કાશ્મીર : '370ની નાબૂદી તો કરી, માનવતાની નાબૂદી ના કરીએ' - દૃષ્ટિકોણ

કાશ્મીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, અંકિત આગા અને ચિત્રાંગદા ચૌધરી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગયા શનિવારે અમે શ્રીનગરમાં હતા ત્યારે જોયું કે એક પરિવાર ટીવીની સામે બેસી ગયો હતો. 12 સાંસદોના પ્રતિનિધિમંડળને શ્રીનગરની મુલાકાતની મંજૂરી મળશે કે કેમ તે જોવા પરિવાર આતુર હતો.

ન્યૂઝઍન્કર વળી સરકારી લાઈનો બરાડા પાડીને બોલી રહ્યો હતો કે આ સાંસદો 'પાકિસ્તાનના ઍજન્ડાને આગળ વધારી રહ્યા છે" અને "શાંતિને ડહોળી રહ્યા છે."

ખબર આવ્યા કે સરકારે સાંસદોને દિલ્હી પરત જવા ફરજ પાડી તે પછી ટીવી સામે બેઠેલા લોકોના મોં પડી ગયા.

તેમાં બેઠેલા એક લેક્ચરરે સ્ક્રીન પર બરાડી રહેલા ઍન્કરને ટોણો પણ માર્યો, "હા, કાશ્મીરમાં શાંતિ છે. કબ્રસ્તાનમાં હોય તેવી શાંતિ છે."

ખાલીખમ ગલીઓ, શેરીઓ, પુલો, દુકાનો અને ઑફિસો બંધ છે. શાળામાં વિદ્યાર્થીઓ આવતા નથી, કૉલેજો ઉજ્જડ છે અને દરવાજે અર્ધલશ્કરી દળોનો પહેરો છે.

પહેરાના કારણે અવરવજર મુશ્કેલ છે, વાહન વ્યવહાર ઠપ છે, ટપાલો, કુરિયર, મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ સેવા તથા મોટા ભાગની લૅન્ડલાઇન પણ બંધ છે.

ગયા અઠવાડિયાની અમારી કાશ્મીર મુલાકાત દરમિયાન અમને આ પ્રકારની શાંતિ અને 'સામાન્ય સ્થિતિ' જોવા મળી હતી.

કાશ્મીર ખીણની અમારી આ મુલાકાત અંગત હતી અને મહિનાઓ પહેલાં જ ગોઠવાઈ ગઈ હતી.

ત્યારપછી ઑગસ્ટની શરૂઆતમાં સ્થિતિએ પલટો માર્યો અને સરકારે વધારાના દળો જમ્મુ અને કાશ્મીરમાં ગોઠવી દીધા હતા.

કલમ 370 અને 35એ નાબૂદ કરી દેવાઈ અને રાજ્યનું વિભાજન કરીને બે કેન્દ્રશાસિત પ્રદેશો જાહેર કરી દેવાયા.

કાશ્મીરમાં રહેલા અમારા મિત્રો અને સગાઓએ કહ્યું કે તમારી મુલાકાત રદ કરો પણ અમને લાગ્યું કે આવા સમયે, કે જ્યારે લોખંડી પડદો ખીણ પર નાખી દેવાયો છે ત્યારે ત્યાંના લોકો સુધી પહોંચવું જરૂરી છે.

ખાસ કરીને એટલા માટે કે અમારામાંથી એક કાશ્મીરી પંડિત છે, જે ભારતની તળભૂમિમાં વસે છે.

line

'દગો' અને 'રૂંધામણ'

કાશ્મીર

ઇમેજ સ્રોત, Getty Images

અમે ત્યાં રોકાયા તે દરમિયાન લોકો સાથે થયેલી વાતચીતમાં પીડા, રોષ અને અવિશ્વાસ વ્યક્ત થતાં રહ્યાં. અમને સૌથી વધુ સાંભળવા મળ્યા તે શબ્દો હતા - 'દગો' અને 'રૂંધામણ'.

અસલામતીની સ્થિતિને સંભાળી લેવા માટે સહનશક્તિ અને કરુણહાસ્ય અમને જોવા મળ્યા.

સાથે જ ભયની લાગણીઃ અમે 50 જેટલા લોકોને મળ્યા, તેમણે બધાએ પોતાની અકળામણ વ્યક્ત કરી, પણ પોતાનું નામ જાહેર ના કરવાની વિનંતી કરી.

"અમારા દિલમાં કે દિમાગમાં જરાય શાંતિ નથી. ભવિષ્યમાં શું થશે તેની ચિંતા જ અમને કોરી ખાઈ રહી છે," એમ દક્ષિણ કાશ્મીરમાં સરફજનની વાડી ધરાવનારા ખેડૂતે અમને હતાશા સાથે કહ્યું. "હું ભારતના લોકોને અમારી પીડા સમજવા માટે અરજ કરું છું. અમે પણ શાંતિ જ ઇચ્છીએ છીએ."

અમારા વાતચીત ચાલતી હતી ત્યારે ચાર વર્ષની તેમની દીકરી ભાવશૂન્ય આંખે મૂંગી જ બેઠી રહી હતી.

દેશમાં 'મક્કમ' અને 'નિર્ણાયક' પગલાં તરીકે જેની વધામણી થઈ રહી છે, તેને અહીંના લોકો માટે બેજવાબદાર, સહમતી વિના અને સરકાર ભવિષ્યમાં શું કરવા માગે છે તેની જાણ બહાર લેવાયેલું પગલું ગણાવે છે.

"અમારા બધા નેતાઓને નજરકેદમાં રખાયા છે. અમે ક્યાં જઈએ? અમારી પીડા કોને જણાવીએ?" એમ શ્રીનગરની એક યુવતીએ અમને પૂછ્યું હતું.

અન્ય એકે કહ્યું, "અમને અંધારામાં ફાંફા મારતા છોડી દેવાયા છે."

બાળકો સહિત હજારોની અટકાયત (બીબીસી, ન્યૂયૉર્ક ટાઇમ્સ અને 'ધ ક્વિન્ટ' વગેરેએ જણાવ્યું છે તે પ્રમાણે) થઈ છે અને હવે સત્તાધીશો કોને પકડી લેશે તેના ડરના કારણે લોકો નિરાધાર અનુભવ કરી રહ્યા છે.

ઘણા સ્થાનિક પત્રકારોએ જણાવ્યું કે સેન્સરશીપ છે અને સત્તાધીશોની ધમકીઓ મળી રહી છે.

ઉપરાંત તેમની મુખ્ય કચેરીઓથી પણ તેમને સ્થિતિના અહેવાલ આપતા અટકાવાયા છે.

સરકાર સત્તાવાર રીતે કેટલા કર્ફ્યુપાસ અપાયા છે તેના આંકડાં નહીં આપીને આ બધી હકીકતો છુપાવી રહી છે.

સરકારના નિર્ણયને કારણે અન્યાય થયાની લાગણી ઉપરાંત ઉપરાંત બંદૂક બતાવીને અવાજ દબાવી દેવાયો છે તેના કારણે સ્થિતિ વધારે કફોડી બની છે.

જે સમયે નિર્ણય લેવાયો તેની પણ નારાજી છે. પ્રવાસનનો મુખ્ય સમય હતો ત્યારે જ સૌ પ્રવાસીઓને પાછા મોકલી દેવાયા, તેના કારણે રોજગારી પડી ભાંગી હતી.

ઇદના તહેવારોની અપેક્ષાએ માલ તૈયાર કરનારી બેકરીઓને લાખો રૂપિયાનું દેવું થઈ ગયું છે.

આ શાદીનો સમયગાળો હતો, તેમાં ઘણી શાદી રદ થઈ અથવા સાવ સાદાઈથી થઈ.

જમણવારમાં સ્વાદિષ્ટ પકવાનો બનાવીને શાદીની મોસમમાં જ આખા વર્ષનું કમાઈ લેતા રસોઇયાઓ રોજગાર વિનાના થઈ ગયા.

દેશમાં સૌથી વધુ જામફળ અને સફરજનની વાડીઓ શોપીયાનમાં છે. વૃક્ષો ફળોથી લચી પડ્યા છે, પણ માર્કેટ યાર્ડ ખાલીખમ પડ્યા છે. અત્યારે આ માર્કેટ યાર્ડ ધમધમતા હોય, તેના બદલે રોજનું કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.

નોટબંધી વખતે થયું હતું તે પ્રમાણે લાખો લોકોને આર્થિક ફટકો પડ્યો છે, તેની ક્યારેય ગણતરી જ થશે નહિ.

માત્ર ભારત સરકારે નહીં, પણ ભારતના લોકોએ પણ દગો કર્યો એવી લાગણી ઘણાના મનમાં છે. તળ શ્રીનગરમાં એકઠા થયેલા કેટલાક લોકોએ અમારામાંથી એકને પૂછ્યું, "આજે 20 દિવસ થઈ ગયા છે. શા માટે ભારતીયો મૌન બેઠા છે? તેઓ આવું જૂઠાણું ચલાવી લેવા માગે છે?" એક બીજાએ ઉમેર્યું, "સુપ્રીમ કોર્ટને પણ કશી દરકાર નથી."

line

'અલ્લાહ તમને સલામત રાખે'

કાશ્મીર

ઇમેજ સ્રોત, Getty Images

આયખાના છઠ્ઠા દાયકામાં પહોંચેલા એક મેનેજરે દુઃખ સાથે અમને કહ્યું, "હું મારી આખી જિંદગી ભારતની તરફેણ કરતો રહ્યો છું. મારા મિત્રો સાથે હું તેના લોકતંત્રનો પક્ષધર રહ્યો હતો પણ હવે નહીં..."

ભારતની લોકશાહી કઈ દિશામાં જઈ રહી છે તે અંગે ઘણા લોકોએ ચિંતા વ્યક્ત કરી.

સંદેશ વ્યવહાર ઠપ થઈ ગયો હોવાથી સમગ્ર પ્રજા પડેલી રાજકીય અને ભાવનાત્મક અસરોનો સ્વીકાર જ નથી થઈ રહ્યો. સરકાર અને આપણે સૌ તેને સ્વીકારી રહ્યા નથી.

કલ્પના કરો કે તમારી પ્રિય વ્યક્તિ સાથે તમારો સંપર્ક તૂટી જાય તો ચિંતાના કારણે તમારી હાલત શું થાય. અથવા તો આખું અઠવાડિયું ફોન કે ઇન્ટરનેટ વિના શું થાય.

છેલ્લા 25 ( આ પ્રકાશિત થાય છે ત્યારે મહિનો) દિવસથી જમ્મુ અને કાશ્મીરના લોકો આવી જ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે અને રાહત મળે તેવું લાગતું નથી.

એક યુવાને અમને સો રૂપિયા આપ્યા અને કહ્યું કે બેન્કમાં જમા કરાવી દેજો, જેથી તેનો ભાઈ એક પરીક્ષાની ફી ભરી શકે.

અન્ય એકે કહ્યું, "ભયની લાગણી ફેલાયેલી છે. અને ચિંતા છે કે આવી રીતે કેમ દિવસો પસાર કરવા. બધું જ બંધ છે અને રાહ જોવા સિવાય કશું કરી શકાય તેમ નથી."

"સરકારે અમને દુનિયા સાથેના સંપર્કથી કાપી દીધા છે," એમ એક માતા કહે છે, તેઓ 20 દિવસથી તેમની દીકરી અને ભાણેજો સાથે વાત કરી શક્યા નથી.

"હમે કિતના લોનલી બના કે રખ દિયા હૈ." એક મોટી ઉંમરના વકીલે અમને કહ્યું કે તેના પિતરાઇનો દેહાંત થયો હતો, પણ ચાર દિવસ સુધી તેમને જાણ થઈ શકી નહોતી.

ઘણા ઘરોમાં અમે જોયું કે ટીવી પર બે ઉર્દુ ચેનલમાંથી એક ચાલતી હોય છે. તેમાં નીચે પટ્ટીમાં બાળકો અને સ્નેહીઓ કાશ્મીરની બહાર છે તેમના સંદેશ દેખાતા રહે છે.

"અમે અહીં કુશળ છીએ. ચિંતા ના કરશો. અલ્લાહ તમને સલામત રાખે," એવી લાગણી જ મોટા ભાગના સંદેશમાં પ્રગટ થતી રહે છે.

નોંધપાત્ર વાત એ છે કે એક પણ વાર ભવિષ્યની વાત નીકળી ત્યારે આનંદ કે આશાની લાગણી કોઈએ વ્યક્ત ન કરી, યુવાનોએ પણ નહીં.

શોપિયાન જિલ્લાના એક ગામના યુવાને ચિંતા વ્યક્ત કરી કે સરકારના પગલાંના કારણે સામાન્ય જનતા કોરાણે થઈ જશે અને 'ઉદ્દામવાદીઓનો નવો ફાલ' આવશે, જેના કારણે ફરી તોફાનો અને હિંસા થશે.

એ ગામના શાયરીના શોખીન એક શિક્ષક કહે છે, "અમારા જેવા લોકો કોઇક સાંભળી જશે અને ઉદ્દામવાદી કે સરકાર તરફથી ન જાણે શું થશે એવા ડરના કારણે ચૂપ જ બેસી રહેશે."

શ્રીનગરમાં રહેતા મોટી ઉંમરના કાશ્મીરી પંડિત શિક્ષક કહે છે, "કાશ્મીર માટે કોઈ સ્પષ્ટ નીતિ જ નથી. ક્યારેય હતી પણ નહીં. અમે કાશ્મીરીઓ કાયમ પીડાતા જ રહીશું."

અમારી વાતચીતમાં સન્માન અને સ્વાયત્તતાની વાત નીકળી ત્યારે સ્પષ્ટ થયું કે કાશ્મીરીઓ હજીય ભારતીયોને સાથીઓ જ સમજે છે, ભલે સામેથી પ્રતિસાદ ના મળતો હોય.

વીડિયો કૅપ્શન, ગિલગિટ બાલ્ટિસ્તાનના નાગરિકોની તસવીર
line

પરેશાન ચહેરા

કાશ્મીર

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય ટીવી ચેનલોમાં કાશ્મીરનું આક્રમક ચિત્ર રજૂ કરવામાં આવે છે તેનો તથા સરકારના 'જુલમ'નો રોષ લોકોએ અમારા પર ઠાલવ્યો, પણ સાથે જ અમને અચૂક પોતાને ત્યાં ચા પીવા પ્રેમથી નોતર્યા હતા.

અમારાથી એક કાશ્મીરી છે તેનો ખ્યાલ આવે ત્યારે મહેમાનગતી વધારે ઉષ્માપૂર્ણ બની જતી. અમે જેમને મળ્યા તે બધાએ અમારી સાથે વિદાય વખતે ઉષ્મા સાથે હાથ મેળવ્યા કે અમને ભેંટી પડ્યા હતા.

કેટલાક પ્રસંગોએ અમને સલામતી દળો માટે પણ સહાનુભૂતિ જોવા મળી. "તે લોકોના પરેશાન થયેલા ચહેરાઓ જુઓ. અમે જેલમાં છીએ, તો તેઓ પણ કેદમાં જ છે," એમ એક જણે અમને શ્રીનગરમાં કહ્યું હતું.

અમે કાશ્મીર ખીણથી પરત આવવા નીકળ્યા ત્યારે અમને દુઃખની લાગણી થઈ કે આપણી લોકશાહીને મજબૂત બનાવનારી બંધારણીય સંસ્થાઓની હાલત કેવી થઈ છે.

આપણમાંથી મોટા ભાગના લોકો જમ્મુ અને કાશ્મીરના ઇતિહાસને આક્રમકતાના ચોકઠામાં જ રાખીને જોઈએ છીએ તે વાસ્તવિકતાનું ભાન પણ અમને થયું.

આવું કથાનક સરકારે ગોઠવ્યું છે અને ભારતીય ટીવી ન્યૂઝ પર તે જ ચાલી રહ્યું છે. અમે પાછા ફર્યા ત્યારે અમને ખ્યાલ આવ્યો કે અમે જે માનીએ છીએ તે વાત જરાય લોકપ્રિય નથી.

સરકાર હજીય પોતાના દરેક પગલાંને કલ્યાણકારી ગણાવીને બચાવ કરી છે અને વાટાઘાટોમાં કોઈ સાર જોઈ રહી નથી.

અમને કહેવામાં આવ્યું કે સંદેશ વ્યવહાર ઠપ કરી દેવાયો છે તેના કારણે જ સ્થિતિ થાળે પડેલી છે. લગભગ દર સાત માણસે એક પ્રમાણે દસ લાખ સૈનિકોની હાજરી, ત્રાસવાદનો સામનો કરવા માટે જરૂરી છે એવું કહેવાઇ રહ્યું છે.

ટીવી ચેનલો રાષ્ટ્રના ભવ્ય વિજયના ગુણગાન ગાઈ રહી છે. આ વાતનું કદાચ જોરદાર સમર્થન નહીં કરતાં હોય, પણ મોટા ભાગના ભારતીયો કોઈ સવાલ વિના આવા વર્ણનને સ્વીકારી રહ્યા છે.

આ બધા વચ્ચે એવું લાગે છે કે આપણે એ બાબતની પરવા કરવાનું ભૂલી ગયા છીએ, કે સશસ્ત્ર ઘેરો ઘાલીને, અવાજને દબાવી દઈને, પીડાની અવગણના કરીને પ્રજાને સૌ સાથે 'સંમિશ્રિત' કરવાના આ પ્રયાસોમાં આપણે આપણી પોતાની માનવતાને પણ નાબુદ કરી રહ્યા છીએ.

(અનિકેત આગા શિક્ષણશાસ્ત્રી છે. ચિત્રાંગદા ચૌધરી સ્વતંત્ર પત્રકાર અને સંશોધક છે. આ વિચારો અને તથ્યો તેમનાં છે,બીબીસીના નથી. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો