અલ્પેશ ઠાકોરનો ભાજપ પ્રવેશ : 'નબળા શિક્ષકોની સ્કૂલ છોડી હવે ગુરુકુળમાં આવ્યો છું'

- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાઈ ગયા છે.
પોતાના સમર્થકો સાથે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપના કાર્યાલય કમલમ્ પહોંચ્યાં હતા.
અગાઉ આ અઠવાડિયે જ ઠાકોર ક્ષત્રિય સમાજની કોર કમિટીની મિટિંગમાં બંનેએ ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યા બાદ હવે તેમણે ભાજપમાં જોડાઈ જવું જોઈએ એવો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભાજપ પ્રવેશ અગાઉ પોતાના ઘરે પધારેલા ઠાકોર આગેવાનોને અલ્પેશ ઠાકોરે લાપસી ખવડાવી હતી.

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે ભાજપ પ્રમુખ જિતુ વાઘાણીની હાજરીમાં પક્ષમાં જોડાયા છે.
ભાજપ પ્રવેશ અંગે અલ્પેશ ઠાકોરે કહ્યું કે નબળા શિક્ષકોની સ્કૂલ છોડી હવે ગુરૂકુળમાં આવ્યો છું. ઘરવાપસી કરી છે.
અલ્પેશ ઠાકોરે કહ્યું કે જે ગરીબો છે સામાન્ય લોકો છે જેમનાં માટે કંઈક કરવું છે અને એની માટે સત્તાની સાથે સહિયારો પ્રયાસ જરૂરી છે.
અલ્પેશ ઠાકોરે કહ્યું કે હું પાર્ટીમાં કાર્યકર તરીકે આવ્યો છું અને મંત્રીપદ નહીં આપે તો પણ પાર્ટીનો આદેશ માથે ચડાવીશ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઠાકોર સમુદાયના ઘણા સમર્થકો એમની સાથે હાજર રહ્યાં હતાં.
આ અંગે જિતુ વાઘાણીએ કહ્યું કે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહનો ભાજપ પ્રવેશ ઓબીસી સમાજ અને અન્ય સમાજને ઉપયોગી નીવડશે. પોતાના બળે સમાજમાં આગેવાની લેનાર બેઉ નેતાઓને ભાજપમાં આવકારું છું.

ઠાકોર સેનાની કોર કમિટીની મિટિંગમાં શું થયું હતું?

તે વખતે પત્રકાર પરિષદમાં વાત કરતા પૂર્વધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કહ્યું કે કમિટીનો નિર્ણય અમારા માટે શિરોમાન્ય છે. તેનો નિર્ણય અમે પાળીશું.
ઠાકોરસેનાના પ્રદેશ મહા મંત્રી અમિત ઠાકોરે કહ્યું હતું કે અલ્પેશ ઠાકોર ઠાકોરસેનાના અધ્યક્ષ છે પરંતુ તેઓ કોર કમિટીના સભ્ય નથી એટલા માટે બેઠકમાં હાજર નહોતા. અમારું બંધારણ એવું છે કે અધ્યક્ષ કોર કમિટીમાં ન હોય. જોકે, કોર કમિટીની મિટિંગ અલ્પેશ ઠાકોરના ઘરે જ થઈ હતી.
આમ, અલ્પેશ ઠાકોરનો ભાજપ પ્રવેશ એમની ગેરહાજરીમાં જ થયો હોવાની વાત કરવામાં આવી છે.
આ મિટિંગમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ સાથે ઠાકોરસેનાના સભ્યો પણ ભાજપમાં જોડાઈ શકે છે એવો નિર્ણય લેવાયો હતો.
બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર પણ આ મિટિંગમાં હાજર નહોતા. એમનાં ભાજપ પ્રવેશ અંગે ધવલસિંહે કોઈ સ્પષ્ટતા કરી નહોતી.
ભાજપમાં એમને સમાવવામાં આવશે એવી ખાતરી કોણે આપી એ અંગે એમણે કોઈ સ્પષ્ટતાઓ આપી નહોતી.
ધવલસિંહે એમ પણ કહ્યું કે સત્તામાં હોઈએ તો વધારે સારી રીતે કામ કરી શકીએ.
જોકે, ભાજપ તરફથી તેમને પક્ષમાં જોડાવાનું આમંત્રણ મળ્યું છે કે નહીં તે મામલે તેમણે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.
રાજ્યસભામાં ક્રોસ વોટિંગ કરીને ભાજપને મત આપ્યા બાદ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું.
આ પહેલાં લોકસભાની ચૂંટણી પહેલાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે કૉંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો.

કૉંગ્રેસની હાર અને રાજ્યસભાની ચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images
લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો જીતી લીધી હતી. એ વખતે અલ્પેશ ઠાકોરે દાવો કર્યો હતો કે ઠાકારોસેનાએ કૉંગ્રેસને હરાવી છે.
એમણે કહ્યું હતું કે કમસેકમ 9 બેઠકો પર કૉંગ્રેસની હારનું કારણ ઠાકોરસેના છે.
લોકસભાની ચૂંટણી પહેલાં જ અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ કરીને કૉંગ્રેસ છોડવાની વાત કરી હતી.
જે બાદ કૉંગ્રેસે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ રદ કરવા માટે રજૂઆત કરી હતી.
ધારાસભ્ય પદ રદ કરવાની વાત થતા અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે તેમણે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું નથી.
જે બાદ કૉંગ્રેસે રાજ્યસભાની ચૂંટણી પહેલાં વ્હિપ જાહેર કર્યું હતું અને તેમના ધારાસભ્યોને મોકલી આપ્યું હતું. કૉંગ્રેસના કહેવા મુજબ અલ્પેશને પણ વ્હિપ મોકલી આપવામાં આવ્યું હતું.
તાજેતરમાં યોજાયેલી ગુજરાતની રાજ્યસભા બેઠકોની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરે અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કરી ભાજપના ઉમેદવારને મત આપ્યો હતો.
કાયદાકીય જોગવાઈઓ પ્રમાણે જો અલ્પેશ ઠાકોર દ્વારા વ્હિપનો ભંગ થયો હોવાનું પુરવાર થાય તો તેઓ છ વર્ષ સુધી ચૂંટણી લડી શકે નહીં.
જોકે, રાજ્યસભામાં મતદાન કર્યા બાદ અલ્પેશ અને ધવલસિંહે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું અને આ સાથે જ બંને ભાજપમાં જોડાય જશે તેવી ચર્ચા શરૂ થઈ હતી.
જેની સામે ધવલસિંહે કહ્યું હતું કે તેઓ અને અલ્પેશ ભાજપમાં જોડાશે કે નહીં તેનો નિર્ણય ઠાકોરસેના કરશે.
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી રાજ્યસભાની પેટા ચૂંટણીની સામે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, પરંતુ સર્વોચ્ચ અદાલતે દખલ દેવાનો ઇન્કાર કરી દીધો હતો.
અલ્પેશ ઠાકોરને ગેરલાયક ઠેરવવા માટે કૉંગ્રેસે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
પાર્ટીની માગ હતી કે અલ્પેશને ગેરલાયક ઠેરવવા માટે ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને 'તત્કાળ' નિર્દેશ આપવામાં આવે.
જોકે, હાઈકોર્ટે કૉંગ્રેસની અરજી નકારી કાઢી હતી. બંધારણના અનુચ્છેદ 39 મુજબ એક વખત ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ જાય એટલે કોર્ટ ચૂંટણીપંચની પ્રક્રિયામાં દખલ ન દઈ શકે.

અલ્પેશ અને કૉંગ્રેસ કનેક્શન

ઇમેજ સ્રોત, Getty Images
અલ્પેશ ઠાકોર ઑક્ટોબર-2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે કૉંગ્રેસમાં જોડાયા હતા.
એ સમયે તેમણે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ગુજરાતમાં સરકાર રચવા માટે કામ કરવાની વાત કહી હતી.
માર્ચ મહિનામાં બીબીસી ગુજરાતીના કાર્યક્રમ 'ગુજરાતની વાત'માં રાધનપુર બેઠકના ધારાસભ્ય ઠાકોરે કહ્યું હતું કે રાહુલ ગાંધી 'ભાઈની જેમ' રાખે છે અને તેઓ કૉંગ્રેસ સાથે જ રહેશે.
તેમને બિહાર કૉંગ્રેસના સહ-પ્રભારી તરીકેની જવાબદારી પણ આપવામાં આવી હતી.
જોકે, એપ્રિલ-2019માં તેમણે કૉંગ્રેસના તમામપદો ઉપરથી રાજીનામાં આપી દીધાં હતાં.

ઇમેજ સ્રોત, Alpesh Thakor
લોકસભાની ચૂંટણી અગાઉ જ અલ્પેશ ઠાકોરે અને ધવલસિંહ ઝાલા અને ભરતજી ઠાકોર સાથે કૉંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો.
એ વખતે અલ્પેશ ઠાકોરે બીબીસી સાથે વાત કરતા કહ્યું હતું, "કૉંગ્રેસમાં ગરીબ અને વંચિતોની વાત નથી થતી અને તેમનો અવાજ દબાવી દેવામાં આવતો હતો."
"પાર્ટીમાં લોકશાહી રહી ન હતી અને પાર્ટીમાં સતત અવગણના થતી હતી, એટલે કૉંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું છે."
ઝાલાએ કૉંગ્રેસ પાર્ટી ઉપર આરોપ મૂકતા કહ્યું હતું કે 'ગરીબોને સાંભળવામાં આવતા ન હતા.'
ઠાકોર વિધાનસભામાં રાધનપુરનું તથા ઝાલા બાયડની બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા.
ઠાકોરના રાજીનામા બાદ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું હતું કે "કૉંગ્રેસ પાર્ટી સત્તા ઉપર નથી એટલે ઠાકોરને સરકારમાં સ્થાન ન આપી શકે તે સ્વાભાવિક છે, પરંતુ સંગઠનમાં અલ્પેશ ઠાકોર તથા તેમની ટીમને સ્થાન મળેલું હતું. કોઈ એક વ્યક્તિ કહે તે રીતે કૉંગ્રેસ પાર્ટી ચાલી ન શકે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












