શેરખાન પઠાણ : ભરૂચના ત્રિકોણીય જંગમાં કૉંગ્રેસના એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર

    • લેેખક, હરિતા કંડપાલ
    • પદ, બીબીસી ગુજરાતી

લોકસભાની આગામી ચૂંટણીમાં ગુજરાતમાં બે મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે સીધી ટક્કર થવાની છે.

બંને પક્ષોએ ગુજરાતની 26 લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારી દીધા છે, પરંતુ તેમાં મુસ્લિમ ઉમેદવા માત્ર એક જ છે.

2014ની લોકસભાની ચૂંટણીમાં 26માંથી 26 બેઠકો જીતનારા ભાજપે એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી.

જ્યારે કૉંગ્રેસે માત્ર એક જ ઉમેદવારને ટિકિટ આપી છે. ભરૂચની લોકસભા બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર શેરખાન અબ્દુલ શકુર પઠાણ છે.

ગુજરાતમાંથી 1984 બાદ કોઈ પણ મુસ્લિમ ઉમેદવાર સાંસદ તરીકે ચૂંટાયો નથી. ભરૂચમાંથી 1984માં કૉંગ્રેસના નેતા અહમદ પટેલ ચૂંટાયા હતા.

2005માં કૉંગ્રેસમાં કાર્યકર તરીકે સક્રિય રાજકારણમાં પ્રવેશ કરનાર 37 વર્ષના શેરખાન અબ્દુલ શકુર પઠાણ ભરૂચ યૂથ કૉંગ્રેસના પ્રમુખ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

નવો ચહેરો

બીબીસી ગુજરાતીને શેરખાન પઠાણે કહ્યું કે 2009 અને 2016માં તેઓ ભરૂચ યૂથ કૉંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.

તેઓ કહે છે, "હું નેત્રંગ ગામના ખેડૂત પરિવારનો પુત્ર છું અને આ વિસ્તારના લોકો સાથે સતત સંપર્કમાં રહું છું."

શેરખાન જણાવે છે કે ખેડૂત પરિવારો પહેલાંથી જ કૉંગ્રેસના સમર્થક રહ્યા છે.

નામાંકન વખતે દાખલ કરાયેલા સોગંદનામામાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે તેમના પર બૂથ કેપ્ચરિંગ, આગ લગાડવા અને હત્યાના પ્રયાસના આરોપો લગાવવામા આવ્યા છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં શેરખાન પઠાણ કહે છે કે આ ખોટા કેસ રાજકીય કારણોસર નોંધવામાં આવ્યા છે અને આ બધા કેસ પર હાઈકોર્ટે સ્ટે મૂકેલો છે.

પાંચ વાર સાંસદ રહી ચૂકેલા મનસુખ વસાવા અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ધારાસભ્ય તથા આદિવાસી નેતા છોટુ વસાવા સામે ચૂંટણી મેદાનમાં ઊતરેલા શેરખાન પઠાણ કહે છે કે આ વિસ્તારનો આદિવાસી સમાજ મારી સાથે જોડાયેલો છે.

2019ની લોકસભા ચૂંટણી શેરખાન પઠાણ માટે પહેલી મોટી ચૂંટણી છે.

મુસ્લિમો સૌથી વધુ

2019ની ચૂંટણીમાં ગુજરાતમાં કૉંગ્રેસથી તેઓ એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર છે.

આ અંગે તેઓ શું વિચારે છે એના સવાલના જવાબમાં તેઓ કહે છે, ''પાર્ટીએ મને એક યુવા તરીકે ટિકિટ આપી છે. પાર્ટીને મારા પર ભરોસો છે, કારણ કે સર્વ જ્ઞાતિના લોકો મારી સાથે જોડાયેલા છે."

''હું આદિવાસી વિસ્તારમાંથી આવું છું અને સતત જનતા વચ્ચે રહીને કામ કરું છું.''

તેઓ પોતાને માત્ર એક અલ્પસંખ્યક ઉમેદવાર તરીકે નથી ઓળખાવતા. તેઓ કહે છે કે તેઓ ભરૂચમાં 4થી 4.25 લાખ મુસ્લિમ મતદારો છે અને તેઓ નેત્રંગ ગામથી આવે છે જે આદિવાસી વિસ્તાર છે.

આદિવાસીઓ માટે સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ કયા છે એ સવાલ પર તેઓ કહે છે, ''સૌથી મોટા મુદ્દાઓ રોજગારી અને ટેકાના ભાવના છે. ભરૂચ એક મોટો ઔદ્યોગિક વિસ્તાર છે પણ લોકોને રોજગારી મળતી નથી.''

તેઓ જણાવે છે, ''હું સ્થાનિકોના મુદ્દાને લઈને પ્રચાર કરું છું.''

'અહમદ પટેલનો ગઢ'

ભરૂચ એક સમયે કૉંગ્રેસ નેતા અહમદ પટેલનો મતવિસ્તાર હતો. અહમદ પટેલ અહીંથી 1977, 1980, 1984માં ચૂંટણી જીત્યા પરંતુ ત્યારબાદથી આ બેઠક પર ભાજપનો કબજો રહ્યો છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ, ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મતદાતાઓ ભરૂચ બેઠક ઉપર છે.

કુલ 15 લાખ 64 હજાર મતદાતામાંથી 22.2% મુસ્લિમ છે. સમગ્ર રાજ્યમાં કોઈ એક બેઠક ઉપર મુસ્લિમોની આ સર્વોચ્ચ ટકાવારી છે.

ભાજપે ભરૂચ બેઠક પરથી ફરી એક વાર મનસુખ વસાવાને મેદાનમાં ઉતાર્યા છે.

ભાજપના નેતા મનસુખ વસાવા ભરૂચથી 2014માં કૉંગ્રેસના જયેશ પટેલને હરાવીને સાંસદ બન્યા હતા.

મનસુખ વસાવા અહીંથી પાંચ વખત સાંસદ બની ચૂક્યા છે અને આ વખતે છઠી વાર અહીંથી ચૂંટણી લડી રહ્યા છે.

વરિષ્ઠ પત્રકાર અજય નાયક કહે છે કે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલના પ્રભાવવાળી આ બેઠક પર છેલ્લા કેટલાય સમયથી ભાજપ જ જીતી રહ્યો છે.

અહીં જો કૉંગ્રેસે અહમદ પટેલને ભરૂચથી ટિકિટ આપી હોત તો કૉંગ્રેસને ફાયદો થવાની સંભાવના રહી હોત.

તેમણે જણાવ્યું કે અહમદ પટેલના પુત્રને પણ ટિકિટ આપવાની વાતો થઈ હતી પરંતુ છેવટે એક મુસ્લિમ ચહેરા તરીકે શેરખાન પઠાણને ટિકિટ આપવામાં આવી છે.

ત્રિકોણીય જંગ

આ વખતે આદિવાસી નેતા છોટુ વસાવાએ ભરૂચ બેઠક પરથી નામાંકન દાખલ કર્યું છે.

છોટુ વસાવાએ 2017માં હાઇ-વોલ્ટેજ ડ્રામાના ભાગરૂપે રાજ્યસભા ચૂંટણીમાં કૉંગ્રેસ નેતા અહમદ પટેલને જીતવામાં મદદ કરી હતી.

અજય નાયક કહે છે કે ભરૂચ લોકસભા બેઠક પર હવે ત્રિકોણીય જંગ થઈ ગયો છે જેનું નુકસાન કૉંગ્રેસને થવાની શક્યતા છે કારણ કે છોટુ વસાવાના મેદાને ઊતરવાથી કૉંગ્રેસના મતોનું વિભાજન થવાની શક્યતા વધી ગઈ છે.

અજય નાયકનું કહેવું છે કે આ વખતે કૉંગ્રેસે 37 વર્ષીય શેરખાન પઠાણને મનસુખ વસાવા સામે ઉતાર્યા છે.

મનસુખ વસાવા કેન્દ્ર સરકારમાં મંત્રી અને પાંચ વખત સાંસદ રહી ચૂક્યા છે. એટલે એમનું પાસું ભારે લાગે છે.

પત્રકાર ભાર્ગવ પરીખનું કહેવું છે કે નર્મદામાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી અને અન્ય વિકાસકામોને લઈને આદિવાસીઓના અસંતોષનો લાભ છોટુ વસાવાને થઈ શકે છે.

જોકે, શેરખાન પઠાણ કહે છે, ''મનસુખ વસાવા પાંચ વખતથી સાસંદ છે, છોટુ વસાવા લાંબા સમયથી ધારાસભ્ય છે. હું તેમના ધારાસભા ક્ષેત્રમાં રહું છું. એમણે ભરૂચમાં શિક્ષા, રોજગારી, સ્વાસ્થ્ય માટે કંઈ નથી કર્યું. આ વખતે લોકો અમારી પર વિશ્વાસ કરી રહ્યા છે.''

'ભાજપનો એક પણ મુસ્લિમ ઉમેદવાર નહીં'

વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ કહે છે, ''ગુજરાતમાં દાયકાઓથી જોઈએ તો કૉંગ્રેસ એક મુસ્લિમ ઉમેદવાર ઉતારે જ છે અને ભાજપ 26 બેઠકોમાંથી એક પર પણ મુસ્લિમ ઉમેદવાર નથી ઉતારતી."

"આ વખતે પણ એ પરંપરાને વળગી રહેતા કૉંગ્રેસે એક મુસ્લિમ ઉમેદવાર ઉતાર્યો છે અને ભાજપે એક પણ નહીં.''

ઉમટ જણાવે છે, ''મોટા ભાગે કૉંગ્રેસ ભરૂચથી જ મુસ્લિમ ઉમેદવાર ઉતારે છે. આ રીતે તે એક સંકેત આપવા માગે છે કે તેઓ બધા વર્ગોને સાથે લઈને ચાલે છે, જ્યારે ભાજપ એક પણ મુસ્લિમ ઉમેદવાર ઊભો ન કરીને પોતાનો સંકેત આપે છે.''

ભરૂચ જિલ્લો આદિવાસી અને મુસ્લિમ બહુમતીવાળો છે અને ઝઘડિયા વિધાનસભા બેઠકથી સાત વખત ધારાસભ્ય રહેલા છોટુ વસાવા મોટા આદિવાસી નેતા માનવામાં છે.

આપને આ પણ વાંચવું ગમશે

ગત વિધાનસભા ચૂંટણીમાં તેમણે ભારતીય ટ્રાઇબલ પાર્ટીની સ્થાપના કરીને ગુજરાત વિધાનસભામાં બે બઠકો જીતી હતી.

એમની પાર્ટીએ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં પણ બે બેઠકો મળવીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. તેમણે રાજસ્થાનમાં કૉંગ્રેસની સરકારને મદદ પણ કરી હતી.

અજય નાયકનું કહેવું છે કે ભરૂચમાં અમુક-અમુક વિસ્તારોમાં મુસ્લિમ વસ્તી છે, પરંતુ અહીં મોટા પાયે આદિવાસી વોટ પણ છે જેનો ફાયદો ભાજપને થયો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો