TOP NEWS : કાશ્મીરમાં 144 સગીરોની ધરપકડ કરાઈ હતી, સરકારે સ્વીકાર્યું

જમ્મુ-કાશ્મીર કિશોર ન્યાય સમિતિ (જુવેનાઇલ જસ્ટિસ કમિટી)એ પોતાના એક રિપોર્ટમાં કહ્યું કે ઘાટીમાં કોઈ બાળકને નિયમ વિરુદ્ધ અટકાયતમાં નથી રખાયાં.

સુપ્રીમ કોર્ટને સોંપાયેલા એક રિપોર્ટમાં સમિતિએ કહ્યું કે 5 ઑગસ્ટે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કર્યા બાદ ત્યાંથી 144 સગીરોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં 9 અને 11 વર્ષનાં બાળકો પણ સામેલ હતાં.

રિપોર્ટમાં કહેવાયું છે કે કેટલાંક બાળકોની અટકાયત કર્યાં બાદ તેમને છોડી દેવાયાં હતાં અને બાકીનાને સગીર ગણીને કાયદાકીય પ્રક્રિયા આગળ વધારાઈ છે, જે જુવેનાઇલ જસ્ટિસ ઍક્ટ 2013ની જોગવાઈને અનુરૂપ છે.

રિપોર્ટમાં ડીજીપી અને જમ્મુ-કાશ્મીર ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટીના રિપોર્ટને પણ સામેલ કરવામાં આવ્યો છે.

ચાર સભ્યોની સમિતિની આગેવાની જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના જજ જસ્ટિસ અલી મોહમ્મદ માગરે કરી રહ્યા હતા.

જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલા મામલાના સુનાવણી કરતી સુપ્રીમ કોર્ટની બેન્ચને આ રિપોર્ટ સોંપવામાં આવ્યો છે, જેમાં જસ્ટિસ એનવી રામના, જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને જસ્ટિસ બીઆર ગવઈ સામેલ છે.

જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિદેશકના એક રિપોર્ટનો હવાલો આપીને આ રિપોર્ટમાં કહેવાયું છે કે સરકારી મશીનરી કાયદાને અનુરૂપ કામ કરે છે અને એક પણ સગીરની નિયમ વિરુદ્ધ અટકાયત કરવામાં આવી નથી.

150મી ગાંધીજયંતીની દેશભરમાં ઉજવણી

દેશમાં આજે મહાત્મા ગાંધીની 150મી જયંતી ઉજવાઈ રહી છે. વડા પ્રધાન મોદી આજે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

અમદાવાદના સાબરમતીના કિનારે આવેલા ગાંધીઆશ્રમમાં સવારે સર્વધર્મ પ્રાર્થના યોજાશે. જેમાં શાળાનાં બાળકો સામેલ થશે.

તો મુખ્ય મંત્રી વિજય રૂપાણી ગાંધીના જન્મસ્થાન પોરબંદરમાં બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કરશે. તેમજ ત્યાંની પ્રાર્થનાસભામાં સામેલ થશે.

ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી સાંજે અંદાજે 6 વાગ્યા આસપાસ અમદાવાદ ઍરપૉર્ટ પર પહોંચશે. તેમનું પાર્ટીના કાર્યકરો સ્વાગત કરશે. બાદમાં તેઓ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે ગાંધીઆશ્રમ પહોંચશે.

વડા પ્રધાન મોદી બાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર પહોંચશે. જ્યાં તેઓ 20 હજારથી વધુ સરપંચોના સંમેલનમાં હાજરી આપશે.

તેમજ નવસારી જિલ્લા તંત્ર દ્વારા દાંડીના દરિયાકિનારે મોટું સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

'ભારત એક હિંદુ રાષ્ટ્ર છે'

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે એક કાર્યક્રમમાં કહ્યું કે હિંદુસ્તાન હિંદુ રાષ્ટ્ર છે તેની સાથે કોઈ બાંધછોડ ન કરી શકાય.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય સંગઠનમંત્રી સુનીલ આંબેકરના પુસ્તક 'ધ આરએસએસ રોડમેપ્સ ફૉર 21 સેન્ચૂરી'ના વિમોચન પ્રસંગે તેમણે આ વાત કરી હતી.

દિલ્હીના આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં તેઓએ કહ્યું કે સંઘમાં પ્રત્યેક સ્વયંસેવક સ્વતંત્ર રીતે પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે.

સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ મોહન ભાગવતે એમ પણ કહ્યું કે ભાજપ સાથે મતભેદ હોવા સામાન્ય બાબત છે. આરએસએસ વિવાદમાં નહીં, પરંતુ સહમતી સુધી પહોંચવામાં વિશ્વાસ ધરાવે છે.

માલીમાં સેના અને જેહાદીઓ વચ્ચે સંઘર્ષ

માલીની સરકારે જણાવ્યું કે બુરકીના ફાસો સાથે જોડાયેલી સીમામાં જેહાદીઓએ બે મિલિટરી પોસ્ટ પર હુમલો કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા 26 સૈનિકોનાં મૃત્યુ થયાં છે અને 60 ગુમ છે.

આ વિસ્તારમાં હાલમાં પણ સેના અને જેહાદીઓ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.

સરકારનું કહેવું છે કે તેમનાં ઘણાં બધાં હથિયાર પણ લૂંટી લેવાયાં છે.

વર્ષ 2012થી માલીમાં જેહાદીઓ અને સેના વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટારેસ માલીમાં સતત ચાલતી હિંસા પર ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે.

અહીં 2012થી 2018 સુધીના સમયગાળામાં મૃતકોની સંખ્યા ચાર ગણી થઈ ગઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો