ટ્રાફિકના નિયમો નેતાઓ અને મંત્રીઓ પર કેમ લાગુ નથી થતા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વિરાગ ગુપ્તા
- પદ, વકીલ, સુપ્રીમ કોર્ટ, બીબીસી ગુજરાતી માટે
જમ્મુ-કાશ્મીરમાં બંધારણની કલમ 370ને નિષ્પ્રભાવક બનાવવા માટે 'એક દેશ એક કાયદો'નો નારો બુલંદ કરવામાં આવ્યો છે.
નવા મોટર વાહન કાયદાના કડક દંડને યોગ્ય ઠેરવવા માટે નીતિન ગડકરીએ સામાન્ય લોકોને કાયદાના પાલનની સંસ્કૃતિ બનાવવા માટે કહ્યું છે.
ટ્રાફિક પોલીસની સીટી પર રોકાઈને, ગાડીની કિંમતથી વધુ દંડને રાષ્ટ્રીય કર્તવ્ય દર્શાવવામાં આવી રહ્યું છે.
બંધારણની કલમ 21 અંતર્ગત રોડ અકસ્માતમાં થઈ રહેલાં મૃત્યુથી લોકોને બચાવવા એ ચોક્કસ રીતે સરકારની જવાબદારી છે.
પરંતુ કલમ 14 અંતર્ગત કાયદાને સમાન રીતે લાગુ કરવાથી સરકાર કેવી રીતે ઇન્કાર કરી શકે?
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મોદી સરકારના છેલ્લા કાર્યકાળમાં ગાડીઓ પરથી લાલ-નીલી બત્તી દૂર કરીને વીઆઈપી સંસ્કૃતિને ઓછી કરવાની કોશિશ થઈ હતી.
નવા મોટર વાહન કાયદાનો સામાન્ય લોકો પર એકતરફી અમલ થયો છે. તેનાથી એ સ્પષ્ટ છે કે દેશમાં શાસકવર્ગ એટલે કે નેતાઓ માટે હજુ પણ વિશેષ વ્યવસ્થાનો દોર જારી છે.
પોલીસ અધિકારી જો કાયદો તોડે તો બમણા દંડની જોગવાઈ છે. તો કાયદો બનાવનારા માનનીય નેતાઓ જો કાયદો તોડે તો તેમના માટે પાંચ ગણા દંડની જોગવાઈ કેમ ન હોવી જોઈએ?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

નેતાઓના ગેરકાયદે રોડ શો

ઇમેજ સ્રોત, Getty Images
સોશિયલ મીડિયાના ડિજિટલ દોરમાં હવે ચૂંટણી રેલી માટે વાસ્તવિક ભીડ એકઠી કરવી રાજકીય નેતાઓ માટે મોટો પડકાર બની ગયો છે.
એટલે હવે રોડ પરની ભીડમાં જ નેતાઓ રેલીઓ કરી રહ્યા છે, જેને સાદી ભાષામાં રોડ શો કહેવાય છે.
રોડ શોમાં સ્ટારપ્રચારક અને વાહનોના કાફલાનું ટીવીમાં સીધું પ્રસારણ થવાથી દેશભરમાં ચૂંટણીનો માહોલ બની જાય છે.
પરંતુ જો તેને કાયદાકીય રીતે જોવા જઈએ તો રોડ શોમાં ભાગ લેનારાં બધાં વાહનો અને ચાલકોનું સ્થાનિક પ્રશાસન સાથે રજિસ્ટ્રેશન કરાવવાના નિયમની સાથે ટ્રાફિકના નિયમોનું પાલન પણ અનિવાર્ય છે.
ચૂંટણીપંચના નિયમ પ્રમાણે રોડ શો વૅકેશન કે લોકોને અગવડ ન પડે એવા સમયે આયોજિત થવા જોઈએ.
નિયમ અનુસાર સ્કૂલ, હૉસ્પિટલ, બ્લડબૅન્ક અને અન્ય જરૂરી સુવિધાવાળા વિસ્તારમાં રોડ શોનું આયોજન કરી શકાતું નથી.
રોડ શોના કાફલામાં દસથી વધુ ગાડીઓ ન હોવી જોઈએ. ચૂંટણીપંચ અને સ્થાનિક તંત્રની પરવાનગી વિના આયોજિત થતા આ રોડ શોમાં મોટર વાહન કાયદાની સાથેસાથે આઈપીસી અને અનેક ચૂંટણીના કાયદાઓનું ઉલ્લંઘન થાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
આ અરાજકતા રોકવા માટે સામાન્ય ચૂંટણી અગાઉ સીએએસસી સંસ્થાના માધ્યમથી રાજ્યોના ચીફ સેક્રેટરી અને પોલીસ મહાનિદેશકોને રિપોર્ટ મોકલાયા હતા, પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ.
હવે હરિયાણા અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થનાર છે.
નવા ટ્રાફિક નિયમો અનુસાર રોડ શો દરમિયાન ઍમ્બ્યુલન્સ કે કટોકટી સેવામાં અવરોધ કરતાં વાહનચાલકને 10 હજારથી લઈને પાંચ ગણો દંડ કરવો જોઈએ.
સગીરના ગુના માટે વાલીઓ જવાબદાર હોય તો સમર્થકો કાયદો તોડે તો ઉમેદવારની જવાબદારી કેમ ન હોવી જોઈએ?
ખતરનાક ડ્રાઇવિંગ, હેલ્મેટ ન પહેરવો અને દારૂ પીને રોડ શોમાં ગાડી હંકારનાર સમર્થકો જો કાયદો તોડે તો ઉમેદવારને પણ દંડ ભરવો પડે તો ખરા અર્થમાં દેશમાં કાયદાનું રાજ આવશે.

ગેરકાયદે ચૂંટણીરથ

ઇમેજ સ્રોત, Getty Images
રથયાત્રાના ટ્રૅન્ડની શરૂઆત આંધ્રપ્રદેશમાં એનટી રામારાવે વર્ષ 1982-83માં કરી, જેને અડવાણીએ રાષ્ટ્રવ્યાપી વિસ્તાર કર્યો.
લોકતંત્રમાં પોતાને સેવક કહેનાર દરેક પક્ષના નેતા ભવ્ય સુવિધાજનક આ રથો પર બેસીને લોકોને મળવાનો ઢોંગ કરે છે.
આ રથો પર મોટા પાયે ખોટો ખર્ચ થાય છે, જેનાથી આરટીઓમાં રજિસ્ટ્રેશનમાં કોઈ તકલીફ નથી થતી.
પરંતુ સાચું તો એ છે કે રાજમહેલની ભવ્યતાવાળા ચૂંટણી રથોને મોટર વાહન કાયદા અંતર્ગત માન્યતા નથી.
સામાન્ય લોકો ગાડીમાં નાનો એવો ફેરફાર કરે કે સામાન રાખવા માટે પોતાની ગાડીમાં કોઈ કૅરિયર લગાડે તો શહેરમાં ચલણ ભરવું પડે છે.
ભારે વ્યાવસાયિક વાહનોથી બનેલા ચૂંટણી રથમાં ઊભેલા નેતાઓનું અભિવાદન અને રોડ પર કાર્યકરોની ભીડ ગેરકાયદે છે.
ચૂંટણી રથ અને તેમાં સવાર નેતાઓ સીટ બેલ્ટ નથી પહેરતા, અને વાહનોમાં ઓવરલોડિંગ પર જો દંડ લાગે તો સામાન્ય લોકો પર નિયમો લાદવાનું કદાચ સરળ થઈ જાય!

બાઇકરેલી અને પ્રદૂષણ કંટ્રોલ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
મોટર વાહન કાયદા અનુસાર પૉલ્યુશન સર્ટિફિકેટ ન હોય તો દંડની જોગવાઈ છે. રોડ પર ગેરકાયદે રીતે વાહન ચલાવવું અને રેસિંગ પર પણ નવા કાયદા પ્રમાણે દંડની જોગવાઈ છે.
આ કાયદાનો આશય સામાન્ય લોકોની સુરક્ષા સાથેસાથે પર્યાવરણનું સંરક્ષણ કરવાનો પણ છે. તો પછી આ કાયદાઓ નેતાઓની બાઇકરેલી પર કેમ નથી લાગુ થતા?
દેશમાં કરોડો લોકો સીટ બેલ્ટ અને હેલ્મેટ ન પહેરતાં દંડાઈ રહ્યા છે. પરંતુ હેલ્મેટ વિના ચૂંટણી ઝંડાઓ લઈને મદમસ્ત થઈને ફરતાં બાઇકરોનાં ડરામણાં ટોળાંના નેતાઓ પર દંડ કેમ નથી લાગતો?
સુશાસનના નામે બનેલી આમ આદમી પાર્ટીના નેતાઓએ વર્ષ 2011માં મુંબઈથી બાઇકરેલીના ટ્રૅન્ડની શરૂઆત કરી હતી.
બાદમાં હરિયાણામાં ભાજપના નેતાઓએ એક લાખ બાઇકની રેલીથી નવો રાજકીય કીર્તિમાન સ્થાપ્યો, પરંતુ રોડ સુરક્ષાના બધા કાયદાઓ ધ્વસ્ત થઈ ગયા.
નવા કાયદા પ્રમાણે દ્વિચક્રી વાહનોમાં ઓવરલોડિંગ પર 20 ગણા દંડની જોગવાઈ છે.
સવાલ એ છે કે રોડ શો દરમિયાન વાહનોના ઓવરલોડિંગ પર રાજનેતાઓની ગૅંગને દંડ કરીને નવું ઉદાહરણ કેમ નથી પૂરું પડાતું?

નેતાઓના જીવ જોખમમાં કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
સામાન્ય લોકોની સુરક્ષાના નામે તેમના પર સખત દંડની વ્યવસ્થા કરાઈ છે. બીજી તરફ નેતાઓને સરકારી ખર્ચ પર ભારે સુરક્ષા મળે છે.
સામાન્ય લોકોને અસુવિધા છતાં સખત સુરક્ષા વ્યવસ્થાના નામે વીઆઈપી મૂવમૅન્ટ સમયે આખો રોડ ખાલી કરાવાય છે.
પરંતુ ચૂંટણી સમયે નેતાઓ સુરક્ષાના નામે જોગવાઈને કોરાણે મૂકી દે છે.
પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી અને પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોની ચૂંટણીપ્રચાર સમયે રોડ શો દરમિયાન હત્યા થઈ, તેમ છતાં ભારતના નેતાઓ ચેતતા નથી.
સામાન્ય ચૂંટણીમાં પ્રિયંકા અને રાહુલ ગાંધીના રોડ શો દરમિયાન તેમના ટ્રકનો કાફલો વીજતાર સાથે અથડાયો હતો.
ગત મહિને રોડ શો દુર્ઘટનામાં ઉત્તરપ્રદેશના ભાજપના અધ્યક્ષ અને પૂર્વ પરિવહનમંત્રી સ્વતંત્રદેવ સિંહની હાથની આંગળી કપાઈ ગઈ હતી.
દિવંગત અરુણ જેટલી અને દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલના રોડ શો દરમિયાન પણ દુર્ઘટના સર્જાઈ હતી.
રોડ શો દરમિયાન વીવીઆઈપીની સુરક્ષાથી સમાધાનથી એસપીજી પ્રોટોકૉલની સાથેસાથે મોટર વાહન કાયદાના નિયમનું પણ ઉલ્લંઘન થાય છે.
મોટા નેતાઓનો જીવ સામાન્ય લોકોથી વધુ કિંમતી છે, તો પછી તેમને નિયમોના ઉલ્લંઘનની પરવાનગી કેમ આપવામાં આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
રોડ શો અને ચૂંટણી રથનાં ગેરકાયદે પાસાંઓ પર કાર્યવાહી માટે અમે ગત સામાન્ય ચૂંટણી અગાઉ દેશનાં દરેક રાજ્યોના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશકોને રિપોર્ટ કર્યો હતો, પરંતુ દેશમાં ક્યાંય કોઈ કાર્યવાહી ન થઈ.
મોટા નેતાઓ તરફથી થતી કાયદાઓની ખુલ્લેઆમ અવહેલના અને સામાન્ય લોકો પર વળતરનો બોજ અસંવૈધાનિકની સાથે અલોકતાંત્રિક પણ છે.
આખા દેશમાં બધા પક્ષોના નેતાઓએ પોતાની ગાડીઓ પર પાર્ટીના ઝંડાની સાથે પોતાનું બાયોડેટા બોર્ડ પણ લગાવી રાખ્યું છે, જે ગેરકાયદે છે.
દેશમાં રૂલ ઑફ લૉની સ્થાપના માટે સત્તાધીશો પર કડક રીતે કાયદો લાગુ કર્યા પછી જ લોકો પાસે કાયદાના પાલનની અપેક્ષા હોવી જોઈએ, કેમ કે જેવા રાજા તેવી પ્રજા.
બાદમાં દેશમાં સમાનતાની સાથે સુરક્ષાનું પણ વાતાવરણ બનશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












