અર્થતંત્રમાં મંદી : ખાનગી મૂડીરોકાણમાં થયેલો ઘટાડો મંદી ગંભીર હોવાનો સંકેત છે

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ડૉ. નરોત્તમભાઈ શાહ જેવા ટોચના અર્થશાસ્ત્રીની યાદને સજીવન રાખતી સંસ્થા 'સેન્ટર ફૉર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી'. અર્થવ્યવસ્થાનાં વિવિધ પાસાઓને લઈને આધારભૂત આંકડાકીય તેમજ અન્ય માહિતી આપતી દેશની એક ઉત્કૃષ્ટ સંસ્થા છે.

વાડીલાલ ડગલી, ડૉ. નરોત્તમભાઈ શાહ, ડૉ. લાકડાવાલા, ડૉ. દાંતવાલા, ડૉ. આઈ. જી. પટેલ જેવા આ ક્ષેત્રના ધુરંધરો અને મુંબઈની મર્ચન્ટ ચેમ્બરમાં રામુભાઈ પંડિત અને તે સમયે અમેરિકન દૂતાવાસ સાથે જોડાયેલા શ્રી અરુણ વકીલ આ બધાનો અર્થશાસ્ત્રમાં હું રસ લેતો થયો તેમાં ખૂબ મોટો ફાળો છે.

'સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી' લગભગ 80ના દાયકાના અંતમાં સ્થપાયું, હજુ તો એ પગભર થાય તે પહેલાં નરોત્તમભાઈ ચાલ્યા ગયા. પણ એમના પત્ની અને બાકીની ટીમે નરોતમભાઈનાં આદર્યા અધૂરાં ના રહેવા દીધાં.

હું ઇન્ડસ્ટ્રીયલ ઍક્સચેન્જ બ્યૂરોના વડા તરીકે સરકારમાં 1990 સુધી રહ્યો ત્યાં સુધી આ સંસ્થાના પ્રકાશનોનું વાર્ષિક લવાજમ શરૂઆતમાં ભરનાર કેટલાકમાં ઇન્ડેક્સ-બી પણ હતું.

CMIE તરીકે ઓળખાતી આ સંસ્થાના પ્રકાશનોમાંથી ઉપલબ્ધ ડેટાનો ત્યારે ખૂબ ઉપયોગ કર્યો. ત્યાર પછી પણ ક્યાંક આધારભૂત માહિતીની જરૂર પડે તો CMIEનું નામ સૌથી પહેલું સ્મરણમાં આવે છે.

આ સેન્ટર ફૉર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી એ તાજેતરમાં જે માહિતી બહાર પાડી છે તે ચોંકાવી દે તેવી છે.

આ અહેવાલ અનુસાર સપ્ટેમ્બર મહિનામાં પૂરા થયેલા ત્રણ મહિનાના સમયગાળામાં દેશમાં ખાનગી મૂડી રોકાણ 14 વર્ષના તળિયે ગયું છે.

આ અહેવાલમાંથી ઉપલબ્ધ માહિતી મુજબ 2018-19ના નાણાકીય વર્ષ દરમ્યાન નવા રોકાણની દરખાસ્તો 9500 અબજ રૂપિયા જેટલી રહેવા પામી હતી.

2004-05 બાદ છેલ્લા 14 વર્ષમાં નોંધાયેલો આ નીચામાં નીચો આંકડો છે.

આ અહેવાલમાં જણાવ્યા મુજબ 9500 અબજ રૂપિયાનો આંકડો સંશોધિત થશે ત્યારે જરૂર એમાં વધારો થશે પણ એના થકી 2018-19નું વર્ષ ભારતમાં રોકાણકારો માટે નબળામાં નબળું વર્ષ હતું એ હકીકત નહીં બદલાય.

આવું એકાએક થયું છે?

જવાબ મળે છે, 'ના'

આ ઘટાડાની શરૂઆત તો 2015-16માં થઇ હતી આમ 2018-19 રોકાણકારોની દરખાસ્તોની રકમમાં સતત ચોથુ વર્ષ છે.

આ પહેલાં પરિસ્થિતિ કેવી હતી?

2006-07થી 2010-11નો આ પાંચ વર્ષનો ગાળો અદભુત હતો. આ પાંચ વર્ષના ગાળામાં વર્ષે સરેરાશ 25 હજાર અબજની નવા રોકાણની દરખાસ્તો ઉભી થવા પામી હતી.

પણ ત્યારબાદ નવા રોકાણોની દરખાસ્તોમાં એકાએક ઘટાડો આવ્યો અને 2013-14ના વર્ષમાં અગાઉની વર્ષે સરેરાશ 25 હજાર અબજ રૂપિયાની રોકાણની દરખાસ્તોની સામે 2013-14માં દરખાસ્તો આવી માત્ર 10 હજાર અબજ રૂપિયાની એટલે કે સીધો 60 ટકાનો ઘટાડો.

આ ઘટાડાને 2014-15માં નરેન્દ્ર મોદીની સરકાર આવતાં બ્રેક વાગી. વળી પાછું 2014-15માં 21 હજારની દરખાસ્ત આવી જે અગાઉના વર્ષ કરતાં 210 ટકા વધારે અને 2016-17માં 20 હજાર અબજની દરખાસ્ત આવી જે 2013-14ની સરખામણીમાં 200 ટકા વધારે હતી પરંતુ કમનસીબે સુધારાનો આ વંટોળ લાંબું ચાલ્યો નહીં.

2006-11 અને 2014-16 દરમિયાન થયેલાં રોકાણમાં એક પાયાનો ફરક ખાનગી રોકાણ કેટલું આવ્યું તે છે.

2006-11ના ગાળામાં કુલ રોકાણના 62 ટકા ખાનગી રોકાણ હતું જેની સામે 2014-16ના ગાળામાં જે નવા રોકાણો થયા તેમાં ખાનગી રોકાણની ટકાવારી ખાસ્સી 15 ટકા ઘટીને સીધી 47 ટકા પર આવીને અટકી. એવું કહી શકાય કે ખાનગી રોકાણકારોનો ઉત્સાહ સારો એવો ઘટતો જોવાયો.

2018-19ના વરસ દરમિયાન ખાનગી રોકાણકારોનો નવા રોકાણમાં હિસ્સો વિક્રમી 67.5 ટકા સપાટીએ પહોચ્યો પણ આ રોકાણમાંથી લગભગ પાંચમા ભાગની ખાનગી રોકાણની દરખાસ્તો અટવાઈ ગઈ જેમાં જેટ એરવેઝ દ્વારા ચર્ચાસ્પદ Boeing 737 Max 8 હવાઈ જહાજ જેની કિંમત 1310 અબજ રૂપિયા હતી.

જો આ અટવાઈ પડેલી દરખાસ્તોને 2018-19ના નવા રોકાણની દરખાસ્તોમાંથી બાદ કરીએ તો ખાનગી રોકાણનો આંકડો અને આની સાથે જ કુલ રોકાણનો આંકડો ઘણો ઘટી જાય.

સેન્ટર ફોર મોનેટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના અહેવાલમાં જણાવ્યા મુજબ 2011-12 પછી ખાનગી રોકાણકારો પ્રમાણમાં નિરુત્સાહી બની રહ્યા હોય તેવું વલણ જોવા મળ્યું છે.

2018-19ના ગાળાના રોકાણોની ઉડીને આંખે વળગે તેવી એક બીજી બાબત એ છે કે 2017-18ની સરખામણીમાં સરકાર દ્વારા પ્રયોજિત પ્રોજેક્ટ્સનું રોકાણ 5300 અબજમાંથી ઘટીને 3000 અબજ જેટલું થઈ જવા પામ્યું.

2015-16 પછી આ રીતે જાહેર ક્ષેત્રમાં પણ રોકાણમાં રસ ઘટતો હોવાનું પ્રતિપાદિત થાય.

2015-16 જાહેર અને ખાનગી ક્ષેત્રે નવા રોકાણ માટે 10 હજાર અબજની ધારણા હતી ત્યારબાદ જાહેર ક્ષેત્રનું રોકાણ 3 હજાર અબજ અને તેની સામે 2018-19માં ખાનગી ક્ષેત્રનું રોકાણ એના બમણાથી વધારે એટલે કે 6400 અબજ જેટલું થયું.

આમ ખાનગી ક્ષેત્ર જ્યારે મુખ્ય રોકાણકાર તરીકે ઉપસી રહ્યું હતું ત્યારે ભારત સરકારે ખાનગી રોકાણકારોનો ઉત્સાહ જળવાઈ રહે તેવો પ્રયાસ કરવો જોઈતો હતો.

આ સંદર્ભમાં જ કોર્પોરેટ ટેક્સ ઘટાડવાની જાહેરાત

કદાચ આ સંદર્ભમાં જ કોર્પોરેટ ટેક્સ ઘટાડવાની જાહેરાત નિર્મલા સીતારમણે કરી હતી. એની અસર કેવી પડે છે અને એના કારણે ઈન્વેસ્ટર સેન્ટિમેન્ટ એટલે કે રોકાણકારોનો મૂડ અને વિશ્વાસ બદલાય છે કે નહીં એ જોવાનું રહેશે.

સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી ડેટા અનુસાર આપણે માત્ર એક જ વર્ષની સરખામણી કરીએ તો 2018-19ના 3000 હજાર અબજના રોકાણ સામે 2017-18માં 5300 અબજનું રોકાણ માત્ર એક જ વર્ષમાં 1300 અબજ એટલે કે 25 ટકા જેટલો ઘટાડો દર્શાવે છે.

આ ઘટાડો આમ તો 2015-16થી થતો આવે છે અને તેનું એક મુખ્ય કારણ જાહેર ક્ષેત્રીય રોકાણમાં આવેલી ઓટ છે.

આમ જોઈએ તો 2015-16નો 10,000 કરોડનો આંકડો અને 2018-19નો 3000 અબજનો આંકડો સીધો 70 ટકાનો ભૂસકો વાગી ગયો એની સાબિતી છે.

આ રોકાણમાં સેક્ટર દીઠ શું થયું તેની વાત કરીએ તો 2018-19ના પહેલાં બે વર્ષોની સરખામણીમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર એટલે કે ઉત્પાદન ક્ષેત્રનો ફાળો 26 ટકાથી વધીને 30 ટકા થયો છે જ્યારે સર્વિસ સેક્ટર એટલે કે સેવા ક્ષેત્રનો ફાળો 51 ટકાથી ઘટીને 39 ટકા થયો છે.

દેશના જીડીપીમાં જે ક્ષેત્રનો ફાળો 60 ટકા છે તેના રોકાણમાં ઘટાડો નોંધાય તે ન સમજાય તેવી બાબત છે.

ખાનગી રોકાણ નથી આવતું એની પાછળ માત્ર મૂડી જ જવાબદાર છે એવું નથી. મૂળભૂત રીતે બજારમાં માગ ઘટી છે મારુતિ ઉદ્યોગ જેવી કંપનીઓને પણ પોતાનો પ્લાન્ટ બે દિવસ બંધ રાખવો પડે તે આનું ઉદાહરણ છે.

બજારમાં માગ વધારવી હોય તો છેવાડાના માણસ એટલે કે સામાન્યમાં સામાન્ય માણસના ગજવામાં પૈસા આવે અને એનો હાથ છૂટો રહે તે જોવું પડે.

સદનસીબે ગ્રામ્ય અર્થવ્યવસ્થા જેના ઉપર આધારિત છે તે ચોમાસું સાર્વત્રિક સારું થયું અને મોટાભાગે 100 ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો એ દુષ્કાળની પરિસ્થિતિ કરતાં વધુ સારી સ્થિતિ છે.

આમ છતાંય અતિવૃષ્ટિ તેમજ પૂરને કારણે ચોમાસુ પાકને થતું નુકસાન તેમજ જમીનમાં હજુ પણ ભેજ નહીં સુકાવાને કારણે શિયાળુ પાકની વાવણીમાં થનાર વિલંબ આ બંને બાબતો ગ્રામ્ય અર્થતંત્રમાં કેટલો સુધારો થશે તેના ઉપર અસર કરતાં મુખ્ય પરિબળ રહેશે.

સરવાળે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીનો અહેવાલ જે પરિસ્થિતિનું નિર્માણ કરે છે એ જ ચિંતાજનક છે.

ખાનગી મૂડીરોકાણમાં થયેલો વિક્રમી ઘટાડો મંદીમાંથી બહાર નીકળવાનો રસ્તો સરળ નહીં હોય તેની આગાહી કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો