You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૉંગ્રેસના મૅનિફેસ્ટોને ભાજપે ખતરનાક ગણાવ્યો
મંગળવારે કૉંગ્રેસ દ્વારા ચૂંટણીઢંઢેરો 'જનઆવાઝ ઘોષણાપત્ર' બહાર પાડવામાં આવ્યો, આ કાર્યક્રમમમાં કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અન્ય કૉંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા.
તો કૉંગ્રેસના મૅનિફેસ્ટોને ભાજપે ખતરનાક અને અમલ ના કરી શકાય એવો ગણાવ્યો છે.
કૉંગ્રેસે જાહેર કરેલા મૅનિફેસ્ટો બાદ ભાજપે પત્રકાર પરિષદ સંબોધી હતી.
પત્રકારો સાથેની વાતચીતમાં અરુણ જેટલીએ જણાવ્યું, "કૉંગ્રેસના મૅનિફેસ્ટોની જાહેરાત કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ જે વાયદા કરે છે તે પાળે પણ છે. પરંતુ તેમણે કરેલા વાયદા લાગુ ના કરી શકાય એવા અને ખતરનાક છે. અમુક આઇડિયા તો ચોક્કસપણે ખતરનાક હતા."
જમ્મુ કાશ્મીરની સ્થિતિ માટે પણ કૉંગ્રેસને જવાબદાર ઠેરવતા જેટલીએ ઉમેર્યું કે કૉંગ્રેસનાં 70 વર્ષની ભૂલને કારણે જમ્મુ અને કાશ્મીરમાં વર્તમાન સ્થિતિ સર્જાઈ છે.
જેટલીએ એવું પણ કહ્યું, "અમે કાયદાનું શાસન લાવવા માગીએ છીએ પરંતુ કૉંગ્રેસ આતંકવાદનું શાસન લાવવા માગે છે. તેમણે પ્રિવૅન્શન ઑફ ટેરરિઝ્મ ઍક્ટ (પોટા)નો કાયદો ખેંચી લીધો હતો."
જેટલીએ કૉંગ્રેસના મૅનિફૅસ્ટોને અહમથી ભરેલો પણ ગણાવ્યો છે. આ દરમિયાન કૉંગ્રેસ મૅનિફેસ્ટોની જાહેરાત બાદ વેબ ટ્રાફિકને કારણે વેબસાઇટ જામ થઈ ગઈ હોવાની ઘટના પણ બની હતી. આવો દાવો કૉંગ્રેસ પાર્ટીએ કર્યો છે.
અગાઉ કૉંગ્રેસે પોતાના ટ્ટિટર હૅન્ડલ પર મૅનિફેસ્ટોની વેબસાઈટ જાહેર કરી હતી જે ખૂલી નહોતી શકતી. ત્યારબાદ કૉંગ્રેસે ટ્ટીટ કર્યુ હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરને મૅનિફેસ્ટો તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 'રાષ્ટ્રીય સુરક્ષા, આંતરિક સુરક્ષા અને વિદેશ નીતિ મુદ્દે નરેન્દ્ર મોદી મારી સાથે ચર્ચા કરી દેખાડે. તેઓ મીડિયાથી ડરે છે એટલે મીડિયા સાથે ચર્ચા કરતા નથી.'
આ ચૂંટણી દરમિયાન રોજગાર, ખેડૂત અને ન્યાય મુખ્ય મુદ્દા રહેશે.
'ગરીબી પર પ્રહાર'
કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના કહેવ પ્રમાણે કૉંગ્રેસ પાર્ટી દ્વારા તબક્કાવાર ન્યાય (ન્યૂનતમ આય યોજના) લાગુ કરવામાં આવશે. દેશના સૌથી ગરીબ 20 ટકા પરિવારોને વાર્ષિક રૂ. 72 હજારની સહાય કરવામાં આવશે.
ગાંધીના કહેવા પ્રમાણે આ યોજનાથી દેશના એક અબજ 30 કરોડ નાગરિકોમાંથી 25 કરોડ લોકોને તેનો લાભ મળશે.
ભાજપે આ જાહેરાતને 'ગતકડું' અને અર્થશાસ્ત્રીઓએ તેને 'બેજવાબદાર' ગણાવી છે.
નોકરીઓ : ગાંધીના કહેવા પ્રમાણે જો તેમની સરકાર ચૂંટાશે તો 31મી માર્ચ 2020 સુધીમાં ખાલી પડેલી 22 લાખ જગ્યાઓને ભરશે.
મહિલા સશક્તિકરણ : કૉંગ્રેસે કેન્દ્રીય નોકરીઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાની વાત કહી છે. આ સિવાય લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં 33 ટકા રિઝર્વેશનની જોગવાઈ કરતું મહિલા અનામત બિલ પસાર કરવામાં આવશે, જે લાંબા સમયથી પડતર છે.
આરોગ્ય સેવા : કૉંગ્રેસે વાયદો કર્યો છે કે 2024 સુધીમાં કુલ ઘરેલું ઉત્પાદન એટલે કે જીડીપીના ત્રણ ટકા રકમ આરોગ્યક્ષેત્ર પાછળ ખર્ચવામાં આવશે. જે હાલના ખર્ચ કરતાં બમણી જોગવાઈ હશે.
સરકારી હૉસ્પિટલ્સમાં મફતમાં દવા અને નિદાન કરી આપવામાં આવશે. આ સિવાય મેડિકલ કૉલેજોની સંખ્યા વધારવામાં આવશે તથા તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવશે.
શિક્ષણ : નાણાકીય વર્ષ 2023-24 સુધીમાં શિક્ષણક્ષેત્રે ખર્ચ વધારીને જીડીપીના છ ટકા કરવાની જાહેરાત કરી છે. વર્ષ 2018માં આ દર 2.7 ટકાનો રહ્યો હતો.
બાબુશાહી દૂર કરાશે : ગાંધીએ વાયદો કર્યો છે કે જો તેમની સરકાર સત્તા ઉપર આવશે તો નવા ધંધા-ઉદ્યોગોને સ્થાપવા માટેના નિયમોને હળવા કરાશે તથા કરરાહતો આપવામાં આવશે, બૅન્ક લોન સરળ કરવામાં આવશે.
નવા ઉદ્યોગ-ધંધામાં રોકાણ કરનારા ઉપર કોઈ ટૅક્સ નહીં લાગે અને શરૂઆતના ત્રણ વર્ષ દરમિયાન કોઈ સરકારી મંજૂરી નહીં લેવી પડે. જેથી કરીને રોજગારનું સર્જન થાય.
ચિદમ્બરમે કહ્યું, "મોદી સરકારના કાર્યકાળ દરમિયાન ચાર કરોડ 70 લાખ લોકોએ નોકરીઓ ગુમાવી હતી, મોદીએ વાર્ષિક બે કરોડ નોકરીઓનું વચન આપ્યું હતું."
"જ્યારે નાબાર્ડના સરવે પ્રમાણે, દરેક ખેડૂત ઉપર સરેરાશ રૂ. એક લાખ ચાર હજારનું દેવું છે, જ્યારે મહિલાઓ તેમની અને તેમના સંતાનોની સુરક્ષા અંગે ચિંતા છે."
ચિદમ્બરમે કહ્યું કે અમે 'સંપત્તિનું સર્જન કરીશું અને લોકકલ્યાણ કરીશું'
22 લાખ ખાલી પડેલી જગ્યાઓને ભરવામાં આવશે
ગ્રામપંચાયતોને તથા 22 લાખ ખાલી પડેલી જગ્યાઓને ભરવામાં આવશે. પ્રથમ ત્રણ વર્ષ માટે ઉદ્યોગસાહસિકે કોઈ મંજૂરી નહીં લેવી પડે. ઉપરાંત મનરેગા હેઠળ વાર્ષિક 150 દિવસનો રોજગાર આપવામાં આવશે.
અલગ કૃષિ બજેટ તૈયાર કરવામાં આવશે, જેથી કરીને તેમની ઉપર કેટલી રકમ ખર્ચવામાં આવે છે, જેનો તેમને અંદાજ આવે. દેવું નહીં ચૂકવી શકનાર ખેડૂતની સામે ફોજદારીના બદલે દિવાની ખટલો ચલાવવામાં આવશે.
પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘના કહેવા પ્રમાણે, "પાર્ટી સર્વાંગી વિકાસમાં માને છે અને 2030 સુધીમાં ગરીબીમાંથી સંપૂર્ણપણે મુક્તિ મેળવી શકીશું."
રાહુલ ગાંધીએ કહ્યું, "મોદી દરરોજ જૂઠ્ઠું બોલે છે, એટલે ઘોષણાપત્રકના ઘડતર સમયે સૂચના આપી હતી કે તેમાં 'એકપણ જૂઠ' ન હોવું જોઈએ, એવી સ્પષ્ટ સૂચના મેં ચિદમ્બરમને આપી હતી."
'ન્યાય' યોજના દ્વારા કૉંગ્રેસ પાર્ટી દેશના 20 ટકા સૌથી વધુ ગરીબોને વાર્ષિક રૂ. 72 હજાર આપીશું, જેથી નોટબંધી અને જીએસટીને કારણે ખોરંભે પડેલી અર્થવ્યવસ્થાને ફરી પાટે ચડાવી શકાય.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો