WC 2019 : કૅપ્ટન કોહલી માટે મહેન્દ્ર સિંહ ધોની આ રીતે છે હુકમનું પાનું

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નીરજ ઝા
- પદ, બીબીસી ગુજરાતી માટે
ક્રિકેટ વર્લ્ડ કપ એક એવો તહેવાર છે જેમાં દર ચાર વર્ષે સમગ્ર વિશ્વના આ રમતના યુદ્ધવીરોનો મેળાવડો જામે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં આમ તો ક્રિકેટના સ્વરૂપમાં ઘણા ફેરફાર થયા. 20-20 એ તો આ રમતને જોવાનો દૃષ્ટિકોણ જ બદલી નાખ્યો. પરંતુ 50 ઓવરની રતમનું પણ ભારતમાં અલગ સ્થાન અને ઓળખ છે, તેની પાછળનું સૌથી મોટું કારણ 1983નો વર્લ્ડ કપ છે.
1983નો વર્લ્ડ કપ, લૉર્ડ્ઝનું એ મેદાન જ્યાં પહેલી વખત ભારત એ મહાસંગ્રામની ફાઇનલમાં પહોંચ્યું. ત્યારે કોઈએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે ભારત વર્લ્ડ કપ જીતી જશે.
વેસ્ટઇન્ડિઝની ધુરંધર ટીમ ફરી એક વખત કપ પર કબજો જમાવવાની તૈયારીમાં જ હતી એ સમયે કપિલની સેનાએ મેદાન પર એવી સર્જિકલ સ્ટ્રાઇક કરી કે વેસ્ટઇન્ડિઝના બધાં જ દિગ્ગજ ધરાશાયી થઈ ગયા. આ વર્લ્ડ કપે હિંદુસ્તાનીઓનું દિલ તો જીતી જ લીધું, તે ઉપરાંત આ રમતને જે લોકપ્રિયતા મળી છે, તેની શરૂઆત અહીંથી જ થઈ હતી.

ઇમેજ સ્રોત, Getty Images
આ જીતથી કપિલ ભારતમાં રાતો રાત સ્ટાર બની ગયા અને તે સમયના યુવાન ખેલાડીઓને પણ આ રમતમાં કેરિયરની શક્યતાઓ દેખાવા લાગી.
ત્યાર બાદ આ રમતે ભારતને ઘણા સ્ટાર ખેલાડીઓ આપ્યા, પછી 90ના દાયકાના સચિન તેંડુલકર હોય કે સૌરવ ગાંગુલી, અનિલ કુંબલે, યુવરાજ સિંહ, મહેન્દ્ર સિંહ ધોની અને આજના વિરાટ કોહલી.

તમે આ વાંચ્યું કે નહીં?

ધોની યુગ- જ્યારે ટોચ પર હતી ભારતીય ક્રિકેટ

ઇમેજ સ્રોત, Getty Images
આ નામોમાં એક નામ આવું છે જેના પર ભારતીયો અટકી જાય છે તે છે ધોની. અટકવું સામાન્ય છે અને સૌથી અગત્યની વાત છે, કે લોકોએ આ સમયને ધોનીયુગનું નામ આપ્યું છે. તેનું કારણ એવું છે કે ધોનીના કાર્યકાળમાં ભારતીય ટીમે એવા-એવા કામ કર્યા છે જે પહેલાં નહોતાં થયાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ એવા કૅપ્ટન છે, જેમણે ભારતીય ટીમને 2007માં પહેલા ટી-20 વર્લ્ડ કપમાં જીત અપાવી. કપિલ દેવ પછી વર્ષ 2011માં વર્લ્ડ કપ જીતનારા બીજા ભારતીય કૅપ્ટન બન્યા.
એટલું જ નહીં 2013માં ઇંગ્લૅન્ડમાં યોજાયેલી ચૅમ્પિયન્સ ટ્રૉફી પર કબજો કરીને આઈસીસીની ત્રણે ટ્રૉફી પર ભારતની મહોર મારી દીધી.
ટી -20 હોય કે ટેસ્ટ તેમની કૅપ્ટનશીપમાંથી કંઈ જ બચી શક્યું નથી.
તેમની કપ્તાનીમાં સતત ત્રણ વર્ષ સુધી (2011, 2012, અને 2013)માં ભારત આઇસીસીનો ટીમ ઑફ ધ યરનો ખિતાબ જીત્યો હતો.
તેથી જ ઑસ્ટ્રેલિયન ખેલાડી મેથ્યૂ હૅડન કહેતાં, "તમે ધોનીને ઓળખો છે, તે માત્ર એક ખેલાડી નથી, તે ક્રિકેટનો એક યુગ છે. મને લાગે છે કે ઘણી રીતે એમએસ એક ગલી ક્રિકેટની ટીમના કૅપ્ટન જેવા છે, તે આપણામાંના એક છે, તેઓ ટીમ માટે કંઈ પણ કરી શકે છે."


2019ના વર્લ્ડ કપમાં ધોનીની ભૂમિકા શું હશે?

ઇમેજ સ્રોત, Getty Images
બની શકે કે ધોનીનો આ છેલ્લો વર્લ્ડ કપ હોય. પરંતુ કોઈ એવું નહીં હોય જેને શંકા હોય કે 2019માં વિકેટકીપર-બૅટ્સમેન ધોનીને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળવું જોઈએ કે નહીં. તેઓ પોતાના બૅટથી જ નહીં પરંતુ વિકેટ પાછળ પણ રમે છે અને ટીમને વિકેટ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે.
વિરાટ કોહલીની ગણતરી દુનિયાના શ્રેષ્ઠ બૅટ્સમૅનમાં થાય છે અને હજુ પણ તેઓ આઈસીસી રૅન્કિંગમાં ટોચ પર છે. પણ જો કૅપ્ટન્સીની વાત કરવામાં આવે તો ધોની તેમનાથી ઘણા આગળ છે.
ક્રિકેટ વિશ્લેષકો તો એવું પણ કહે છે કે ધોની પછી જો કોઈને કેપ્ટનસીની પૂરી સમજ હોય તો તે રોહિત શર્મા છે. તેનું સૌથી સારું ઉદાહરણ છે, આઈપીએલ કારણ કે તેમાં વિરાટ બિલકુલ નિષ્ફળ રહ્યા.
જોકે કૅપ્ટનશિપ તો વિરાટના હાથમાં જ રહેશે. પરંતુ જો તમને કોઈ સાચી સલાહ આપવાવાળું મળી જાય તો તમે ટીમને ટોચ પર લઈ જઈ શકો છો. ડીઆરએસ હોય, ફિલ્ડીંગ હોય કે બોલિંગના ક્રમમાં બદલાવ ધોની કોહલી માટે અત્યાર સુધીના શ્રેષ્ઠ સલાહકાર રહ્યા છે.
દરેક મોરચે ધોનીની ભૂમિકા રહી છે અને રહેશે. સાથે જ રોહિત જેવા કૅપ્ટનનું પણ ટીમમાં હોવું કોહલી માટે લાભકારક જ સાબિત થશે.
વિકેટની પાછળ રહીને જે રીતે ધોનીએ અત્યાર સુધી ડીઆરએસ મામલે સફળતા મેળવી છે તે જવલ્લેજ જ જોવા મળે એવી છે.
તેઓ જે રીતે વીજળીની ગતિએ સ્ટમ્પિંગ કરે છે તે ટીમ માટે બોનસ સાબિત થાય છે.
આ અનુભવને લીધે કારણે યુવાન ખેલાડીઓને પણ પ્રેરણા મળે છે, ખાસ કરીને એવા ખેલાડીઓ જે પહેલી વખત વર્લ્ડ કપ રમે છે.
આપણે ધોનીનું વિકેટ કિપીંગ કૌશલ્ય જોયું છે. પરંતુ સૌથી મહત્ત્વનું એ છે જ્યારે તેઓ વિકેટ પાછળથી સ્પિનર્સને માર્ગદર્શન આપે છે અને તેજ બૉલર્સને સ્થિતિ મુજબ કહે છે કે ક્યાં બૉલ નાખવાનો છે. તેઓ મેદાનમાં ફિલ્ડર્સનું સંકલન પણ કરે છે.
વિરાટ તેમની શાનદાર ફિલ્ડીંગના કારણે લાંબા-લાંબા સમય સુધી બાઉન્ડ્રી લાઇનની આસપાસ ફિલ્ડીંગ કરે છે, ત્યારે તેમની બૅક વૉર્ડ, પૉઇન્ટ ફિલ્ડીંગમાં ફેરફાર કરવો મુશ્કેલ છે.
પરંતુ ધોની પાસે તેનો પણ ઉપાય છે. તેઓ કોહલી સાથે પરિવર્તનો કરતાં રહે છે. વિરાટ અને ધોની વચ્ચે સારું ટ્યૂનિંગ છે એટલા માટે પણ એ સંભવ થઈ શકે છે.

એવું શું ખાસ છે ધોનીમાં?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના પૂર્વ કૅપ્ટન સુનીલ ગાવસ્કર માને છે કે ધોની ભારતના વિશ્વ કપ અભિયાનમાં જીતની ચાવી સાબિત થઈ શકે છે.
ધોની આ વર્ષે આઈપીએલમાં પણ જોરદાર ફૉર્મમાં રહ્યા છે. ચેન્નઈ સુપર કિંગ્ઝ માટે 12 ઇનિંગ્ઝમાં 416 રન કર્યા.
ગાવસ્કરને લાગે છે કે ઇંગ્લૅન્ડમાં 30 મેથી શરૂ થનારા વર્લ્ડ કપમાં ભારત માટે ધોની માત્ર બૅટિંગમાં જ નહીં પણ અનુભવના કારણે પણ મહત્ત્વના હશે.
ગાવસ્કરે પીટીઆઈને જણાવ્યું કે "મને લાગે છે કે એ બહુ મહત્ત્વનું હશે કારણ કે આપણી પાસે શાનદાર ટોપ-3 છે. પણ જો આ ટોપ-3 પોતાનું સામાન્ય યોગદાન પણ ન આપી શક્યા તો નીચેના ક્રમે ધોની તો છે જ. વાત ડિફેન્ડિંગ ટોટલની હોય કે પછી ટીમની જીત સુનિશ્ચિત કરવાની, એમની બૅટિંગ એ નક્કી કરી શકશે."
ગાવસ્કર કહે છે કે, "ધોની 2011ના વિશ્વ કપમાં ભારતનું નેતૃત્વ કરી ચૂક્યા છે, તેનો અનુભવ તેમને વધુ મૂલ્યવાન બનાવી શકે છે. જ્યારે તમારી પાસે કોઈ એવા ખેલાડી હોય જે ખરેખર આવી તણાવપૂર્ણ સ્થિતિમાં પહેલાં રમી ચૂક્યા હોય અને ટીમને જીતાડી ચૂક્યા હોય તો એ તમારી ટીમની શક્તિ બની જાય છે. તેથી ધોનીનું યોગદાન વધુ મહત્ત્વનું રહેશે."

ઋષભ પંત, ધોની કે પછી કાર્તિક

ઇમેજ સ્રોત, Getty Images
ટીમ સિલેક્શન પહેલાં ધોનીને ટીમમાં સ્થાન આપવા માટે ઘણા પૂર્વ ખેલાડીઓ એકબીજા સાથે સહમત નહોતા.
કેટલાક માનતા હતા કે યુવા ખેલાડી ઋષભ પંત વધુ કારગર સાબિત થઈ શકે છે. ટીમ સિલેક્શન પહેલાં હરભજન સિંહનું માનવું હતું કે ધોની માટે બૅક અપની કોઈ જરૂરિયાત જ નથી. કારણ કે જો ધોની વર્લ્ડ કપમાં ઇજા ગ્રસ્ત હોય તો કેએલ રાહુલ વિકેટ કિપીંગ કરવા માટે સક્ષમ છે.
હરભજન કહે છે, હું એમની સાથે ક્રિકેટ રમુ છું, મને ખબર છે તેમના સ્વાસ્થ્યના કેટલાક પ્રશ્નો છે. પણ પોતાના આ પ્રશ્નો સાથે પણ કેવી રીતે રમવું એ અનુભવ પરથી તેઓ જાણે છે.
જો કે, દિનેશ કાર્તિકને ટીમમાં બીજા કિપર તરીકે સ્થાન મળ્યું છે પરંતુ કોઈ ઈજાને કારણે ધોનીને આરામ આપવો પડે તો જ તેમને તક મળશે.
દિનેશ પોતે પણ માને છે કે તેઓ વર્લ્ડ કપમાં માત્ર ફર્સ્ટ એડ બૉક્સ તરીકે જઈ રહ્યા છે અને ધોનીને કોઈ ઇજા થાય અથવા બૅક ઇન્જરીના કારણે ન રમી શકે તો જ તેમને 11ની ટીમમાં સ્થાન મળશે.
લોકો ધોનીને કૅપ્ટન કૂલ એટલા માટે પણ કહે છે કે તેઓ પોતાના ફોર્મની પરવા કર્યા વિના ટીમને આગળ રાખે છે.
તેઓ મેદાન પર તેઓ પોતાની ભાવના પર જેટલું નિયંત્રણ રાખે છે એટલું ભાગ્યે જ કોઈને રાખતા જોયા હશે.
2011ના વર્લ્ડ કપ પહેલાં તેઓ પોતાના સાથી ક્રિકેટર્સ સાથે વ્યક્તિગત રીતે વાત કરતા આમ તેમનું વર્લ્ડ કપ ટીમમાં હોવું એ એક માઇલસ્ટોન સાબિત થઈ શકે છે.

આપને આ પણ વાંચવું ગમશે

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












