રાહુલનું રાજીનામું : ગાંધી પરિવારમુક્ત કૉંગ્રેસમાં અધૂરા ઍજન્ડા કોણ પાર પાડશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અજય ઉમટ
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
રાહુલ ગાંધીએ આખરે તમામ અટકળોનો અંત લાવી કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષપદેથી બાકાયદા ટ્વિટરના માધ્યમથી રાજીનામું આપી દીધું છે.
આ વખતે ખરેખર એવું લાગે છે કે આ રાજીનામું માત્ર ઔપચારિકતા નથી, પરંતુ રાહુલ ગાંધી હકીકતમાં પોતે રાષ્ટ્રીય અધ્યક્ષપદની જવાબદારીમાંથી મુક્ત થવા માગે છે અને હવે આ મુદ્દે યૂ-ટર્નનો કોઈ સ્કોપ દેખાતો નથી.
વાસ્તવમાં, રાહુલ ગાંધી પાસે અન્ય કોઈ વિકલ્પ પણ નહોતો. રાહુલ ગાંધીએ પ્રકાશિત કરેલા ચાર પાનાંના પત્રમાં ભારોભાર હૈયાવરાળ ઠાલવી છે.
ચાર દિવસ પહેલાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કૉંગ્રેસ પાર્ટીના કારમા પરાજયને સ્વીકારીને મેં રાજીનામું આપ્યું, પરંતુ પાર્ટીના અન્ય પ્રદેશોના નેતાઓ અને મુખ્ય મંત્રીઓએ જવાબદારી સ્વીકારી રાજીનામું શીદને આપ્યું નથી?
ટૂંકમાં, રાહુલ ગાંધી ઇચ્છતા હતા કે પરાજયના દોષનો ટોપલો માત્ર એકલા રાહુલ ગાંધીએ વેંઢારવાનો ન હોય, પરંતુ સમગ્ર પાર્ટીએ પરાજયની સામૂહિક જવાબદારી લેવી જોઈએ, પરંતુ કૉંગ્રેસમાં એ મતલબના કોઈ પણ ઍક્શન કે રીઍક્શન જોવા ન મળ્યાં.
બલકે, રાબેતામુજબ રાહુલ ગાંધીએ માત્ર ઔપચારિકતા પૂરતું રાજીનામું આપ્યું છે અને આવનારા દિવસોમાં સૌ સમજાવશે અને રાહુલ ગાંધી માની જશે એ મતલબનો માહોલ ઊભો થઈ ગયો હતો.

રાહુલના સવાલ

ઇમેજ સ્રોત, Getty Images
ટૂંકમાં, રાહુલ ગાંધીના રાજીનામાને કૉંગ્રેસ પાર્ટીએ ખાસ ગંભીરતાથી લીધું નહોતું.
રાહુલના રાજીનામાનો પત્ર વાંચો તો પ્રતીતિ થાય છે કે તેમણે ચૂંટણીનો જંગ વ્યક્તિગત રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે, સંઘ પરિવારની વિચારસરણી સામે અને લોકતાંત્રિક સંસ્થાઓને બચાવવાના હેતુથી કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાહુલ ગાંધીએ ભાજપ અને સંઘ પરિવારના આઇડિયા ઑફ ઇન્ડિયાને પડકાર્યો હતો.
રાહુલ ગાંધી કહે છે કે આ દેશના કિસાનો બેરોજગાર યુવાનો, પીડિત મહિલાઓ, દલિત, આદિવાસી અને લઘુમતીને સૌથી વધુ સહન કરવું પડે છે, પરંતુ તેમના પ્રશ્નોના મુદ્દે અવાજ ઉઠાવનાર કોઈ નથી.
રાહુલે પાર્ટીમાં આમૂલ પરિવર્તનનો પડકાર ફેંક્યો છે અને પોતે પદ-લાલસાની મહત્ત્વાકાંક્ષાને ત્યજી દઈ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટવા માટે કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક એક સપ્તાહમાં બોલાવવા તાકીદ કરી છે.
કૉંગ્રેસના બંધારણ અનુસાર પક્ષમાં આ પ્રકારની કોઈ પણ કટોકટી સર્જાય કે રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીનામું આપે તો વરિષ્ઠ મહામંત્રીને કાર્યકારી પ્રમુખનો હોદ્દો સોંપવામાં આવે છે.
એ દૃષ્ટિકોણથી જોઈએ તો મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા અને મહામંત્રી મુકુલ વાસનિકની નિમણૂક કાર્યકારી અધ્યક્ષપદે થઈ શકે છે, પરંતુ રાહુલ ગાંધીએ પોતાના રાજીનામાના પત્રમાં ઉઠાવેલા અણિયાળા પ્રશ્નોનો પ્રત્યુત્તર પાર્ટીના આગામી પદાધિકારી આપી શકશે?


ઇમેજ સ્રોત, Getty Images
રાહુલ ગાંધીએ કહ્યું છે કે દેશના પ્રવર્તમાન માહોલમાં હવે ચૂંટણી માત્ર ઔપચારિકતા બની ગઈ છે. રાહુલને ચુનાવી જંગ હારવાનો વસવસો નથી, પરંતુ પાયાનો પ્રશ્ન ઉઠાવતા તેઓ કહે છે કે શું આ દેશમાં અખબારી સ્વાતંત્ર્ય, મુક્ત ન્યાયતંત્ર અને પારદર્શક ચૂંટણીપંચ જરૂરી નથી?
રાહુલ ગાંધીએ પરોક્ષ રીતે સંકેત આપ્યો છે કે 2019 લોકસભાની ચૂંટણીમાં ઉપરોક્ત ત્રણેય પરિબળોએ સમાધાનકારી વલણ અપનાવ્યું હતું અથવા તો મજબૂરીથી એમ કરવું પડ્યું હતું.
આ દેશમાં હવે પરિસ્થિતિ કયા સ્તરે વકરશે એની પરિકલ્પના કરવી દુષ્કર છે, એ મતલબનો સાર રાહુલના પત્ર પરથી વાંચી શકાય છે, પરંતુ અંતે તો યક્ષપ્રશ્ન એ છે કે શું 133 વર્ષ જૂની રાજકીય પાર્ટી પાસે ખરેખર પક્ષપ્રમુખનો કોઈ વિકલ્પ જ નથી?
રાહુલ ગાંધીએ ચૂંટણીમાં પરાજય માટે ભાજપ દ્વારા કરાયેલા લખલૂંટ ખર્ચથી માંડીને સરકારી તંત્રના દુરુપયોગ વગેરેને જવાબદાર ઠેરવ્યા છે. રાહુલે કહ્યું છે કે પરાજય પામવા છતાં ભાજપનો ભ્રષ્ટાચાર મટી જતો નથી.
અલબત્ત, ભાજપના પ્રવક્તાઓએ રાહુલના રાજીનામાને બ્રાન્ડ ન્યૂ ડ્રામા તરીકે ઓળખાવ્યો છે અને વ્યંગમાં કૉંગ્રેસીજનોને કહ્યું છે કે 'નવ કરશો કોઈ શોક રસિકડા (કૉંગ્રેસીજનો)' રાહુલે રાષ્ટ્રીય પ્રમુખપદેથી રાજીનામું આપ્યું છે, પરંતુ નેતા તરીકે તો તેઓ યથાવત્ છે જ.
જેમ સોનિયા ગાંધીએ 2017માં રાષ્ટ્રીય પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું હતું, છતાં આજે પણ યૂપીએના ચૅરપર્સન તરીકે વિપક્ષી રાજકારણની બાગડોર પરોક્ષ રીતે સોનિયા સંભાળી રહ્યાં છે.
ટૂંકમાં, ભાજપે વ્યંગમાં કહ્યું છે કે એક મુખોટા તરીકે કોઈ કઠપૂતળી રાષ્ટ્રીય પ્રમુખ કામચલાઉ ઢબે મુકાશે અને રાહુલ ગાંધી કાર્યકર્તાથી માંડીને નેતા તરીકેની બહુમુખી ભૂમિકામાં ટીઆરપી મેળવવાનું ચાલુ રાખશે, કારણ કે કૉંગ્રેસ પાર્ટીને રાહુલ અને પ્રિયંકા અને સોનિયા જેવાં ગ્લેમરસ ચહેરા ખપે છે.

મજબૂત વિપક્ષ

ઇમેજ સ્રોત, TWITTER/@RAHULGANDHI
હકીકત એ છે કે કૉંગ્રેસ પાર્ટી પાસે સાચા અર્થમાં સમગ્ર રાષ્ટ્રને નેતૃત્વ આપી શકે એવી કોઈ પણ વ્યક્તિ ઉપલબ્ધ નથી.
રાહુલ ગાંધીના કિસ્સામાં શું તેઓ ખરેખર પરાજયની જવાબદારી સ્વીકારીને નૈતિકતાના ધોરણે રાજીનામું આપી રહ્યા છે કે પ્રવર્તમાન સંજોગોમાં જવાબદારીમાંથી છટકવા પલાયનવાદ આચરી રહ્યા છે.
વ્યક્તિ જ્યારે રાજકારણની કારકિર્દી પસંદ કરે ત્યારે એને સ્વીકારવું પડે કે પરાજય મળ્યે હાર નહીં માને.
લોકતંત્રની ચૂંટણી અને રાજકારણ એ સામાન્ય જંગ કે કારકિર્દી નથી, પરંતુ વિચારધારાઓનો સંઘર્ષ હોય છે અને અંતે જનમતનો વિજય થતો હોય છે.
કોઈ એક પરાજયથી મેદાન છોડીને ભાગી જવું એ પલાયનવાદ છે, પરંતુ જવાબદારી સ્વીકારીને કૉંગ્રેસ પાર્ટીને પરિવારવાદના રાજકારણથી મુક્ત કરી એક સાચા કાર્યકર્તા તરીકે નેતૃત્વ આપવાની કામગીરી જો રાહુલ ગાંધી સુપેરે નિભાવશે તો તેમનું અને કૉંગ્રેસનું ભાવિ ઉજ્જવળ પુરવાર થશે, અન્યથા દેશ માટે આ ઘટનાક્રમ માઠો સાબિત થશે.
સબળ લોકશાહીને આખરે મજબૂત વિપક્ષની પણ જરૂર છે. ભાજપ જો બે બેઠકોમાંથી દોબારા સત્તા પર આવી શકતો હોય તો 42થી 52 (બાવન) બેઠકોનું નિશાન ચૂક માફ કરી શકાય, પરંતુ નીચું નિશાન આ રાષ્ટ્ર કદી માફ નહીં કરે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












