સોનભદ્રમાં પીડિત પરિવારોને મળવા જઈ રહેલાં પ્રિયંકા ગાંધીની અટકાયત

ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં પીડિત કુટુંબોને મળવા જઈ રહેલાં કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી છે.

આ પહેલાં તેમને રસ્તા પર અટકાવવામાં આવ્યાં હતાં, જેના વિરોધમાં તેઓ મિર્ઝાપુરમાં જ ધરણાં પર બેસી ગયાં હતાં.

નોંધનીય છે કે બુધવારે ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં ભૂમિવિવાદને પગલે થયેલી હિંસામાં 10 લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં.

પ્રિયંકા ગાંધીને અટકાવવાના આ પ્રયાસને પગલે કૉંગ્રેસે યોગી આદિત્યનાથની સરકાર પર સરમુખત્યારશાહી આચરવાનો આરોપ લગાવ્યો છે.

સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર ઘટનાને પગલે પ્રિયંકા ગાંધીએ પ્રતિક્રિયા વ્યક્ત કરી, "અમે હજુ પણ ઝૂકીશું નહીં. અમે શાંતિપૂર્ણ રીતે પીડિત કુટુંબોને મળવા જઈ રહ્યાં હતાં. ખબર નથી કે આ લોકો ક્યાં લઈ જઈ રહ્યા છે. અમે લોકો ગમે ત્યાં જવા માટે તૈયાર છીએ."

રાહુલ ગાંધીએ આ ઘટનાની નિંદા કરતા ટ્વીટ કર્યું, "ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં પ્રિયંકાની ગેરકાયદે ધરપકડ થવી વ્યાકુળ કરી દે એવું છે. પોતાની જમીન આપવાનો ઇન્કાર કરનારા 10 આદિવાસી ખેડૂતો કે જેમની કૂર હત્યા કરી દેવાઈ, તેમનાં કુટુંબોને મળતા અટકાવવું ભાજપ સરકારની અસુરક્ષા દર્શાવે છે."

આ મામલે અત્યાર સુધી 29 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને કુલ 61 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે. જેમાંથી 50 લોકો અજ્ઞાત હોવાનું જણાવાયું છે.

સ્થાનિક વ્યક્તિની અરજી પર ગામના સરપંચ અને તેમના ભાઈ વિરુદ્ધ એસસી/એસટી અધિનિયમ અંતર્ગત ફરિયાદ દાખલ કરાઈ છે.

આનંદ કુમારની જમીન જપ્ત, માયાવતીએ સંઘ-ભાજપને ઠેરવ્યાં જવાબદાર

માયાવતીએ પોતાના ભાઈની માલિકીની જમીનને જપ્ત કરવાના આવકવેરા ખાતાનાં પગલાં અંગે પ્રતિક્રિયા આપતા રેડ્સને સંઘ-ભાજપની 'જ્ઞાતિવાદી માનસિક્તા'ને જવાબદાર ઠેરવી હતી.

બહુજન સમાજ પાર્ટીનાં અધ્યક્ષ માયાવતીના ભાઈ અને પાર્ટીના ઉપાધ્યક્ષ આનંદ કુમાર તથા તેમનાં પત્નીને નામે રહેલી 400 કરોડ રૂપિયાની જમીન જપ્ત કરવાનો આવકવેરા વિભાગે આદેશ કર્યો છે.

બહુજન સમાજ પક્ષનાં અધ્યક્ષ માયાવતીએ આ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું :

"ભાજપ તથા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ જાતિવાદી માનસિક્તા ધરાવે છે. તેઓ દલિત તથા આદિવાસી સમુદાયના લોકોને આગળ આવવા દેવા નથી માગતા."

"છતાં અમારી પાર્ટી દેશભરમાં આર્થિક, સામાજિક તથા રાજકીય લડાઈ લડી રહી છે."

માયાવતીએ ચૂંટણી સમયે ભાજપને મળલા રૂ. બે હજાર કરોડનાં ફંડ અંગે પણ સવાલ ઉઠાવ્યાં હતાં.

સમાચાર સંસ્થા પીટીઆઈ અને એએનઆઈના જણાવ્યા મુજબ બસપાના ઉપ પ્રમુખ આનંદ કુમાર તથા તેમનાં પત્ની વિચિત્ર લતાને નામે નોઇડામાં આવેલી 7 એકર જમીન જપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આવકવેરા ધારાની કલમ 24(3) મુજબ આ સંપત્તિ બેનામી ગણવવામાં આવી છે.

આવકવેરા વિભાગ આનંદ કુમાર અને તેમની પત્નીને નામે બેનામી સંપત્તિની તપાસ કરી રહ્યું છે. તેમની પાસે નવી દિલ્હી અને નોઇડામાં સંપત્તિ છે અને તેમણે પ્રમોટ કરેલી ઇન્વેસ્ટમૅન્ટ કંપની પણ છે.

સમાચાર સંસ્થા જણાવે છે કે આનંદ કુમાર અને તેમની પત્ની ડઝનેક કંપનીમાં ડાયરેક્ટર પદે છે.

લોકસભાની ચૂંટણી પછી માયાવતીએ આનંદ કુમારની પાર્ટીના ઉપાધ્યક્ષ અને ભત્રીજા આકાશની નેશનલ કો-ઓર્ડિનેટર તરીકે નિમણૂક કરી હતી.

કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસમત

16 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા પછી કર્ણાટકમાં ફરી એક વાર ઊભી થયેલી રાજકીય સંકટની સ્થિતિમાં ગઈકાલે મુખ્ય મંત્રી કુમારાસ્વામીએ વિશ્વાસમતનો પ્રસ્તાવ રજૂ તો કર્યો, પરંતુ મતદાન ન થઈ શક્યું.

ગુરુવારે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવતા ભાજપના નેતા યેદિયુરપ્પાએ કહ્યું કે જ્યાં સુધી વિશ્વાસ મત નહીં લેવાય ત્યાં સુધી એમનો પક્ષ ગૃહમાં જ રહેશે.

એમના સહિત ભાજપના નેતાઓએ ગુરુવારની રાત વિધાનસભામાં જ રાત પસાર કરી હતી.

કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ આજે (શુક્રવારે) બપોરે દોઢ વાગ્યા સુધી બહુમત સાબિત કરવાનો આદેશ આપ્યો છે.

વજુભાઈ વાળાએ મુખ્ય મંત્રીને પાઠવેલા પત્રમાં કહ્યું કે પ્રાથમિક ધોરણે તમે બહુમત ગુમાવી દીધો છે એમ જણાય છે.

ગૃહની કાર્યવાહી આ રીતે ન ચાલી શકે તેવું કારણ આપી રાજ્યપાલે આજે બપોરે દોઢ વાગ્યા સુધીમાં બહુમત સાબિત કરવાનો આદેશ કર્યો છે.

ગઈકાલે વિશ્વાસ મતની ચર્ચા દરમિયાન કૉંગ્રેસ અને જેડીએસે ભાજપે એમના ધારાસભ્ય શ્રીમંત પાટિલનું અપહરણ કર્યું હોવાની વાત કરી જેને લઈને ગૃહમાં ભારે હંગામો પણ થયો.

લોકસભામાં સ્વચ્છ છબી ધરાવનારની સામે 115 ક્રિમિનલ રૅકૉર્ડ ધરાવનાર ચૂંટાયા

તાજેતરમાં સંપન્ન થયેલી લોકસભાની ચૂંટણીમાં સ્વચ્છ છબી ધરાવનારની સામે 115 ક્રિમિનલ રૅકર્ડ ધરાવનાર ઉમેદવાર ચૂંટાયા હોવાનું ધ હિન્દુનો અહેવાલ, એડીઆરના સંશોધનના હવાલાથી જણાવે છે.

આ અભ્યાસ કહે છે કે ક્રિમિનલ રૅકર્ડ જાહેર કરનારા 233 વિજેતા ઉમેદવાર પૈકી 115 એવા ઉમેદવારની જીત થઈ, જેમની સામે રનર અપ રહેલા ઉમેદવારો સ્વચ્છ છબી ધરાવતા હતા અને તેમનો કોઈ ક્રિમિનલ રેકર્ડ નહોતો.

આ અભ્યાસમાં મતની ટકાવારીની પણ વાત કરવામાં આવી છે. અહેવાલ મુજબ ભાજપના 74 ટકા સાંસદનો 50 ટકાથી વધુ મત મળ્યા.

આની સામે કૉંગ્રેસના જીતેલા 52 સાંસદમાં પૈકી 34 સાંસદોની ટકાવારી 50 છે અને 18 સાંસદને 50 ટકા કરતાં વધારે મત મળ્યા છે.

એડીઆરના (ઍસોસિયેશન ફૉર ડેમોક્રેટિક રિફૉર્મ)ના સંશોધન મુજબ, ભાજપના 303 સાંસદ પૈકી 79 સાંસદને 50 ટકા કરતાં ઓછા મત મળ્યા, જ્યારે 224 સાંસદ એવા છે જેમને 50 ટકા કે તેથી વધારે મત મળ્યા.

ટ્રમ્પે મહિલા સાંસદો સામે લાગેલા વંશવાદી ટિપ્પણી નારાઓથી છેડો ફાડ્યો

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા કેટલાક સમયથી મહિલા સાંસદો સાથે વિવાદમાં ઘેરાયેલા છે, ત્યારે આ યાદીમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે.

ટ્રમ્પની રેલીમાં એમનાં સમર્થકોએ એક મહિલા સાંસદ વિરુદ્ધ નારાઓ લગાવ્યા કે 'એમને તગેડી મુકવામાં આવે.'

આ મહિલા સાંસદોએ ટ્રમ્પની અપ્રવાસન નીતિઓ અંગે સવાલ ઊભા કર્યા હતા.

જોકે, એની સામે ટ્રમ્પે એવું કહ્યું હતું કે જો આટલી જ તકલીફ છે, તો અમેરિકા છોડીને જ્યાંથી આવ્યા છો ત્યાં જતા રહો.

હવે ટ્રમ્પની રેલીમાં સમર્થકોએ લગાવેલા 'એમને તગેડી મુકવામાં આવે'ના નારાઓ પર વિવાદ વકર્યો છે, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે એનાથી છેડો ફાડી નાખ્યો છે.

ટ્રમ્પે કહ્યું કે આ નારાઓ સાથે એમને કોઈ લેવા-દેવા નથી.

ઇલ્હાન ઓમર, રાશિદા તાલિબ, ઍલેક્સાંદ્રિયા ઓકાસિયો કોર્તેજ અને આયાના પ્રેસ્લે એ ચાર મહિલા સાંસદો ગત વર્ષ નબેમ્બરમાં ચૂંટાયેલાં છે અને તેઓ ચારે અપ્રવાસી કાળા અમેરિકન સાંસદ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો