You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફિલ્મ નિર્દેશક રામ ગોપાલ વર્માની પોલીસ દ્વારા અટકાયત, પણ કેમ?
- લેેખક, વી શંકર
- પદ, વિજયવાડાથી, બીબીસી માટે
ફિલ્મ નિર્દેશક રામગોપાલ વર્માનું નામ નવા વિવાદ સાથે જોડાઈ ગયું છે. ફિલ્મ 'લક્ષ્મીઝ એનટીઆર' (Lakshmi's NTR) અંગે બોલાવાયેલી પ્રેસ કૉંફરન્સના કારણે આંધ્ર પ્રદેશના વિજયવાડાની પોલીસે રામ ગોપાલ વર્માને અને ફિલ્મના પ્રોડ્યુસરની અટકાયત કરી છે.
રામગોપાલ વર્માનો આરોપ છે કે તેમની પ્રેસ કૉંફરન્સ વિજયવાડાની ઇલાપુરમ હોટલમાં થવાની હતી, જ્યારે તેને અટકાવવાના પ્રયાસ થયા તો તેમને વિજયવાડાના પાઇલપુલા રોડના એનટીઆર સર્કલમાં મીડિયાના લોકોને મળવાનું નક્કી કર્યું.
રામગોપાલ વર્મા જ્યારે પ્રેસ કૉંફરન્સ માટે પહોંચ્યા ત્યારે તેમની અને ફિલ્મના પ્રોડ્યુસર રાકેશ રેડ્ડીની અટકાયત કરવામાં આવી. અટકાયત બાદ તેમને વિજયવાડા ઍરપૉર્ટના લાઉંજમાં શિફ્ટ કરવામાં આવ્યા.
વિજયવાડા પોલીસના પ્રમાણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે અને આદર્શ આચારસંહિતાના કારણે તેમની અટકાયત કરાઈ હતી.
વિવાદમાં ઘેરાયેલી ફિલ્મ
'લક્ષ્મીઝ એનટીઆર' ફિલ્મ છેલ્લા બે મહિનાથી વિવાદોમાં ઘેરાયેલી છે. આ ફિલ્મનો મામલો કોર્ટ સુધી પણ પહોંચ્યો છે.
આંધ્ર પ્રદેશની હાઈકોર્ટે આંધ્ર પ્રદેશમાં આ ફિલ્મની રિલીઝ પર રોક લગાવી દીધી છે. જેથી આંધ્ર પ્રદેશમાં આ ફિલ્મની રિલીઝ અટકી ગઈ છે.
જોકે આ ફિલ્મ તેલંગાણા અને અન્ય જગ્યાઓએ રિલીઝ થઈ. રામગોપાલ વર્મા હવે આંધ્ર પ્રદેશમાં આ ફિલ્મની રિલીઝ અંગે મીડિયા સાથે વાત કરવા માગતા હતા.
આંધ્ર પ્રદેશમાં આ ફિલ્મ પહેલી મેના રોજ રિલીઝ થનાર છે. વર્માએ શનિવારે જણાવ્યું હતું કે ફિલ્મના પ્રમોશન માટે તેઓ મીડિયા સાથે મુલાકાત કરવાના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્માએ આરોપ લગાવ્યો કે તૈયારીઓ છતાં હોટલ નોવોટેલ અને હોટલ ઇલાપુરમમાં પ્રેસ કૉંફરન્સ માટે લીધેલી પરવાનગી રદ કરી દીધી.
તેમણે આરોપ લગાવ્યો છે કે આ હોટલોએ એમની પાસે પહેલાં જ પૅમેન્ટ લઈ લીધું હતું.
ત્યારબાદ તેમણે કહ્યું કે તેઓ સાંજે 4 વાગ્યે રસ્તા પર જ પ્રેસ કૉંફરન્સ કરશે. તેમણે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી અને કહ્યું કે 'જે એનટીઆરના ખરેખર પ્રશંસક છે અને જે ખરે સન્માન કરે છે તેઓ પ્રેસ કૉંફરન્સમાં ભાગ લે.' ત્યારબાદ જ આ વિવાદ શરૂ થયો.
તમે આ વાંચ્યું કે નહીં?
પોલીસે શું કહ્યું?
વિજયવાડા પોલીસ પ્રમાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે એ માટે તેમણે રામગોપાલ વર્માને નોટિસ પણ આપી હતી.
વર્માને ઍરપૉર્ટ પર જે નોટિસ આપવામાં આવી, એમાં કહેવામાં આવ્યું હતું કે જ્યારે આઈપીસીની કલમ 30 અને કલમ 144 લાગુ થાય ત્યારે કોઈ પણ સંજોગોમાં રસ્તા પર જાહેરમાં પ્રેસ કૉંફરન્સ કરી ન શકાય.
તેમને તાત્કાલિક વિજયવાડા છોડી દેવાનું કહેવામાં આવ્યું. પોલીસના પ્રમાણે નોટિસનું ઉલ્લંઘન કરીને આગળ વધવા બદલ તેમની અટકાયત કરવામાં આવી.
પોલીસ પ્રમાણે રામગોપાલ વર્મા તરફથી નોટિસના ઉલ્લંઘનને કોઈ પણ ભોગે ચલાવી લેવામાં નહીં આવે.
વર્માનું શું કહેવું છે?
પાઇપુલા રોડ પર એનટીઆર સર્કલ પાસે વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલે છે એવી પોલીસ પાસેથી જાણકારી મળતા રામગોપાલ વર્માએ જાહેર પ્રેસ કૉંફરન્સ રદ કરવાનો નિર્ણય લીધો હતો.
તેમણે પોલીસને અપીલ કરી કે તેમને હોટલમાં પ્રેસ કૉંફરન્સ કરવાની પરવાનગી આપવામાં આવે, પણ તેમની અને રેડ્ડીની અટકાયત કરવામાં આવી.
રામગોપાલ વર્માએ ટ્વિટર પર પોસ્ટ એક વીડિયોમાં કહ્યું છે, "અમને બળજબરીથી એક કારમાં બેસાડીને ઍરપૉર્ટ લાવવામાં આવ્યા. અમને કહેવામાં આવ્યું કે અમારે વિજયવાડા ન આવવું જોઈએ અને અહીં રોકાવું પણ ન જોઈએ."
"મને આનું કોઈ જ કારણ ખબર નથી. કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે જવાબદારીપૂર્વક કામ કરવું જોઈએ. પણ તેમણે અમને કોઈ પ્રશ્નનો જવાબ ન આપ્યો."
રામગોપાલ વર્માએ આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુને ટૅગ કરીને ટ્વીટ કર્યું અને પ્રશ્ન પૂછ્યો, "લોકશાહી ક્યાં છે? સત્યને કેમ રોકવામાં આવી રહ્યું છે?"
હોટલે શું કહ્યું?
હોટલ ઇલાપુરમના ફ્રંટ ઑફિસ ઇન્ચાર્જે જણાવ્યું, "રામગોપાલ વર્માએ પ્રેસ કૉંફરન્સ માટે એક રૂમ બુક કર્યો હતો પણ તેઓ હોટલ ન આવ્યા."
તેમણે જણાવ્યું કે પોલીસે તેમને હોટલમાં પ્રેસ કૉંફરન્સ નહીં કરવાનો આદેશ આપ્યો હતો.
તેમણએ વર્માની આ વાતને ખોટી ગણાવી કે હોટલે પહેલાં થી જ પૈસા લઈ લીધા હતા, તેમણે જણાવ્યું કે બુકિંગ પછી પણ હોટલમાં કોઈ જ નહોતું આવ્યું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો