Top News - ઍક્ઝિટ પોલ્સ બાદ ગડકરી અને સંઘના નેતા વચ્ચે મુલાકાતથી સસ્પેન્સ

ઍક્ઝિટ પોલ્સનાં પરિણામો બાદ સોમવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહાસચિવ ભૈયાજી જોશીએ કેન્દ્ર સરકારના પ્રધાન નીતિન ગડકરી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી, પરંતુ મુલાકાતના કારણ અંગે સસ્પેન્સ ઊભું થયું છે.

અંગ્રેજી અખબાર 'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે, જોશી સવારે 11.30 કલાકે પહોંચ્યા અને બપોરે એક વાગ્યે નીકળ્યા.

આ સિવાય બંને વચ્ચે બંધબારણે બેઠક પણ થઈ હતી અને તેમણે સાથે ભોજન પણ લીધું હતું.

ગડકરીના કહેવા પ્રમાણે, આ મુલાકાત 'સૌજન્ય મુલાકાત' હતી અને તેમણે વધુ કંઈ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

મોટાભાગના ઍક્ઝિટ પોલ્સનાં તારણ મુજબ ભાજપને પૂર્ણ બહુમત મળશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વડા પ્રધાન બનશે.

અમૂલ દૂધમાં લિટરે બે રૂપિયાનો વધારો

'ટાઇમ્સ ઑફ ઇંડિયા'ના અહેવાલ મુજબ અમૂલ હેઠળ આવતા ગુજરાત કો-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

આ વધારો ગુજરાત, દિલ્હી-એનસીઆર, પશ્ચિમ બંગાળ, કોલકાતા, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં લાગુ થશે.

અમદાવાદમાં 500 મિલી અમૂલ શક્તિનો ભાવ 25 રૂપિયા, અમૂલ તાજા 21 રૂપિયા અને અમૂલ ડાયમંડનો ભાવ 28 રૂપિયા વસૂલાશે.

જીસીએએમએફના જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં ગાયના દૂધમાં કોઈ વધારો નહીં થાય.

તમે આ વાંચ્યું કે નહીં?

મધ્ય પ્રદેશમાં રાજકીય અસ્થિરતા?

મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથના કહેવા પ્રમાણે, વિધાનસભામાં બહુમત પરીક્ષણ માટે કૉંગ્રેસ પાર્ટી તૈયાર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમની સરકાર પાસે પૂર્ણ બહુમત છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા કમલનાથે કહ્યું કે 'મધ્ય પ્રદેશની સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરતા ભાજપ ખુલ્લો પડી ગયો છે.'

ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા ગોપાલ ભાર્ગવે રાજ્યપાલ આનંદીબહેન પટેલને પત્ર લખીને માગ કરી હતી કે તત્કાળ વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવે અને પાણી, કાયદો અને વ્યવસ્થા તથા ખેડૂતોની બાકી નીકળતી રકમ અંગે ચર્ચા કરવામાં આવે.

આ સિવાય ભાર્ગવે સરકાર પાસે બહુમત ન હોવાનો પણ દાવો કર્યો હતો.

231 ધારાસભ્યોવાળી વિધાનસભામાં કૉંગ્રેસ પાસે 113 અને ભાજપ પાસે 109 ધારાસભ્ય છે.

જ્યારે ગૃહમાં સપા-બસપા પાસે બે-બે ધારાસભ્ય અને ચાર ધારાસભ્ય અપક્ષ છે.

VVPATની ખરાઈ માટે આજે વિપક્ષ ચૂંટણીપંચને મળશે

'ધ હિંદુ' અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ, આજે વિપક્ષી દળો ઈવીએમના મત અને વીવીપીએટીના મતોની સરખામણીમાં અસમાનતા જણાવી બતાવે તેવી યંત્ર પ્રક્રિયા અંગે માહિતી આપવા ભારતીય ચૂંટણીપંચને મળશે.

વિપક્ષ પાર્ટીઓમાં કૉંગ્રેસ, તેલુગુ દેશમ્ પાર્ટી, બહુજન સમાજ પક્ષ, સમાજવાદી પાર્ટી, જનતા દળ અને ડાબેરી પાર્ટીઓ એકજૂટ થઈ ચૂંટણીપંચને મળે તેવી શક્યતાઓ છે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે અગાઉ 25 ટકા બૂથના ઈવીએમ અને વીવીપીએટીના મતોની સરખામણી કરવાની વિપક્ષની અરજી નકારી દીધી હતી.

પ્રિયા રામાણી સાથે હોટલમાં મુલાકાત નથી થઈ : એમ. જે. અકબર

'ધ હિંદુ' અખબાર અનુસાર પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ. જે. અકબરે સ્થાનિક કોર્ટમાં પોતાનો પક્ષ રાખતા જણાવ્યું કે વર્ષ 1993માં મુંબઈની ઓબેરોઈ હોટલમાં નોકરી સંદર્ભે પત્રકાર પ્રિયા રામાણી સાથે તેમની મુલાકાત નહોતી થઈ.

અકબરે આ વાત પ્રિયા રામાણી વિરુદ્ધ માનહાનિના કેસની ઊલટતપાસ દરમિયાન કહી છે.

અકબરે એવું પણ કહ્યું કે તેમણે રામાણીને કોઈ પણ પ્રકારનાં કેફી પ્રવાહી પીવાનો પ્રસ્તાવ નહોતો મુક્યો.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષ પ્રિયા રામાણીએ અકબર વિરુદ્ધ જાતિય શોષણનો આરોપ લગાવ્યો હતો, જે બાદ અકબરે કેન્દ્રીય મંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો