મહારાષ્ટ્ર ચૂંટણી : શિવાજીના એ વંશજ જેમની હાલત અલ્પેશ ઠાકોર જેવી થઈ

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાતમાં યોજાયેલી પેટાચૂંટણીમાં રાધનપુર વિધાનસભાની બેઠક પર અલ્પેશ ઠાકોરની હારને નિષ્ણાતો પક્ષપલટુઓ માટે પદાર્થપાઠ ગણાવી રહ્યા છે.

માત્ર ગુજરાતમાં જ જનતાએ પક્ષપલટુઓને જાકારો આપ્યો છે એવું નથી, પરંતુ મહારાષ્ટ્રમાં યોજાયેલી લોકસભાની પેટાચૂંટણીમાં પણ શિવાજીના વંશજ અને મહારાષ્ટ્રના કદાવર નેતા ઉદયનરાજે ભોંસેલેને પક્ષપલટાને કારણે હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.

કોણ છે ઉદયનરાજે ભોંસલે?

મહારાષ્ટ્રના નેતા ઉદયનરાજે ભોંસલે છત્રપતિ શિવાજીના 13મા વંશજ છે.

રાજકીય કારકિર્દીની શરૂઆતમાં ભાજપના ઉમેદવાર તરીકે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત બાદ મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપની ગઠબંધન સરકારમાં મંત્રીપદ પણ સંભાળ્યું.

ત્યાર બાદ 2009ની લોકસભા ચૂંટણી પહેલાં જ તેઓ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ (એન.સી.પી.)માં સામેલ થયા અને વર્ષ 2009, 2015 અને 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીઓમાં સતત સતારા લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાતા રહ્યા.

ત્યારથી તેઓ શરદ પવારના ખાસ લોકો પૈકી એક મનાતા હતા, પરંતુ 2019ની લોકસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં એના માત્ર 3 મહિના બાદ જ તેઓ એનસીપીમાંથી રાજીનામું આપીને સપ્ટેમ્બર, 2019માં ભાજપમાં જોડાઈ ગયા.

તેમના રાજીનામા બાદ ખાલી પડેલી સતારા લોકસભા બેઠક પર મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સાથે ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં તેમણે ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી હતી. આ પેટાચૂંટણીમાં એનસીપીના ઉમેદવાર શ્રીનિવાસ પાટીલ સામે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

ઉદયનરાજેની હારનાં કારણો

2019ની લોકસભાની ચૂંટણી બાદ પરિણામો આવ્યાં એના માત્ર 3 મહિનામાં જ ઉદયનરાજે ભોંસલે એનસીપીમાંથી રાજીનામું આપી ભાજપમાં સામેલ થઈ ગયા હતા.

ફ્રી-પ્રેસ જર્નલ ડોટ ઇનના અહેવાલ પ્રમાણે ઉદયનરાજેએ પોતાના આ નિર્ણયનાં કારણો આપતા કહ્યું હતું, "આ તો મારી ઘરવાપસી છે."

ઇન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે તેઓ ભાજપમાં સામેલ થવાનાં કારણો અંગે વાત કરતાં જણાવે છે કે, "હું વડા પ્રધાન મોદીના રાજકારણ અને તેમની નીતિઓ સાથે સંમત છું, તેમજ હવેથી હું મહારાષ્ટ્રમાં ભાજપના નેતા તરીકે કાર્ય કરીશ."

ઉદયનરાજેની હારનાં કારણો વિશે બીબીસી મરાઠી સાથે વાત કરતાં દૈનિક પ્રભાતના સતારા ખાતેના નિવાસી સંપાદક શ્રીકાંત કતરે જણાવે છે, "આ પરિણામથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે શરદ પવારની અસર અને એનસીપીનું સંગઠન હજુ પણ સતારામાં મજબૂત છે."

"જ્યારે ઉદયનરાજે એનસીપીના ઉમેદવાર તરીકે સતારા બેઠક પરથી ચૂંટણી લડતા હતા ત્યારે તેમને આ જ સંગઠનની મદદ મળતી હતી. આ પરિણામો દ્વારા ઉદયન રાજેની લોકપ્રિયતાનું માપ લોકો જાણી ગયા છે. હવે તેમને માનવું જ રહ્યું કે પક્ષ પણ મહત્ત્વનો હોય છે."

શ્રીકાંત કતરે આગળ જણાવે છે, "ઉદયનરાજે સતારાની જનતાની નસ પારખવામાં થાપ ખાઈ ગયા છે. તેમને પક્ષની જરૂર નથી એવી તેમની માન્યતા તદ્દન ખોટી ઠરી છે. તેઓ એવું માનતા હતા કે મારે સતારાની જનતા માટે કશું કરવાની જરૂર નથી, તેઓ મને પ્રેમ કરે છે, તેથી તેઓ મને જરૂર જીતાડશે."

"તેમની આ માન્યતાને કારણે જ લોકોએ તેમને નકારી દીધા છે."

ઉદયનરાજેની હારમાં શરદ પવારના પ્રયત્નોના ફાળા વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે, "સતારાના લોકોએ શરદ પવારની લાગણીશીલ દરખાસ્તને ચોક્કસથી વધાવી લીધી છે, પરંતુ માત્ર આ જ કારણે ઉદયનરાજે સતારામાં હાર્યા છે એવું પણ ન કહી શકાય."

"ઉદયનરાજે વિરુદ્ધ એનસીપીના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાને ઊતરેલા શ્રીનિવાસ પાટીલની છબિ ખૂબ જ સાફ હતી. સાંસદ તરીકે તેમનાં કામોને આજે પણ લોકો યાદ કરે છે. તેની સામે ઉદયનરાજેએ ક્યારેય રાજકારણને ગંભીરતાપૂર્વક ન લીધું. તેમનું રાજકારણ માત્ર સતારાની આસપાસ જ ફરતું રહ્યું છે."

'અપેક્ષિત પરિણામો'

મહારાષ્ટ્ર ટાઇમ્સના સિનિયર આસિસ્ટન્ટ એડિટર વિજય ચોરમારેએ ઉદયનરાજેના પરાજય વિશે વાત કરતાં કહ્યું હતું કે, "આ પરિણામો પરથી ફલિત થાય છે કે સતારા એનસીપીનો ગઢ છે. આ સિવાય શ્રીનિવાસ પાટીલને સતારાથી ટિકિટ આપવાનો રણનીતિ એનસીપી માટે ફાયદાકારક સાબિત થઈ છે."

"તેમની વય, અનુભવ અને કાર્યોને કારણે શ્રીનિવાસ પાટીલ ઉદયનરાજે સામે એકદમ યોગ્ય ઉમેદવાર હતા."

આ સિવાય નિષ્ણાતોના મત પ્રમાણે ચૂંટણીપ્રચાર વખતે સતારા ખાતે યોજાયેલી રેલીમાં શરદ પવારે ચાલુ વરસાદે ભાષણ આપ્યું હતું, તેમના આવા લાગણીશીલ પ્રયત્નને કારણે તેઓ સતારાની જનતા સાથે સીધો સંપર્ક સ્થાપિત કરી શક્યા.

શરદ પવારે અને એનસીપીના આખા તંત્રએ સતારામાં વિજય મેળવવા માટે ખૂબ મહેનત કરી હતી.

ધ હિન્દુ ડોટ કૉમના અહેવાલ અનુસાર પરિણામોની જાહેરાત થયા બાદ શરદ પવારે સતારાનાં પરિણામો વિશે વાત કરતાં કહ્યું હતું, "જો ઉદયનરાજે ભોંસલેના આ નિર્ણયથી સતારા રાજગાદીનું સન્માન ન જળવાતું હોય તો આ પરિણામો દ્વારા તેમને લોકોએ તેમનું યોગ્ય સ્થાન જણાવી દીધું છે એમ કહી શકાય."

"હું આ આ વિજય માટે સતારાના લોકોને અભિનંદન પાઠવું છું તેમજ તેમનો આભાર માનું છું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો