વર્લ્ડ કપ : ન્યૂઝીલૅન્ડને હરાવવા જ્યારે ગાવસ્કરે 103 ડિગ્રી તાવમાં પણ સદી ફટકારી

    • લેેખક, તુષાર ત્રિવેદી
    • પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે મંગળવારે ઇંગ્લૅન્ડના માન્ચેસ્ટર ખાતે વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપની સેમિફાઇનલ મૅચ રમાશે.

1975માં વર્લ્ડ કપનો પ્રારંભ થયો ત્યારથી બંને ટીમ તેમાં રમી રહી છે પરંતુ પહેલી વાર બંને ટીમ સેમિફાઇનલમાં આમને સામને ટકરાશે. 45 વર્ષનો સમયગાળો ઘણો લાંબો કહેવાય.

આ ગાળામાં બંને ટીમે સેમિફાઇનલમાં તો ઘણી વાર પ્રવેશ કર્યો છે પરંતુ એકબીજા સામે રમ્યા નથી.

જોકે, વર્લ્ડ કપમાં આ બંને ટીમનો ઇતિહાસ લાંબો નથી કેમ કે 2003થી 2019 સુધીમાં તો તેમની વચ્ચે મૅચ જ રમાઈ ન હતી.

આ વખતે 16 વર્ષ બાદ બંને વચ્ચે 13મી જૂને લીગ મૅચ રમાનારી હતી પરંતુ તે પણ વરસાદે ધોઈ નાખી હતી.

ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચેનો વર્લ્ડ કપનો ઇતિહાસ એટલો લાંબો નહીં હોય પરંતુ યાદગાર જરૂર છે. આ યાદગાર મુકાબલાઓ વિશે જ અહીં ચર્ચા કરવાની છે.

ચેતન શર્માની હૅટ્રિક

નાગપુરમાં રમાયેલી આ મૅચમાં ન્યૂઝીલૅન્ડની ટીમને સામાન્ય સ્કોર પર અટકાવી દેવી જરૂરી હતી.

કપિલદેવ, મનોજ પ્રભાકર અને રવિ શાસ્ત્રીએ હરીફ ટીમને સસ્તામાં અટકાવી દેવા માટે ભરપૂર પ્રયાસો કર્યા હતા. આમ છતાં ન્યૂઝીલૅન્ડે 200નો આંક પાર કરી લીધો હતો.

1987ની 31મી ઓક્ટોબરે રમાયેલી આ મૅચમાં ન્યૂઝીલૅન્ડનો સ્કોર છ વિકેટે 182 હતો ત્યારે ચેતન શર્મા બૉલિંગમાં આવ્યા. અન્ય બોલરની સરખામણીએ ચેતન શર્માએ અત્યાર

સુધીમાં ઘણા રન આપી દીધા હતા તેમ છતાં કપિલદેવે પોતાની ઓવર બાકી રાખીને ચેતન શર્માને બૉલિંગ આપી. અને હરિયાણાના આ બૉલરે ઇતિહાસ રચી દીધો.

ચેતન શર્માએ જામી ગયેલા કેન રૂધરફોર્ડ ઉપરાંત ઇયાન સ્મિથ અને ઇવાન ચેટફિલ્ડને સળંગ ત્રણ બૉલમાં આઉટ કર્યા હતા.

આમ તે વર્લ્ડ કપના ઇતિહાસમાં હેટ્રિક લેનારા પ્રથમ બૉલર બન્યા હતા.

ચેતન શર્માની હૅટ્રિકની ખાસિયત એ રહી હતી કે તેણે ત્રણેય બૅટ્સમૅનને બૉલ્ડ કર્યા હતા.

આટલું જ નહીં પરંતુ ત્રણેય બૅટ્સમૅનના અલગ અલગ સ્ટમ્પ ઉડ્યાં હતાં.

તેમણે રૂધરફોર્ડનું ઑફ સ્ટમ્પ ઉડાડ્યું હતું તો ઇયાન સ્મિથનું પહેલાં બૉલે જ લેગ સ્ટમ્પ ઉડાવ્યા બાદ ચેટફિલ્ડનું મિડલ સ્ટમ્પ ઉડાવીને હૅટ્રિક પૂરી કરી હતી.

ભારત માટે વન-ડે અને ટેસ્ટમાં અન્ય બૉલર્સે પણ હૅટ્રિક લીધી છે પરંતુ ચેતન શર્માની હૅટ્રિક આ તમામ કરતાં વધુ રોમાંચક હતી.

સુનીલ ગાવસ્કરની સદી, 103 ડિગ્રી તાવમાં 103 રન

1987માં ભારતે પહેલી વાર વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું અને તે સેમિફાઇનલ સુધી રમે તે જરૂરી હતું.

ત્યારે પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે અંતિમ ચારમાં પ્રવેશવા માટે ભારતીય

ટીમે ન્યૂઝીલૅન્ડ જે પણ સ્કોર કરે તે 34 ઓવરમાં વટાવી દેવો પડે.

આ સંજોગોમાં ન્યૂઝીલૅન્ડે 221 રન નોંધાવ્યા હતા. ભારતે 34 ઓવરમાં આ ટાર્ગેટ વટાવી દેવાનો હતો. એ સમયે 34 ઓવરમાં 200-225 રન કરવા જરાય આસાન ન હતા.

લંચ સમયે ગાવસ્કરે તેમના સાથી ઑપનર અને આક્રમક બૅટ્સમૅન ક્રિષ્ણામાચારી શ્રીકાન્તને મજાકમાં જ કહ્યું કે ચાલો, જલદીથી ટાર્ગેટ વટાવીને પરત આવી જઈએ.

ગાવસ્કરે એ દિવસે શ્રીકાન્તને શરમાવી દે તેવી આક્રમક બેટિંગ કરી હતી.

હજી 1975ના વર્લ્ડ કપમાં 60 ઓવર રમ્યા બાદ માંડ 36 રન કરનારા ગાવસ્કરે વન-ડે કારકિર્દીની પ્રથમ અને એકમાત્ર સદી ફટકારીને ભારતને 32.1 ઓવરમાં જ વિજય અપાવી દીધો હતો.

શ્રીકાન્તે 58 બોલમાં 75 રન ફટકાર્યા હતા. આ સદીની બીજી એક વિશેષતા એ હતી કે એ દિવસે ગાવસ્કરને સખત તાવ હતો.

ગાવસ્કરે જાણે તાવ સાથે હરિફાઈ કરી હોય તેમ 103 ડિગ્રી તાવમાં તેમણે 103 રન ફટકાર્યા હતા.

ન્યૂઝીલૅન્ડના હાથ ઉપર રહ્યો હતો

1975માં ભારતીય ટીમ વન-ડેમાં નવી સવી હતી. એટલા માટે કે ભારતમાં લિમિટેડ ઓવરનું ક્રિકેટ માળખું જ ન હતું.

જેની સામે ન્યૂઝીલૅન્ડ, ઇંગ્લૅન્ડ, વેસ્ટ ઇન્ડીઝ અને ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ નિયમિતપણે વન-ડે ક્રિકેટ રમતા હતા.

આ જ કારણે ન્યૂઝીલૅન્ડની ટીમે ભારતને 1975 અને 1979ના વર્લ્ડ કપમાં આસાનીથી હરાવી દીધું હતું.

1983માં બંને ટીમ સામસામે રમી જ ન હતી તો 1987માં ભારતે ઘરઆંગણે ન્યૂઝીલૅન્ડને બે મૅચમાં હરાવ્યું હતું.

આવી જ રીતે 1992માં ન્યૂઝીલૅન્ડને તેના હોમ ગ્રાઉન્ડ પર રમવાનું હતું જ્યાં ડ્યુનેડિન ખાતે તેણે ભારત સામે ચાર વિકેટે વિજય હાંસલ કર્યો હતો.

1999માં ભારતીય ટીમ એવા જોરદાર ફોર્મમાં ન હતી. સચીન તેંદુલકરના પિતાનું અવસાન થવાથી તેઓ એકાદ બે મૅચ માટે વતન પરત આવી ગયા હતા તો ઝિમ્બાબ્વે સામે ભારતનો આઘાતજનક પરાજય થયો હતો.

આમ ભારતીય ખેલાડીઓની માનસિક સ્થિતિનો લાભ લઈને ન્યૂઝીલૅન્ડે ટ્રેન્ટ બ્રિજ ખાતે પાંચ વિકેટે વિજય હાંસલ કર્યો હતો. ભારત માટે માત્ર અજય જાડેજા થોડી લડત આપી શક્યા હતા.

જોકે, ભારત ક્રિકેટમાં સુપરપાવર બની ગયું ત્યાર બાદ વર્લ્ડ કપમાં બંને વચ્ચે માત્ર એક જ મૅચ રમાઈ છે જેમાં સૌરવ ગાંગુલીની ટીમનો સાત વિકેટે વિજય થયો હતો.

2003ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને તે દરમિયાન તેણે તમામ મૅચ જીતી હતી.

જેમાં ન્યૂઝીલૅન્ડ સામે સેન્ચુરિયન ખાતે મૅચ રમાઈ હતી.

આ જ મેદાન પર પાકિસ્તાન સામે સચીન તેંડુલકરે ઝંઝાવાતી બેટિંગ કરીને ટીમને સફળતા અપાવી હતી.

પાકિસ્તાન સામેની મૅચના 15 દિવસ બાદ એ જ મેદાન પર ન્યૂઝીલૅન્ડ સામે ઝહિર ખાને વેધક બૉલિંગ કરી હતી.

તેમણે ચાર વિકેટ ખેરવતાં ન્યૂઝીલૅન્ડ માત્ર 146 રન કરી શક્યું હતું. મોહમ્મદ કૈફ અને રાહુલ દ્રવિડે અડધી સદી ફટકારીને ભારતને સફળતા અપાવી હતી.

હેડલી બંધુઓ ભારત સામે રમ્યા છે

ન્યૂઝીલૅન્ડના ખેલાડીઓ અન્ય દેશના ક્રિકેટર કરતાં હંમેશાં લો-પ્રોફાઇલ રહ્યા છે. જેમાં મહાન ક્રિકેટર રિચર્ડ હેડલીનો પણ સમાવેશ થઈ જાય છે. રિચર્ડ હેડલીનો સમગ્ર પરિવાર

ક્રિકેટ સાથે સંકળાયેલો છે. તેમના પિતા વોરેન હેડલી ટેસ્ટ રમ્યા હતા તો ડાયલ હેડલી, રિચર્ડ હેડલી અને બેરી હેડલી પણ ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યા છે.

1975માં ભારત સામેની મેચમાં ડાયલ હેડલી અને રિચર્ડ હેટલી સાથે સાથે રમ્યા હતા. જેમાં ડાયલ હેડલીએ ભારતીય ઓપનર સુનીલ ગાવસ્કરની વિકેટ લીધી અને તેમનો કૅચ રિચર્ડ હેડલીએ ઝડપ્યો હતો

ભારત-ન્યૂઝીલૅન્ડ વર્લ્ડ કપમાં

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો