અને બહાર આવ્યાં. અમે તેમને સુરેશથી દૂર લઈ જવાનો પ્રયાસ કર્યો."

"તેઓ જમીન પર પડી ગયાં અને અમને ખ્યાલ આવ્યો કે આગ દરેક જગ્યાએ પ્રસરી ગઈ હતી."

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે આગ લાગવાને લીધે ઈજાગ્રસ્ત થવા છતાં સુરેશ ત્યાંથી ભાગી નીકળ્યા.

પોલીસ તેમને રસ્તા પર જોયા અને હૉસ્પિટલમાં લઈ ગઈ.

ઘટના તેલંગણાની રાજધાની હૈદરાબાદથી 32 કિલોમિટર દૂર અબ્દુલ્લાહપુરમેટમાં ઘટી.

પોલીસ કમિશનર મહેશ ભગતે મીડિયાને જણાવ્યું, "અમે એ વાતની તપાસ કરી રહ્યા છે કે શું આ ઘટનાને આ વ્યક્તિએ જ અંજામ આપ્યો છે કે આની પાછળ અન્ય કોઈ વ્યક્તિ છે."

મહિલા અધિકારીને જીવતાં સળગાવાયાં

નજીકના ગામમાં રહેતા સુરેશ અને તેમનો પરિવાર એક સંપત્તિને લઈને અદાલતમાં એક કેસ લડી રહ્યા છે.

સુરેશના પિતા કૃષ્ણાએ મીડિયાને કહ્યું, "એક ભૂમિવિવાદને લઈને એક કેસ ચાલી રહ્યો છે. અમે નથી જાણતા કે તે અધિકારીને મળવા કેમ ગયો હતો."

તેલંગણાના મહેસૂલ અધિકારી સંગઠને જણાવ્યું કે તેઓ આ ઘટનાના વિરોધમાં ત્રણ દિવસ સુધી કામનો બહિષ્કાર કરશે.

સંગઠનના અધ્યક્ષ રવીન્દ્ર રેડ્ડી વંગાએ જણાવ્યું, "આ દુર્ભાગ્યપૂર્ણ છે કે આ પ્રકારની ઘટના સરકારી કચેરીમાં ઘટી છે."

તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે છેલ્લાં બે વર્ષમાં એવી ઘણી ઘટનાઓ ઘટી છે, જેમાં જનતાએ મહેસૂલ અધિકારી સાથે મારામારી કરી હોય.

મેહસૂલ વિભાગના ઘણા અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે છેલ્લાં થોડાં વર્ષોમાં મહેસૂલ અધિકારીઓ પ્રત્યે નકારાત્મક વાતાવરણ જોવા મળ્યું છે, કેમ કે મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર પોતો અધિકારીઓના ભ્રષ્ટાચાર વિરુદ્ધ જાહેર મંચ પરથી બોલતા રહે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો