ગુજરાતમાં ખૂલેલી સેનિટરી 'પૅડ બૅન્ક' કેવી રીતે કામ કરે છે?

સેનિટરી પેડ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, હરિતા કાંડપાલ
    • પદ, બીબીસી ગુજરાતી

પીરિયડ્સ, માસિકધર્મ કે પછી મૅન્સ્ટ્રુએશન...આ વિશે ચર્ચા કરવામાં મહિલાઓ મૂંઝવણ અનુભવતી હોય છે.

ગુજરાત જ નહીં અન્ય રાજ્યોમાં પણ મોટા ભાગની મહિલાઓ અને કિશોરીઓ માસિકધર્મ વિશે વાત કરવામાં અચકાતી હોય છે.

છોકરીઓને માસિકધર્મના એ દિવસો દરમિયાન સાફસફાઈ, સ્વાસ્થ્યની સારસંભાળ વિશે પણ પૂરતી માહિતી નથી હોતી.

આ સમસ્યાઓનું સમાધાન શોધવા વડોદરામાં 'પૅડ બૅન્ક' ખોલવામાં આવી છે. આ નવો પ્રયોગ પિંકિશ ફાઉન્ડેશન હેઠળ શરૂ કરવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

વડોદરામાં રહેતાં આરતી કદમે પિંકિશ ફાઉન્ડેશનના નેટવર્ક હેઠળ વડોદરામાં પૅડ બૅન્ક શરૂ કરી છે. જેમાં શહેરના લોકો સેનિટરી પૅડ બૅન્કમાં દાન કરે છે અથવા સ્પૉન્સર કરે છે.

આ બૅન્કમાં એકઠાં થયેલાં પૅડ ગ્રામ્ય વિસ્તારો અને સ્લમ એરિયામાં એવી મહિલાઓ સુધી પહોંચાડવામાં આવે છે જેમને સેનિટરી પૅડ વિશે બહુ જાણકારી નથી.

આરતી કદમ કહે છે, "માસિક વિશે મહિલાઓમાં માહિતી ખૂબ ઓછી છે એટલે અમે ગામો અને સ્લમ એરિયામાં મહિલાઓને સમજાવીએ છીએ."

"તેમને જણાવીએ છીએ કે માસિક દરમિયાન શરીરમાં કેવા ફેરફાર આવે છે, તે દિવસોમાં સાફસફાઈ કેવી રીતે રાખવી જોઈએ અને કેવી રીતે પૅડનો ઉપયોગ કરવો જોઈએ."

વડોદરામાં સંતોષીનગરમાં 30 વર્ષનાં આશા આંગણવાળીમાં કામ કરે છે. વડોદરાની પૅડ બૅન્કમાંથી તેમને પણ સેનિટરી નૅપ્કિન મળ્યું હતું.

તેઓ કહે છે, "સરકાર તરફથી પણ પૅડ વિતરણ કરવામાં આવે છે પણ મહિલાઓ જાગૃત ન હોવાને કારણે પૅડ વાપરતી નથી હોતી."

"મહિલાઓ કહેતી હોય છે રૂ ધાર્મિક પૂજામાં વપરાતું હોય છે એટલે તેને પૅડમાં ન વાપરીએ અને કપડાંનો ઉપયોગ કરીએ, પણ અમે તેમને સમજાવીએ છીએ કે પૅડમાં અલગ પ્રકારનું રૂ વાપરવામાં આવે છે."

આરતી વધુમાં કહે છે, "મહિલાઓ માસિકધર્મ વિશે વાત કરતાં મૂંઝાય છે તે દૂર થવી જોઈએ."

"માસિકધર્મ સાથે જોડાયેલી બાબતો, જેમ કે પેટમાં દુખવું, સફેદ આસ્રવ વિશે મહિલાઓ વાત કરતાં અચકાય છે અને પછી સમસ્યાઓ મોટું સ્વરૂપ લઈ લે છે. મહિલાઓએ આ વિશે ખૂલીને વાત કરવી જોઈએ."

line

મહિલાઓ જ કરી રહી મહિલાઓની મદદ

મહિલાઓ

ઇમેજ સ્રોત, Aarti Kadam

ઇમેજ કૅપ્શન, પૅડ બૅન્ક તરફથી વિતરણ કરતી મહિલાઓ

પિંકિશ ફાઉન્ડેશનનાં રાષ્ટ્રીય સેક્રેટરી શાલિની ગુપ્તા કહે છે, "ભારતમાં માસિકધર્મ વિશે ઘણી ભ્રમણા છે. આ ભ્રમણા તોડવાની જરૂર છે."

"સ્વચ્છતા અને સ્વાસ્થ્યને લઈને અજ્ઞાનતાને કારણે મહિલાઓને યોનીના ઇન્ફૅક્શનની સમસ્યાઓ મોટા પાયે થતી હોય છે."

"આ વિશે વાત કરવાની મૂંઝવણને કારણે સમસ્યાઓ મોટું સ્વરૂપ લઈ લે છે."

નેશનલ સેન્ટર ફૉર બાયોટૅક્નૉલૉજી ઇન્ફૉર્મેશનના એક અહેવાલ પ્રમાણે માસિક દરમિયાન સ્વચ્છતાના અભાવને કારણે કિશોરીઓ તથા મહિલાઓમાં યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફૅક્શન સામાન્યપણે જોવા મળે છે.

ભારતનાં અનેક શહેરોમાં પિંકિશ ફાઉન્ડેશન હેઠળ મહિલાઓ પૅડ બૅન્ક ચલાવી રહી છે અને હાલ 40 જેટલી પૅડ બૅન્ક ચાલી રહી છે.

શાલિની ગુપ્તાનું કહેવું છે, "સોશિયલ મીડિયાની મદદથી અમે બે વર્ષમાં ભારતનાં અનેક શહેરોમાં મહિલાઓનું એક નેટવર્ક ઊભું કર્યું છે."

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફાઈલ ફોટો

આ ફાઉન્ડેશનનું ફેસબુક ગ્રૂપ બનાવવામાં આવ્યું છે, જેમાં 1.5 લાખ મહિલાઓ સદસ્ય છે.

વડોદરાનાં આરતી કહે છે કે આ પહેલ સાથે જોડાયલી ઘણી મહિલાઓ ગૃહિણીઓ છે અને તેઓ પોતાના જેવી અન્ય મહિલાઓની મદદ કરવા માગે છે. ભારતમાં મહિલાઓ કપડાં સિવાય ઘાસ અને ગોબર જેવી વસ્તુઓનો ઉપયોગ પણ માસિક દરમિયાન કરે છે. માસિક શરૂ થતાં કિશોરીઓ સ્કૂલે જવાનું પણ છોડી દેતી હોય છે.

અમદાવાદ જિલ્લામાં કિશોરીઓનો સ્કૂલ છોડવાનો દર 23.7 ટકા છે, જેમાંથી 5-7 ટકા છોકરીઓ માસિકધર્મના કારણે સ્કૂલ છોડી દે છે.

શાલિની ગુપ્તા કહે છે કે પિંકિશ ફાઉન્ડેશન મારફતે અમે મહિલાઓનું એવું નેટવર્ક બનાવવા માગીએ છીએ જે અન્ય કિશોરીઓ તથા મહિલાઓની સાથે માસિક વિશે વાત કરી મદદ કરી શકે.

line

પૅડનો નિકાલ એક પડકાર

રિયૂઝેબલ પૅડ

ઇમેજ સ્રોત, Pallavi Srivastava

ઇમેજ કૅપ્શન, રિયૂઝેબલ પૅડ

શાલિની ગુપ્તા જણાવે છે કે સેનિટરી પૅડનો નિકાલ પણ એક મોટી સમસ્યા છે, ખાસ કરીને ગ્રામ્ય અને સ્લમ વિસ્તારોમાં.

તેઓ કહે છે કે મહિલાઓને પૅડ વાપરવાની રીત સાથેસાથે તેને વાપરી લીધાં બાદ કેવી રીતે નિકાલ કરવો એ જાણવું જરૂરી છે.

મહિલાઓ અને કિશોરીઓએ પૅડ ફેંકવા માટે રાતની રાહ જોવી પડે છે. નદી-તળાવ અથવા ખુલ્લામાં પૅડ ફેંકવાના અન્ય નુકસાન પણ છે.

શાલિની ગુપ્તા કહે છે, "લાંબા ગાળામાં ગામ અને સ્લમ એરિયાની મહિલાઓ સેનિટરી પૅડ ખરીદી નથી શકતી હોતી, એ માટે પિંકિશ ફાઉન્ડેશન રિ-યૂઝેબલ પૅડ પણ બનાવે છે."

"આ પૅડ બે વર્ષ સુધી વાપરી શકાય છે અને તેનાથી સતત પૅડ ખરીદવાની અને તેના નિકાલની સમસ્યાનું સમાધાન થાય છે."

આરતી કદમ જણાવે છે, "જ્યારે મહિલાઓને પૅડ અને માસિકને લગતી માહિતી સતત અપાય ત્યારે તેઓ આની આદત કેળવી શકે છે."

line

આંકડા શું કહે છે?

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-4ના રિપોર્ટ પ્રમાણે

  • 15થી 24 વર્ષની ઉંમર ધરાવતી છોકરીઓમાં 42 ટકા જ સેનિટરી પૅડનો ઉપયોગ કરે છે.
  • પિરિયડ દરમિયાન 62 ટકા મહિલાઓ કપડાંનો ઉપયોગ કરે છે.
  • ગ્રામ્ય વિસ્તારમાં 48 ટકા, તો શહેરી વિસ્તારમાં 78 ટકા મહિલાઓ માસિક દરમિયાન હાઇજિનિક સાધનો વાપરે છે.
  • આશરે 16 ટકા મહિલાઓ લોકલ સ્તરે બનાવવામાં આવેલાં પૅડનો ઉપયોગ કરે છે.

ભારતમાં માસિકધર્મ વિશે અનેક પ્રકારની માન્યતાઓ પ્રવર્તી રહી છે, જેમાં આભડછેટ, ખાવાપીવાને લઈને રોકટોક જેવી કેટલીક બાબતોનો પણ સમાવેશ થાય છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો