સ્ટેચ્યૂ ઑફ યુનિટી : PM મોદીના કાર્યક્રમ વખતે આદિવાસીઓની અટકાયત કેમ કરાઈ?

- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
કેડવિયામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમનો વિરોધ કરનારા આદિવાસીઓની અટકાયત કરી લેવાઈ છે.
સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી અને 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણીના ભાગરૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં છે.
ત્યારે કેવડિયાની આસપાસ જમીનસંપાદનના વિરોધમાં આદિવાસીઓએ પ્રદર્શન કરતાં તેમની અટકાયત કરી લેવાઈ છે.
અટકાયત કરાયેલા આદિવાસીઓને રાજપીપળા પોલીસમથકે લઈ જવાયા છે.

'જીવવા જમીન જોઈએ'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
સ્ટેચ્યૂ ઑફ યુનિટીના પરિસરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે જ કેવડિયામાં આદિવાસીઓ પોતાની જમીન પરત મેળવવા માટે વિરોધપ્રદર્શનો કરી રહ્યા હતા.
'અમારી જમીન પાછી આપો', 'જીવવા જમીન જોઈએ' એવાં બેનરો સાથે વિરોધપ્રદર્શન કરી રહેલા આદિવાસીઓનો આરોપ છે કે કેવડિયાની આસપાસ પ્રવાસન વિકસાવવા માટે તેમની જમીન ગેરકાયદે સંપાદિત કરી લેવાઈ છે.
જોકે, વિરોધકાર્યક્રમ આગળ વધે એ પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી લીધી અને રાજપીપળા પોલીસમથકે લઈ જવાયા.
કેવડિયામાં હાજર બીબીસીના સંવાદદાતા તેજસ વૈદ્યે જણાવ્યું :
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"'અમારી જમીન પાછી આપો', 'જીવવા જમીન જોઈએ' એવાં સૂત્રો લખેલાં બેનરો સાથે 31 ઑક્ટોબરે સવારે 8 વાગ્યે આદિવાસી અને કેટલાક કર્મશીલોએ કેવડિયામાં નદીના કિનારે વિરોધપ્રદર્શન કર્યું હતું."
"જેને પગલે પોલીસે ત્યાં પહોંચીને તેમની અટકાયત કરી લીધી હતી. અટકાય કરાયેલા પ્રદર્શનકારીઓને પોલીસવાનમાં રાજપીપળામાં પોલીસના વડામથકે લઈ જવામાં આવ્યા હતા.
રાજપીપળાના પોલીસસ્ટેશનના ઇન્સ્પેક્ટર આર. એન. રાઠવાએ બીબીસીને જણાવ્યું, "કેવડિયામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ દરમિયાન વિરોધપ્રદર્શન કરવા બદલ આ અટકાયત કરવામાં આવી છે."

પ્રદર્શનકારીઓનું શું કહેવું છે?

પોલીસે કુલ 25 પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
આ પહેલાં વિરોધપ્રદર્શનની ભીતિને પગલે પોલીસે 31 ઑક્ટોબરે 8 આદિવાસીઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આ આદિવાસીઓને પણ રાજપીપળાના પોલીસમથકે જ રાખવામાં આવ્યા છે.
તેજસ વૈદ્યે ઉમેર્યું, "કેવિડિયામાં જમીનના સંપાદનથી નારાજ આદિવાસીઓએ 31 ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ વખતે વિરોધપ્રદર્શન યોજવાનુ નક્કી કર્યું હતું. જોકે, અટકાયતની સંભાવના પગલે તેમણે કાર્યક્રમ જાહેર નહોતો કર્યો."
પ્રદર્શનકારીઓએ બીબીસીને જણાવ્યું, "જળ અને જમીન એ અમારી સંસ્કૃતિ છે અને અમે અમારી સંસ્કૃતિ છોડવા નથી માગતા. અમે અહીં જ રહીશું અને અહીં જ મરીશું. અમારી જમીન લઈ લીધી. અમારો ધંધો, અમારાં લારીગલ્લા લઈ લેવાયાં છે. અમારાં ઢોરઢાંખર પૂરી દેવાયાં છે. અમારે કઈ રીતે જીવવું?"
નોંધનીય છે કે પ્રવાસન વિકસાવવા માટે કેવડિયાની આસપાસમાં વિવિધ પરિયોજનાના વિકાસ માટે સરકાર દ્વારા જમીન સંપાદિત કરાઈ રહી છે. જોકે, જમીનનું ગેરકાયદે સંપાદન કરાઈ રહ્યું હોવાનો આદિવાસીઓની આરોપ છે.

આદિવાસીઓની આપવીતી

ઇમેજ સ્રોત, JAVED KHAN
બીબીસી સાથે વાત કરતાં કેવડિયામાં રહેતા જિતેન્દ્ર તડવી જણાવે છે, "શ્રેષ્ઠ ભારત ભવન બનાવવા માટે સંપાદિત કરાયેલી અમારી જમીનના બદલામાં અમને જે જમીન મળી તે કેવડિયાથી 50 કિલોમિટર દૂર છે."
"મારા પિતા જીવણભાઈએ સરદાર સરોવર ડૅમ બનાવવા માટે જમીન આપી ત્યારે કહેતા હતા કે બીજાના લાભ માટે આપણે જમીન આપી છે તો આપણને પણ ફાયદો થશે."
"પણ સ્ટેચ્યૂ ઑફ યુનિટીના નિર્માણ દરમિયાન અમને વળતરમાં મળેલી જમીન પણ ગઈ અને પ્રતિમા પાસે પાણી ભરવા માટે વીયર ડૅમ ભરાયો તો અમારો ઊભો પાક પણ ડૂબી ગયો. એનું કોઈ વળતર મળ્યું નથી."
"સુંદરતાના નામે અમારાં લારીગલ્લા હઠાવી દેવાયાં છે અને અમારે ભૂખે મરવાનો વારો આવ્યો છે."
પીનલ તડવીની કહાણી પણ કંઈક આવી જ છે. બાળકોને ભણાવવા માટે પીનલ વનબંધુ યોજના હેઠળ મળેલી લારી પર વડાંપાંઉ વેચતાં હતાં.
બીબીસીને પીનલ જણાવે છે, "અમને જ્યારે વનબંધુ યોજના હેઠળ લારીગલ્લા આપવામાં આવ્યાં ત્યારે લોકો અમારી પાસે આવતા હતા."
"અમારો ધંધો પણ સારો ચાલતો હતો. મને હતું કે બે પૈસા કમાઈને મારાં બાળકોને સારું શિક્ષણ આપી શકીશ."
"પણ અચાનક અમારા લારીગલ્લા ખસેડી દેવાયાં. અમારો રોજગાર છીનવાઈ ગયો. મારાં બધાં સપનાં રોળાઈ ગયાં."
"ગાયનું દૂધ વેચીને અમે થોડી ઘણી આવક રળી લેતાં હતા, પણ હવે તો અમારા ઠોર પણ પકડી લેવાય છે અને છોડાવવા માટે રૂપિયા 300 આપવા પડે છે. ઢોર પૂરવા માટે વડોદરાથી ગાડી લવાઈ છે."
"ધંધારોજગાર વગર બે મહિનેથી ભૂખે મરીએ છીએ પણ અમને પૂછવાવાળું કોઈ નથી."

સરકાર શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
આદિવાસીઓના આ આક્ષેપ વિશે સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સીના મુખ્ય કારોબારી અધિકારી અને પુનર્વસવાટ કમિશનર અને સ્ટેચ્યૂ ઑફ યુનિટીના મુખ્ય વહીવટકર્તા આઈ. કે. પટેલ જણાવે છે, "આ આક્ષેપો સત્યથી તદ્દન વેગળા છે."
તેઓ કહે છે, "જે આદિવાસીઓની જમીન સંપાદિત કરાઈ છે તે પૈકી 500 કરતાં વધુ લોકોને આઉટસોર્સિંગ એજન્સીઓ મારફતે કાયમી નોકરીઓ અપાઈ છે. જ્યારે 1000 કરતાં વધારે લોકોને અન્ય પ્રોજેક્ટમાં નોકરી મળી છે."
"તેમજ જે તે સમયે સંપાદિત કરેલી જમીનના બદલામાં યોગ્ય વળતર અને જમીનના બદલે જમીન પણ અપાઈ છે. જે લોકોએ જમીનના બદલે વળતરનો સ્વીકાર નથી કર્યો, તેમને યોગ્ય વળતર આપવા માટે પણ સરકારે સમયાંતરે ઠરાવો કર્યા છે."
તો ગુજરાતના વનમંત્રી ગણપત વસાવા આ મામલે જણાવે છે કે કેટલાક જમીન ગુમાવી ચૂકેલા નેતાઓ આદિવાસીના હિતના નામે ગુજરાતવિરોધી પ્રવૃત્તિ કરે છે."
વસાવા આદિવાસીઓને અન્યાય થવાની વાત પાયાવિહોણી ગણાવીને પુનર્વસનની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે એવું વચન આપે છે.

કેવડિયામાં વડા પ્રધાનનો કાર્યક્રમ

ઇમેજ સ્રોત, ANI
મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સવારે કેવડિયા પહોંચીને સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ આપી હતી.
જે બાદ તેમણે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સ્ટેચ્યૂ ઑફ યુનિટીના પરિસરમાં યોજાયેલી પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
અહીં જ મોદીએ દેશવાસીઓને રાષ્ટ્રીય એકતા દિવસ પર એકતાના શપથ લેવડાવ્યા હતા.
મોદી સામે જવાનોએ એકતા દિવસના પ્રસંગે મોક ડ્રીલ કરી હતી, જેમાં જવાનોએ વિવિધ કરતબો કર્યાં હતાં.
આ પરિસરમાં મોદીની હાજરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
મોદીએ અહીં લોકોને સંબોધન કરતાં કહ્યું કે સરદાર પટેલના વિચારોમાં દેશની એકતાને દરેક વ્યક્તિ મહેસૂસ કરી રહી છે. આજે આપણે તેમનો અવાજ સૌથી ઊંચી પ્રતિમા નીચે સાંભળી શકીએ છીએ.
મોદીએ કહ્યું કે ભારતની વિવિધતામાં એકતાનું આપણે ગૌરવ છે. આપણે ભારતની વિવધ બોલીઓનું ગૌરવ છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














