અયોધ્યા વિવાદ મામલે સુનાવણી પૂર્ણ, સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA /BBC
- લેેખક, સમીરાત્મજ મિશ્ર,
- પદ, અયોધ્યાથી વિશેષ અહેવાલ
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળની બેન્ચે રાજકીય રૂપથી સંવેદનશીલ અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુનાવણી પૂર્ણ કરી દીધી છે અને ચુકાદો અનામત રાખ્યો છે.
અગાઉ જસ્ટિસ ગોગોઈએ કહ્યું, "અમે સાંજે પાંચ વાગ્યા સુધીમાં સુનાવણી પૂર્ણ કરી લઈશું. હવે બહુ થયું."
એવું માનવામાં આવી રહ્યું છે કે 134 વર્ષ જૂના આ વિવાદમાં જસ્ટિસ રંજન ગોગોઈ 17 નવેમ્બરના રોજ રિટાયર થતાં પહેલાં ચુકાદો સંભળાવી દેશે.
બુધવારે સુપ્રીમ કોર્ટમાં આ મામલે આખરી દલીલો થઈ. હિંદુ અને મુસ્લિમ પક્ષકારો તરફથી પોતપોતાની છેલ્લી દલીલો કોર્ટ સમક્ષ રાખી.
6 ઑગસ્ટથી સુપ્રીમ કોર્ટ આ મામલાની દરરોજ સુનાવણી કરી રહી છે.
અંતિમ સુનાવણીને જોતાં જ અયોધ્યામાં સોમવારથી કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
શહેરની ચારે બાજુ અને ઠેર ઠેર પોલીસ અને અર્ધ લશ્કરી દળોના જવાનોનો પહેરો ગોઠવી દેવાયો છે.
શહેરમાં અંદર જવા માટે અત્યારે કારસેવકપુરમવાળા રસ્તા પરથી જ પસાર થવું પડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કારસેવકપુરમમાં પથ્થરો ઘડવાનું કામ છેલ્લાં કેટલાંય વર્ષોથી ચાલી રહ્યું છે એટલી જ તેજ ગતિથી હાલ પણ ચાલી રહ્યું છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
મહારાષ્ટ્રના સતારા જિલ્લાથી આવેલા વયોવૃદ્ધ શ્રદ્ધાળુ શારદાનાથે કહ્યું, "એવું લાગે છે કે બહુ જલદી આ શિલાઓનો ઉપયોગ થવાનો છે."
હનુમાનગઢી ચોકમાં કેટલાક લોકો સાથે અમે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી વિશે વાતચીત કરી.
વાસણની દુકાનના માલિક શૈલેન્દ્ર કુમારે કહ્યું, "સુપ્રીમ કોર્ટ આ મહિને ચુકાદો આપી દેશે અને કદાચ આવતા મહિનાથી મંદિર નિર્માણનું કામ શરૂ થઈ જશે."
"પરંતુ શું ચુકાદો મંદિર માટે જ આવશે? ચુકાદો મસ્જિદ માટે પણ આવી શકે છે," એવા સવાલનો જવાબ તેમણે એવા હાસ્ય સાથે આપ્યો જાણે કે તેમને પહેલેથી બધી ખબર હોય.
જોકે, ત્યાં ઊભેલા લોકોમાંથી કેટલાક એવા પણ હતા, જેઓ મંદિર માટે થઈ રહેલી કથિત રાજનીતિ સામે નારાજ હતા.
તેમાં બી.કૉમ કરી રહેલા એક યુવાન ધર્મેન્દ્ર સોનકર બહુ નિરાશા સાથે કહે છે, "મંદિરે બને ત્યારે જ ખબર પડે. મને તો કોઈ આશા દેખાતી નથી."


ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA /BBC
બીજી બાજુ રામજન્મભૂમિ તરફ જવાના માર્ગે લોકોની અવરજવર લગભગ પહેલાં જેટલી જ છે.
બજારથી શરૂ કરીને હનુમાનગઢી સુધીના રામજન્મભૂમિ માર્ગ પર એવું કશું જોવા નથી મળતું, જેથી એવું લાગે કે શહેરમાં કલમ 144 લગાવી દેવાઈ છે અને લોકો એક સાથે એકઠા થઈ શકે નહીં.
જોકે કામકાજ ચાલી રહ્યું છે એટલે કેટલાક રસ્તા સાવ બંધ કરી દેવાયા છે. તેના કારણે બાકીના માર્ગો પર ઠેર ઠેર ટ્રાફિક જામ જેવી સ્થિતિ જોવા મળે છે.
લાંબા સમયથી ચાલી રહેલા અયોધ્યા ભૂમિ વિવાદ કેસની સુનાવણી હાલમાં સુપ્રીમ કોર્ટમાં છેલ્લા તબક્કામાં છે.
મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની અધ્યક્ષતામાં બનેલી પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ 17 ઑક્ટોબર સુધી સુનાવણી કરવાની છે.
એવું માનવામાં આવે છે કે આગામી મહિનાની 17 તારીખ પહેલાં ચુકાદો આવી શકે છે.
તે ચુકાદાને ધ્યાનમાં રાખીને જ 10 ડિસેમ્બર સુધી અયોધ્યામાં 144મી કલમ લાગુ કરી દેવામાં આવી છે.


ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA /BBC
અયોધ્યાના જિલ્લાધિકારી અનુજ કુમાર ઝાના જણાવ્યા અનુસાર, "દિવાળી પહેલાં દીપોત્સવ કાર્યક્રમ થવાનો છે, તેના પર તેની કોઈ અસર નહીં થાય."
મંદિરોમાં લોકોની આવનજાવન પર પણ તેની કોઈ અસર નહીં થાય. આગામી દિવસોમાં ઘણા તહેવાર આવે છે, તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે."
બીજી બાજુ ચુકાદા પહેલાં અયોધ્યા વિવાદના મુદ્દે હલચલ પણ મચી છે.
વિશ્વ હિન્દુ પરિષદે આ વખતે દીપોત્સવ કાર્યક્રમ માટે રામલલ્લા વિરાજમાન પરિસરમાં જ દીપ પ્રાગટ્ય માટેની મંજૂરી તંત્ર પાસે માગી છે.
બીજી બાજુ મુસ્લિમ પક્ષ તરફથી કેટલાક લોકોએ એવી મંજૂરી સામે વિરોધ કર્યો છે.
વરિષ્ઠ પત્રકાર મહેન્દ્ર ત્રિપાઠી કહે છે કે, "માત્ર ચુકાદાને ધ્યાનમાં રાખીને નહીં પણ આ માગણી અને વિરોધના કારણે પણ શહેરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે."


વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા શરદ શર્મા કહે છે, "રામલલ્લા અંધારામાં છે. દીપાવલીના તહેવારે સમગ્ર શહેરમાં દીવડા ઝગમગશે, ત્યારે ભગવાન રામ અંધારામાં રહે તે ઠીક નથી. અમે તંત્રની મંજૂરી માગી છે કે અમને આશા છે કે મંજૂરી મળી જશે."
અયોધ્યાના કલેક્ટર મનોજ મિશ્રે હાલમાં આવી મંજૂરી આપવાની સ્પષ્ટ મનાઈ કરી છે.
તેમણે પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું કે, "આ કેસ હાલમાં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યાં પરંપરા પ્રમાણે જે પૂજા-અર્ચના થાય છે તે જ થશે. તે સિવાય કોઈ પક્ષ કશું કરવા માગે તો તેમણે સુપ્રીમ કોર્ટની મંજૂરી લેવી પડે, તંત્રની નહીં."
બીજી બાજુ આ કેસના એક પક્ષકાર હાજી મહબૂબની આગેવાનીમાં અયોધ્યાના સ્થાનિક મુસ્લિમોએ વિશ્વ હિન્દુ પરિષદના પ્રયાસોનો આકરો વિરોધ કર્યો છે.
હાજી મહબૂબ કહે છે, "સુપ્રીમ કોર્ટે ત્યાં દીપ પ્રગટાવવા માટેની મંજૂરી આપી નથી. જો તંત્ર ત્યાં એવી મંજૂરી આપશે તો અમે ત્યાં નમાઝ પઢવા માટેની માગણી કરીશું. તંત્રે અમને નમાઝ પઢવાની મંજૂરી પણ આપવી પડશે."


મુસ્લિમ સમાજમાં જોકે એવી ચિંતા જરૂર છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી 1992 જેવી સ્થિતિ ક્યાંક ફરી ઊભી ના થાય.
સ્ટેશન રોડ પર રહેતા અલી ગુફરાન કહે છે કે અયોધ્યાના મુસ્લિમોને ભરોસો આપવો પડે કે કાયદો અને વ્યવસ્થાની બાબતમાં સરકારી તંત્ર પૂર્ણપણે કડક છે.
તેઓ કહે છે, "તંત્રે સાવધાની ખાતર આગોતરાં પગલાં લીધાં છે, જેથી બધા લોકોમાં વિશ્વાસ ઊભો થાય."
જોકે, બાબરી મસ્જિદના અન્ય એક પક્ષકાર ઇકબાલ અન્સારી લોકોને આવા વિવાદોથી દૂર રહેવાની અપીલ કરે છે.
ઇકબાલ અન્સારી કહે છે કે લોકોએ હવે કોર્ટના ફેંસલાની જ રાહ જોયા સિવાય બીજું કશું કરવું જોઈએ નહીં.
કોર્ટ જે પણ ચુકાદો આપશે તે પોતે માનશે એમ ઇકબાલ અન્સારી કહે છે. તેઓ કહે છે, "અમારી વિરુદ્ધ ચુકાદો આવશે તો પણ માનીશું, કેમ હવે અન્ય કોઈ જગ્યાએ અપીલ કરવાનો કોઈ અર્થ નથી. આ મામલો બહુ લાંબો ખેંચાયો છે. આ વિવાદ હવે પૂરો થવો જોઈએ."
આ દરમિયાન અયોધ્યામાં દીપોત્સવ કાર્યક્રમ માટે શહેરને સુશોભિત કરવાનું કામ ચાલી રહ્યું છે. બીજી બાજુ મોટી સંખ્યામાં પોલીસ દળો અને સુરક્ષાદળોને ગોઠવી દેવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટમાં છેલ્લા તબક્કાની સુનાવણી ચાલી રહી છે, ત્યારે એવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે કે વાટાઘાટ દ્વારા સમાધાન માટે વધુ એક કોશિશ પણ કરવામાં આવી શકે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














