ઇન્ડિયા ગેટ પર અંકિત 65 ટકા નામ મુસ્લિમ 'સ્વાતંત્ર્ય સેનાની'ઓનાં છે? ફૅક્ટ ચેક

ઇમેજ સ્રોત, SM Viral Post
- લેેખક, પ્રશાંત ચાહલ
- પદ, ફૅક્ટ ચેક ટીમ
સોશિયલ મીડિયા પર દાવો કરાઈ રહ્યો છે કે 'દિલ્હી સ્થિત ઇન્ડિયા ગેટ પર ભારતની આઝાદી માટે પોતાનો જીવ ગુમાવનારા લોકોનાં નામ લખ્યાં છે, જેમાંથી 65 ટકા નામ હિંદુસ્તાનના મુસલમાનોનાં છે.'
જે લોકોએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે, તેમણે ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તિહાદુલ મુસલમીન પાર્ટીના વડા અને હૈદરાબાદ લોકસભા બેઠકના સાંસદ અસદુદ્દીન ઔવેસીના તાજેતરના એક ભાષણને ટાંક્યું છે.
ઓવૈસીએ મુંબઈના ચાંદીવલી વિસ્તારમાં 13 જુલાઈ, 2019ના રોજ આ ભાષણ આપ્યું હતું. જેનો કેટલોક ભાગ સોશિયલ મીડિયા પર શૅર કરાઈ રહ્યો છે.
પોતાના આ ભાષણમાં ઓવૈસીએ દાવો કર્યો હતો, "જ્યારે હું ઇન્ડિયા ગેટ ગયો ત્યારે મેં એ નામોની યાદી જોઈ, જેમણે હિંદુસ્તાનની આઝાદી માટે પોતાનો જીવ ગુમાવ્યો. એ ઇન્ડિયા ગેટ પર 95,300 લોકોનાં નામ લખાયેલાં છે. તમને એ જાણીને આનંદ થશે કે એમાંથી 61,945 નામ માત્ર મુસલમાનોનાં છે એટલે કે 65 ટકા માત્ર મુસલમાન છે."
એ બાદ ઓવૈસીએ સભામાં હાજર લોકોને કહ્યું કે 'ભાજપ, આરએસએસ અને શિવસેનાનો કોઈ માણસ તમને કહે કે તમે દેશભક્ત નથી તો તેમને ઇન્ડિયા ગેટ જોઈ આવવાનું કહેવું.'
13 જુલાઈએ 'મીમ ન્યૂઝ એક્સપ્રેસ' નામની એક યૂ-ટ્યૂબ ચેનલ પર આ વીડિયો અપલૉડ કરાયો હતો અને તેને સવા લાખ કરતાં વધુ લોકો જોઈ ચૂક્યા છે.
આને ટાંકીને સોશિયલ મીડિયા યૂઝર્સ વૉટ્સઍપ પર આ દાવાને વાઇરલ કરી રહ્યા છે.
જોકે, અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે સાંસદ અસદુદ્દીન ઓવૈસીનો આ દાવો સાવ ખોટો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કેટલા સૈનિકોનાં નામ?

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હી સરકારની વેબસાઇટ અનુસાર નવી દિલ્હીમાં આવેલો 'ઇન્ડિયા ગેટ' વર્ષ 1931માં બનીને તૈયાર થઈ ગયો હતો. એટલે કે ભારતની સ્વતંત્રતાના લગભગ 16 વર્ષ પહેલાં.
42 મીટર ઊંચું આ સ્મારક અંગ્રેજોના શાસન દરમિયાન બ્રિટિશ આર્મી માટે લડતી વખતે માર્યા ગયેલા ભારતીયોની યાદમાં બનાવાયું હતું.
'ઇન્ડિયા ગેટ' પહેલાં 'ઑલ ઇન્ડિયા વૉર મેમોરિયલ' તરીકે ઓળખાતો હતો.
વેબસાઇટના મતે આ સ્મારક પર 13,516 ભારતીય સૈનિકોનાં નામ અંકિત છે. જેમાં 1919 અફઘાન યુદ્ધમાં માર્યા ગયેલા ભારતીય સૈનિકોનાં નામ પણ સામેલ છે.
તો 'કૉમનવેલ્થ વૉર ગ્રૅવ્ઝ કમિશન' દ્વારા તૈયાર કરાયેલી યાદી અનુસાર ઇન્ડિયા ગેટ પર એ 13,220 સૈનિકોનાં નામ અંકિત છે, જે 1914થી 1919 દરમિયાન બ્રિટિશ શાસન વિરુદ્ધ લડ્યા હતા.
કમિશને સૈનિકોની આ યાદીને તેમની સેવાના ક્ષેત્રના આધારે વહેંચી છે, જેમાં તમામ ધર્મના લોકો સામેલ છે.
'કૉમનવેલ્થ વૉર ગ્રૅવ્ઝ કમિશન'ના પાયાના સિદ્ધાંત અનુસાર આ સૈનિકો વચ્ચે તેમના હોદ્દા, વંશ કે ધર્મના આધારે ક્યારેય કોઈ ભેદ કરાયો નથી."
સરકારી ડેટા અનુસાર વર્ષ 1921માં ઇન્ડિયા ગેટનો પાયો નાખવામાં આવ્યો હતો.
ઇન્ડિયા ગેટને ઍડવર્ડ લુટિયન્સે ડિઝાઈન કર્યો હતો અને દસ વર્ષ બાદ વાઇસરોય લૉર્ડ ઇરવિને તેને ભારતના લોકોને સમર્પિત કર્યો હતો.

સ્વતંત્રતાના સૈનિકો?

પણ શું આ સૈનિકોને 'સ્વાતંત્ર્યસેનાની' કહી શકાય?
આના જવાબમાં ઇતિહાસકાર હરબંસ મુખીયા જણાવે છે, "એ વાત સાચી છે કે બ્રિટિશ આર્મી માટે ભારતીય લોકો આફ્રિકા, યુરોપ અને અફઘાનિસ્તાનમાં લડ્યા પણ એ લડાઈ ઉપનિવેશક શાસનની વિરુદ્ધ નહોતી."
"તેઓ બ્રિટિશ શાસન તરફથી લડી રહ્યા હતા. તેમની યાદમાં અંગ્રેજોએ આ સ્મારક બનાવ્યું હતું. આ એક ઐતિહાસિક તથ્ય છે કે ઇન્ડિયા ગેટ ભારતીયો દ્વારા બનાવાયેલું સ્મારક નથી. એવામાં તેમને સ્વાતંત્ર્યસેનાનીઓ કઈ રીતે કહી શકાય?"
તેઓ કહે છે, "આઝાદીની લડાઈ આમ તો દશકો સુધી ચાલી. કેટલાય મોરચે લડવામાં આવી પણ જ્યારે અંગ્રેજો વિરુદ્ધ ભારતીય લોકોની લડાઈ નિર્ણાયક વળાંક પર પહોંચી ત્યારે ઇન્ડિયા ગેટ બની ચૂક્યો હતો."

ફેક ન્યૂઝના શિકાર બન્યા ઓવૈસી?

ઇમેજ સ્રોત, Getty Images
ઇતિહાસકારોનું માનવું છે કે ભારતની આઝાદીના સંગ્રામમાં તમામ ધર્મોના લોકોએ ભાગ લીધો હતો અને મુસ્લિમ સમુદાયમાંથી પણ કેટલાય લોકોએ આઝાદી માટે પોતાનો જીવ આપ્યો હતો.
જોકે, આઝાદીની લડાઈ અને ઇન્ડિયા ગેટ સંબંધિત ઓવૈસીનો આ દાવો અમને ખોટો જણાયો.
અમને જાણવા મળ્યું કે ઇન્ડિયા ગેટ પર 90 હજાર સૈનિકોનાં નામ હોવા અંગે અને તેમાંથી 65 ટકા નામ મુસલમાનોનાં હોવા અંગેની અફવા કેટલાય સમયથી સોશિયલ મીડિયા પર શૅર કરાઈ રહી હતી.
અમને વર્ષ 2017 અને વર્ષ 2018ની કેટલીક પોસ્ટ પણ મળી, જેમાં આ વાત લખાઈ હતી.
તો શું અસદુદ્દીન ઓવૈસી સોશિયલ મીડિયા પર ફેલાયેલા ફેક ન્યૂઝનો શિકાર બન્યા છે? આ અંગે અમે તેમની સાથે જ વાત કરી.
ઔવેસીએ કહ્યું, "મેં મારા ભાષણમાં આ વાત કૉંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદના નવા પુસ્તક 'વિઝિબલ મુસ્લિમ, ઈનવિઝિબલ સિટિઝન'માંથી વાંચીને કરી હતી."
"જોકે, તથ્યને લઈને મારે થોડું વધારે સતર્ક રહેવું જોઈતું હતું."
અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે કૉંગ્રેસના નેતા સલમાન ખુર્શિદે પોતાના પુસ્તકના 55 અને 56માં પાને આ દાવો કર્યો છે.
તેમણે લખ્યું કે 95 હજારથી વધુ ફ્રિડમ ફાઇટર્સનાં નામ ઇન્ડિયા ગેટ પર લખાયેલા છે, જેમાંથી 61 હજારથી વધુ નામ માત્ર મુસ્લિમોના છે એટલે કે લગભગ 65 ટકા.
જોકે, સરકારી ડેટા અને કૉમનવેલ્થ કમિશનની યાદી અનુસાર આ દાવો ખરો નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












