You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાલાકોટ ઍરસ્ટ્રાઇકના પુરાવા માગનાર પાકિસ્તાની, પછી સૈનિકોના પરિવારજનો જ કેમ ન હોય - વિજય રૂપાણી
'એનડીટીવી'માં છપાયેલા અહેવાલ અનુસાર ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ મંગળવારના રોજ ભાજપના મૅનિફેસ્ટો લૉન્ચિંગ કાર્યક્રમ વખતે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું, "જે લોકો બાલાકોટ ઍરસ્ટ્રાઇકના પુરાવા માગે છે તે પાકિસ્તાની છે, પછી ભલે તે હુમલામાં જીવ ગુમાવનારા સૈનિકોના પરિવારજનો કેમ ના હોય."
તેમણે ઉમેર્યું, "હું ફરીથી કહું છું કે આ ચૂંટણી ભારત અને પાકિસ્તાન વચ્ચેની છે. કારણ કે પાકિસ્તાન પણ ઍરસ્ટ્રાઇકના પુરાવા માગે છે અને કૉંગ્રેસ પણ. બન્ને એક સમાન ભાષા બોલી રહ્યા છે."
તેમણે એવું પણ કહ્યું કે જે લોકો સેનાની કાર્યવાહી પર શંકા કરી રહ્યા છે તેઓ ભારતના અપમાનમાં પાકિસ્તાનનો સાથ આપી રહ્યા છે.
બાલાકોટના નામે મત માગવા મામલે મોદી પાસે જવાબ માગ્યો
'ટાઇમ્સ ઑફ ઇંડિયા'ના અહેવાલ અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ ઔરંગાબાદ ખાતે પ્રથમ વખત મત આપનારા યુવાનોને વિનંતી કરતા કહ્યું કે 'શું તમે બાલાકોટ ઍરસ્ટ્રાઇક અને પુલવામા હુમલામાં જીવ ગુમાવનારા સૈનિકોને અર્પણ કરી શકો?'
મોદીએ પ્રથમ વખત મત આપનારા યુવાનોને કહ્યું, "જ્યારે તમને પ્રથમ પગાર મળે છે તો તેને તમારી પાસે નથી રાખતા અને માતા અથવા બહેનને આપી દો છો."
"આવી જ રીતે શું તમે તમારો મત બાલાકોટ સ્ટ્રાઇક, પુલવામા હુમલાના પીડિત, પાકાં ઘરો, પીવાનું પાણી અને દરેક ગરીબને સ્વાસ્થ્ય સારવાર મળે તે માટે આપી શકો છો?"
મોદીના આ નિવેદન બાદ વિપક્ષે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી હતી કે ભાજપ પુલવામા હુમલો અને બાલાકોટ ઍરસ્ટ્રાઇકના નામે મત માગી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચૂંટણીપંચે મોદીના આ નિવેદન અંગે મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી કમિશનર પાસે તાત્કાલિક રિપોર્ટ માગ્યો છે.
ગૌમાંસ વેચવાની શંકામાં મુસ્લિમ વ્યક્તિ સાથે મારપીટ
આસામના બિશ્વનાથ ચારઆલી શહેરમાં કથિત રીતે ગૌમાંસ વેચવાના આરોપમાં 48 વર્ષની મુસ્લિમ વ્યક્તિને ટોળા દ્વારા માર મારવામાં આવ્યો છે.
આ ઘટના રવિવારની છે પરંતુ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો, જ્યારે સોમવારે સોશિયલ મીડિયામાં આ વ્યક્તિ પર થયેલા હુમલાનો વીડિયો વાઇરલ થયો.
પોલીસે નોંધેલી માહિતી મુજબ પીડિત વ્યક્તિનું નામ શિનાખત શૌકત અલી છે. પોલીસે આ ઘટનામાં એક વ્યક્તિની ધરપકડ કરી છે, જ્યારે અન્ય હુમલાખોરો ફરાર છે.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શૌકત અલી તેમની હોટેલમાં ગૌમાંસ વેચતા હતા. આ દરમિયાન ટોળું હોટેલમાં ઘૂસી આવ્યું અને તલાશી લેવા લાગ્યું.
ત્યારબાદ ટોળાએ શૌકત અલીને બહાર કાઢ્યા અને તેમને માર મારવા લાગ્યા.
ઇઝરાયલ ચૂંટણી : નેતન્યાહુ અને ગન્ત્ઝનો જીતનો દાવો
ઇઝરાયલમાં થયેલી ચૂંટણીના ઍક્ઝિટ પોલ એવું સૂચવી રહ્યા છે કે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને તેમના પ્રતિસ્પર્ધી બેન્ની ગન્ત્ઝ બન્નેને સ્પષ્ટ બહુમતી નથી મળી રહી.
ઍક્ઝિટ પોલ મુજબ સેન્ટ્રિસ્ટ બ્લ્યૂ ઍન્ડ વ્હાઇટ અલાયન્સના ગન્ત્ઝને 36 કે 37 બેઠકો અને લીકુડ પક્ષના નેતન્યાહુને 33 કે 36 બેઠકો મળવાનો અંદાજ છે.
આ છતાં બન્ને ઉમેદવારો ચૂંટણી જીતવાનો દાવો કરી રહ્યા છે.
બે ઍક્ઝિટ પોલ સૂચવી રહ્યા છે કે જમણેરી વિચારધારાવાળા નેતન્યાહુનું ગઠબંધન સરકાર રચી શકે એવા એંધાણ છે.
પરંતુ ત્રીજો ઍક્ઝિટ પોલ એવું બતાવી રહ્યો છે કે બન્નેમાંથી કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં મળે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો