દલિત બાળકને નગ્ન કરીને ગરમ પથ્થરો પર બેસાડી રાખ્યો, મંદિરમાંથી ચોરીનો આરોપ

    • લેેખક, નીલેશ રાઉત
    • પદ, વર્ધાથી બીબીસી મરાઠી માટે

મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં મંદિરમાંથી ચોરીના આરોપસર પાંચ વર્ષીય દલિત છોકરાને કપડાં કઢાવીને ગરમ પથ્થર પર બેસાડી રાખ્યું હતું.

છોકરાના શરીર પર દાઝવાનાં નિશાન પડી ગયાં છે અને તેને સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

પીડિત બાળકના પિતાની ફરિયાદને આધારે પોલીસે અમોલ ઘોરે નામના શખ્સની ધરપકડ કરી છે.

આ મુદ્દે ફરિયાદ લખનાર પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે, છોકરો ચોરીના ઇરાદે મંદિરે પહોંચ્યો હતો ત્યારે આરોપીએ તેની સાથે મારઝૂડ કરી હતી.

આરોપી સામે ઍટ્રોસિટી ઍક્ટ તથા બાળસુરક્ષા કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની સામે અન્ય કેસ પણ ચાલી રહ્યા છે.

શું છે ઘટનાક્રમ?

વર્ધાના આરવીમાં જોગણ માતાનું મંદિર આવેલું છે. સ્થાનિક સામાજિક કાર્યકર્તા દિલીપ પોટફોડેએ જણાવ્યું કે આ મંદિર એટલું પ્રસિદ્ધ પણ નથી. વટપૂનમ સિવાય મંદિરે ભીડ નથી હોતી.

પોટફોડેએ કહ્યું, "સામાન્ય દિવસોમાં મંદિરની આજુબાજુ જુગારીઓ એકઠા થાય છે અને મંદિર પાસેના ઝાડની નીચે જુગાર રમે છે. આ સિવાય અહીં દારૂ પણ વેચાય છે. આરોપી ઘોરે ગેરકાયદેસર દારૂ વેચવાનું પણ કામ કરે છે."

કહેવાય છે કે બપોરે 12 વાગ્યા આસપાસ રોહન (નામ બદલેલ છે) મંદિરમાં રમી રહ્યો હતો ત્યારે અમોલ ત્યાં આવ્યો અને તેને મારવા લાગ્યો હતો.

ઘોરે ઉપર આરોપ છે કે બાળકનાં કપડાં ઊતરાવ્યાં અને 45 ડિગ્રી તાપમાનમાં મંદિરના ગરમ પથ્થરો પર બેસવા માટે મજબૂર કર્યો.

રોહન રોતો-રોતો પોતાના ઘર તરફ ભાગ્યો. બાદમાં તેને હૉસ્પિટલ લઈ જવાયો. જિલ્લા સિવિલ હૉસ્પિટલના આઈસીયૂમાં તેને સારવાર ચાલી રહી છે.

રોહનના પિતાનું કહેવું છે કે ઓછામાં ઓછા દસ દિવસ સુધી તેની સારવાર ચાલશે.

'મારા બાળકને કેટલું દર્દ થયું હશે'

બીબીસી સાથે વાત કરતા બાળકના પિતાએ કહ્યું, "આરોપીની માનસિક સ્થિતિનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. ખબર નહીં તેણે કશું ચોર્યું હતું કે પછી તેને જાતીય નફરતને કારણે મારવામાં આવ્યો."

"જો તેણે મંદિરમાંથી પાંચ-દસ રૂપિયા ચોર્યા હોય તો તેને ઠપકો આપવો જોઈએ કે એકાદ થપ્પડ મારવી હતી, પરંતુ જે કરવામાં આવ્યું તેનાથી તેને કેટલું દર્દ થયું હશે."

"તે દર્દથી કણસી રહ્યો હશે પણ તેણે (આરોપી) કોઈ દયા ન ખાધી."

બાળકના પિતાનો દાવો છે કે એક મહિલા પોતાના ઘરમાંથી આ આખી ઘટનાને જોઈ રહ્યાં હતાં અને તેમણે આરોપીને આવું ન કરવાનું પણ કહ્યું હતું. પરંતુ તેમના શબ્દોમાં, "તે પાછળ હઠવા માટે તૈયાર નહોતો."

બાળકના પિતા કહે છે, "છેવટે એ મહિલાએ મારા બાળકને છોડાવ્યું. મને લાગે છે કે એ મારા બાળકને મારવા માગતો હતો."

"એ તો સારું થયું કે મહિલા ભગવાન બનીને આવ્યાં. નહીં તો અમે અમારો દીકરો ગુમાવી દેત."

તેમણે કહ્યું કે તેઓ મજૂર કરે છે. તેમને બે પુત્ર અને બે પુત્રી છે. તેમની માગ છે કે આરોપીને સખત સજા થવી જોઈએ.

'મજાકમાં ઘટના ઘટી ગઈ'

સામાજિક કાર્યકર દિલીપ પોટફોડે કહે છે, "તે બાળક દરરોજ મંદિરમાં રમવા આવતો હતો. બની શકે કે તેનાથી ઘોરેના દારૂ વેચવાના ધંધા પર અસર પડી હોય અને માટે તેને સજા આપી હોય."

પરંતુ તપાસ અધિકારી પરમેશ અગાસે આ વાતનો ઇન્કાર કરે છે. તેમણે કહ્યું કે મંદિર આસપાસ કોઈ ગુનાહિત કાર્ય નહોતું થતું. તેમણે આ ઘટના પાછળ જાતીય નફરતની વાતનો પણ ઇન્કાર કર્યો હતો.

અગાસેએ કહ્યું, "આરોપીને શંકા ગઈ હશે કે બાળકે મંદિરમાંથી કશુંક ચોરી કર્યું છે. આથી મજાક મજાકમાં આ ઘટના ઘટી ગઈ."

બાળકનો પરિવાર મજૂરી કરીને પેટિયું રળે છે. ઘણી સંસ્થાઓ પણ તેમની મદદ માટે આગળ આવી છે.

ભીમ ટાઇગર સેનાએ જિલ્લાધિકારીને આવેદનપત્ર આપ્યું છે અને સખત કાર્યવાહી ન થાય તો આંદોલનની ચીમકી આપી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.