WTOનો એ નિર્ણય જેનાથી ભારતને મોટો ફટકો પડ્યો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અરુણોદય મુખરજી
- પદ, બીબીસી બિઝનેસ સંવાદદાતા
ભારત અને અમેરિકા વચ્ચેના વેપારસંબંધી એક વિવાદમાં 'વિશ્વ વેપાર સંગઠન' (WTO)એ અમેરિકાના પક્ષમાં નિર્ણય આપ્યો છે.
ભારતમાંથી અમેરિકામાં નિકાસ થનારી પેદાશો પર જે સબસિડી અપાય છે તે નક્કી કરાયેલા નિયમોનું ઉલ્લંઘન છે, એ વાત સાથે WTOએ સંમતિ દર્શાવી છે. WTOનો આ નિર્ણય ભારત માટે એક મોટો ફટકો હોવાનું કહેવાઈ રહ્યું છે.
ભારતની આ સબસિડીની રકમ 700 કરોડ ડૉલર કરતાં વધારે આંકવામાં આવી છે. WTOની પૅનલે આ વિશે જણાવ્યું કે ભારત તરફથી સ્ટીલ, કેમિકલ, ટેક્સાઇલ અને દવા સાથે જોડાયેલાં ઉત્પાદનોની નિકાસ પર આ સબસિડી અપાઈ રહી છે.
અમેરિકાએ વર્ષ 2018માં આ વિવાદ 'વિશ્વ વેપાર સંગઠન' સમક્ષ ઉઠાવ્યો હતો. અમેરિકા પ્રમાણે ભારતના નિકાસકારોને અપાતી આ સબસિડી ગેરકાયદે છે અને તેના કારણે અમેરિકાના ઉદ્યોગો અને તેના કામદારોને નુકસાન વેઠવું પડે છે.
અમેરિકાએ આ વિશે જણાવ્યું હતું કે ભારત હવે આર્થિક ક્ષેત્રે એક મજબૂત તાકાત બની ચૂક્યું છે અને તેને હવે નિકાસ માટે સબસિડી ન આપવી જોઈએ.
WTOનો આ નિર્ણય એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કે ભારતમાંથી મોટા ભાગની નિકાસ અમેરિકામાં જ થાય છે. ભારતની કુલ નિકાસ પૈકી લગભગ 16% જેટલી નિકાસ અમેરિકામાં થાય છે.

શું હતો વિવાદ?

ઇમેજ સ્રોત, Getty Images
જાણકારો જણાવે છે કે વર્ષ 2015 થી 2017 દરમિયાન ગ્રૉસ નેશનલ પ્રોડક્ટ 1000 ડૉલરની પાર પહોંચી ગઈ હતી, તેથી WTOને લાગ્યું કે હવે ભારતને સબસિડીનો વધુ લાભ ન મળી શકે.
પરંતુ આ મામલે ભારતનો પક્ષ એવો હતો કે જ્યારે કોઈ વિકાસશીલ દેશ 1000 ડૉલરના માર્કને વટી જાય છે ત્યારે તેની સબસિડીનો અંત લાવવા માટે 8 વર્ષનો સમય આપવામાં આવે છે, જેને ટ્રાંઝિશન પીરિયડ કહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત-અમેરિકા વચ્ચે વેપારસંબંધી ઘણી સમજૂતીઓ થઈ છે, હવે WTOના આ નિર્ણયથી ભારત-અમેરિકાના વેપારી સંબંધોમાં નવો વળાંક આવી શકે છે.
વર્ષ 2019ની શરૂઆતમાં અમેરિકાએ પોતાના બજારોમાં ભારતને અપાઈ રહેલી પ્રાથમિકતા સમાપ્ત કરી દીધી હતી.
અમેરિકા સતત માગ કરતું રહ્યું છે કે ભારત અમેરિકન પેદાશો પરના ટેરિફના દરોને ઘટાડે, જેથી બંને દેશો વચ્ચેની વર્તમાન વેપારીખાધના અંતરને ઘટાડી શકાય.

શું ભારતની નિકાસ પર અસર પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતની નિકાસ પારંપરિક સ્વરૂપે એકંદરે 4%ના દરથી વધી રહી હતી, પરંતુ આ વર્ષે એપ્રિલ મહિનામાં તેમાં 2%નો ઘટાડો જોવા મળ્યો.
ભારતની વર્તમાન આર્થિક સ્થિતિ પણ કંઈ ખાસ સારી નથી અને આવી પરિસ્થિતિમાં WTOના આ નિર્ણયને કારણે ભારતના નિકાસકારોની મુશ્કેલીઓમાં વધારો થશે.
'ફેડરેશન ઑફ ઇંડિયન એક્સપોર્ટ ઑર્ગેનાઇઝેશન'ના મહાનિદેશક ડૉ. અજય સહાય WTOના આ નિર્ણયના કારણે ઘણા નિરાશ છે. તેઓનું માનવું છે કે ભારત સરકાર આ નિર્ણય વિરુદ્ધ જરૂર અપીલ કરશે.
અજય સહાય જણાવે છે કે, "ભારતની નિકાસ માટે આ નિર્ણય ખૂબ જ ખરાબ છે. ખાસ કરીને જો વિશેષ આર્થિક ક્ષેત્ર દ્વારા નિકાસ પર મળતી છૂટને હટાવી દેવાય તો નિકાસ ક્ષેત્રે આ નિર્ણયની ઘણી ખરાબ અસર પડશે. આ નિર્ણયની અસર ભારતના અર્થતંત્ર પર પણ પડશે. ભારત આ નિર્ણયની અવગણના ન કરી શકે."
દિલ્હી સ્થિત જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં સેન્ટર ફૉર ઇકોનૉમિક સ્ટડીઝના પ્રોફેસર ડૉ. બિશ્વજીત ધરનો મત આ મામલે કંઈક અલગ છે.
તેઓ એ તો માને છે કે આ નિર્ણયની ભારતના અર્થતંત્ર પર ખરાબ અસર પડશે, પરંતુ આ સાથે જ તેઓ જણાવે છે કે નિકાસના ક્ષેત્રે પ્રદર્શન અને તેમાં મળતી સબસિડીનો એકબીજા સાથે કોઈ જ સંબંધ નથી હોતો.
બિશ્વજીત ધર જણાવે છે કે, "જો તમે સબસિડીના આંકડા જોશો તો તમને ખબર પડશે કે તે સંપૂર્ણપણે નિકાસના આંકડાઓને પ્રદર્શિત નથી કરતા."
જોકે, તેઓ એટલું જરૂર માને છે કે સબસિડી વગર ભારતીય નિકાસકારોને વિદેશી બજારમાં પોતાનો સામાન મોકલવાનું મુશ્કેલ બનશે. આ પગલાને કારણે આપણી વેપારીખાધમાં વધારો થવાની બીક પેદા થશે અને છેલ્લે તેની સીધી અસર નિર્માણ ક્ષેત્રે પડશે.

હવે આગળ શું થશે?

ઇમેજ સ્રોત, Reuters
આ નિર્ણય ભારત વિરુદ્ધ આવ્યો હોવાના કારણે ભારતે હવે WTOના નિશ્ચિત માપદંડો પ્રમાણે ફરીથી પોતાના નિકાસકારો માટે સબસિડીનો દર નક્કી કરવો પડશે.
આ સિવાય ભારત આ નિર્ણયની વિરુદ્ધ અપીલ પણ કરી શકે છે, જેને લઈને બે પ્રકારના મતો પ્રવર્તી રહ્યા છે.
ડૉ. અજય સહાયનું માનવું છે કે ભારત સરકારે આ નિર્ણયની વિરુદ્ધમાં અપીલ કરવી જોઈએ. જ્યારે ડૉ. બિશ્વજીત ધરનું માનવું છે કે આ મામલે ભારતની સંપૂર્ણ હાર નથી થઈ અને ટેક્નિકલી ભારત આ નિર્ણયના કેટલાક ભાગોને પોતાના પક્ષમાં રાખી શકે છે.
ડૉ. ધર પ્રમાણે WTOનો આ નિર્ણય 11 ડિસેમ્બરથી બેકાર બની જશે. તેઓ આ વાતને કંઈક આ પ્રકારે સમજાવે છે, "અપીલ સાંભળનાર સમિતિમાં 7 સભ્યો હોય એ જરૂરી છે, પરંતુ તેમાંથી 2 સભ્યો નિવૃત્ત થવાના છે અને આ વાત ભારતના પક્ષમાં જઈ શકે છે, કારણ કે અપીલને સાંભળનાર સમિતિમાં સભ્યોની સંખ્યા જ પૂરી ન હોય તો તેના નિર્ણયને માનવું પણ જરૂરી નહીં રહે."
ભારત સરકાર આ નિર્ણય અંગે ભલે કોઈ પણ પગલું ભરે, જાણકારોનું માનવું છે કે આ નિર્ણયની અસર ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષી સંબંધો પર જરૂર પડશે. બંને દેશોના સંબંધો આમ પણ પહેલાંથી જ વેપારી સમજૂતીઓને કારણે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે.
જોકે, અત્યાર સુધી ભારત સરકારે આ મામલે પોતાનો પક્ષ રજૂ કર્યો નથી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












