શું બીએસ-6ના કારણે ભારતના ઑટો સૅક્ટરમાં મંદી આવી છે?

ઑટો સૅક્ટરમાં હાલ ચાલી રહેલી મંદીમાં વાહનોની માંગમાં ઘટાડાની સાથે પ્રદૂષણ નિયંત્રણ કરનારા માનક બીએસ-6ને પણ જવાબદાર માનવામાં આવી રહ્યું છે.

મંગળવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે ઑટો સૅક્ટરમાં ચાલી રહેલી મંદી માટે બીએસ-6ને પણ એક કારણ દર્શાવ્યું હતું.

વાસ્તવમાં સરકારે વર્તમાન બીએસ-4 માનક બાદ બીએસ-5ની જગ્યાએ સીધું જ 31 માર્ચ 2020 બાદ બીએસ-6 માનક લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

એટલે કે આ તારીખ બાદ નવા માનક અંતર્ગત બનેલી ગાડીઓ કંપનીઓ વેચી શકશે.

સરકારે 2000માં યુરોપની જેમ ઉત્સર્જક માનકની નીતિ બનાવી અને 2002માં બીએસ-1(ભારત સ્ટેજ-1) લાગુ હતું.

નવા માનકોમાં ખૂબ જ સારી વાતોને સામલે કરવામાં આવી છે. જેમાં નવી ગાડીઓનાં એન્જિન નવા માનક અનુસાર બનાવવામાં આવશે.

તેમાં એવા ઇંધણનો ઉપયોગ કરવામાં આવશે જે તેના માનકને અનુરૂપ હોય.

જોકે, નવા માનકોને લાગુ કરવા માટે જે સમય આપાવમાં આવ્યો છે તેને લઈને ઑટો ઉદ્યોગના દિગ્ગજો શરૂઆતથી જ ચિંતામાં જ છે.

શું છે ઇન્વેન્ટ્રી કરેક્શન?

ગયા જૂન મહિનામાં સુઝુકીના મૅનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ કેનિચી આયુકાવાએ કહ્યું હતું, "આ સમય દરમિયાન ઉતાર-ચઢાવ જોવા મળશે. એવું પણ થઈ શકે કે માંગમાં ઘટાડો આવે."

"જ્યાં સુધી બીએસ-6 ગ્રાહકો માટે એક સામાન્ય વાત ના બને ત્યાં સુધી સમય લાગશે."

તેમણે કહ્યું કે આટલી ઝડપથી અને સાહસિક રીતે કોઈ પણ દેશે પ્રદૂષણ માનક લાગુ કર્યાં નથી, ત્યાં સુધી કે જાપાને પણ નહીં.

તેમનું કહેવું હતું કે આ પ્રકારની ટેકનિક લાવવા માટે ઘણું વધારે રોકાણ કરવું પડશે અને તેમાં કારના ભાવ પણ વધી શકે છે.

વાહન નિર્માતાના સંગઠન સિયામનું કહેવું છે કે ઑગસ્ટ મહિનામાં પેસેન્જર વાહનો, કૉમર્સિયલ વાહનો અને કારના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે.

નિવેદન પ્રમાણે ઑટો સૅક્ટરમાં સતત 9મા મહિને પણ ઘટાડો જોવા મળ્યો છે.

નામ જાહેર ન કરવાની શરત પર સિયામના એક અધિકારીએ બીબીસીને કહ્યું, "આ સૅક્ટરમાં વર્તમાન ઘટાડા માટે ઘણાં કારણો જવાબદાર છે, જેમાંથી બીએસ-6 પણ સામેલ છે. કારણ કે તેમાં કંપનીઓએ તેમનાં ઉત્પાદનને નવી ટૅક્નૉલૉજી તરફ લઈ જવાં પડી રહ્યાં છે."

તેમના જણાવ્યા પ્રમાણે, "આ કારણે જ કંપનીઓ જૂનાં પ્રદૂષણ માનકોના આધારે થનારાં ઉત્પાદનોમાં ઘટાડો કરી રહી છે. જેને ઇન્વેન્ટ્રી કરેક્શન કહે છે."

"જ્યારે પણ પ્રદૂષણ માનક બદલાય છે ત્યારે આવું થાય છે. કંપનીઓની એ કોશિશ છે કે 31 માર્ચ સુધી સમયસીમા સુધી પહોંચતા પહોંચતા થોડું ઇન્વેન્ટ્રી કરેક્શન થઈ જાય."

તેમનું કહેવું છે કે ડીઝલ કાર પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકી દેવાના સમાચારે પણ બજારમાં ગભરાટ પેદા કરી દીધો હતો અને તેના પર અત્યારે અસમંજસની સ્થિતિ છે.

પ્રદૂષિત ગૅસ જેને રોકશે બીએસ-6

કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મૉનોક્સાઇડ, હાઇડ્રોકાર્બન અને નાઇટ્રોજન ઑક્સાઇડ જેવા ઘાતક ગૅસ ઇન્ટરનલ કંબશન એન્જિનમાંથી પેદા થાય છે.

આ સિવાય ડીઝલ અને ડાયરેક્ટ ઇન્જેક્શન પેટ્રોલ એન્જિનથી પર્ટિકુલેટ મૅટર (પીએમ) પેદા થાય છે.

પ્રદૂષણને ઓછું કરવા માટે ઇંધણને બાળનારી ચેમ્બરને વધારે પરિષ્કૃત કરવામાં આવે છે જેનાથી બાયપ્રોડક્ટ ઓછી નીકળે.

એ સિવાય પર્ટિકુલેટ મૅટર અને નાઇટ્રોજન ઑક્સાઇડ જેવાં પ્રદૂષણને રોકવા માટે વધારાની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે.

બીએસ-4 ઇંધણમાં સલ્ફરની માત્રા 20 મિલીગ્રામ પ્રતિ કિલોગ્રામ હતી જ્યારે બીએસ-6માં તે 10 મિલીગ્રામ પ્રતિ કિલોગ્રામ હશે.

બીએસ-6માં એકસ્ટ્રા શું છે?

બીએસ-4ની સરખામણીએ બીએસ-6માં નાઇટ્રોજન ઑક્સાઇડનું ઉત્સર્જન પેટ્રોલ એન્જિનમાં 25 ટકા ઓછું અને ડીઝલ એન્જિનમાં 68 પ્રતિશત ઓછું થશે. ડીઝલમાં પર્ટિકુલેટ મૅટરનું સ્તર 82 ટકા ઓછું કરવાનું હશે.

પ્રથમ વખત પર્ટિકુલેટ મૅટરમાં નિયંત્રણ માટે ડાયરેક્ટ ઇન્જેક્શનવાળા પેટ્રોલને એન્જિનને પણ આવરી લેવાયું છે.

મહત્ત્વની વાત એ છે કે બીએસ-4માં પેટ્રોલ અને ડીઝલ એન્જિનો માટે અલગ-અલગ માનક હતા. બીએસ-6માં તેનું અંતર લગભગ ખતમ થઈ જશે.

જ્યારે 2016માં ભારત સરકારે નક્કી કર્યું હતું કે એપ્રિલ 2020 સુધી બીએસ-6 માનક લાગુ કરી દેવામાં આવશે તો સાથે જ રિફાઇનરી માટે 30 હજાર કરોડ રૂપિયાના રોકાણની વાત પણ કરી હતી.

ગયા મહિને નાણામંત્રીએ અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવા માટે કેટલીક જાહેરાતો કરી હતી. જેમાં બીએસ-4નાં વાહનોના ખરીદ વેચાણની સમયસીમાને જૂન 2020 સુધી લંબાવવાની વાત પણ કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો