ગૌતમ ગંભીરની રાજકીય ઇનિંગ્સ શરૂ, ભાજપમાં સામેલ

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ભારતીય જનતા પક્ષમાં જોડાઈ ગયા છે.
ગંભીરે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા અરુણ જેટલી અને રવિશંકર પ્રસાદની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો.
પત્રકારો સાથેની વાતચીતમાં ગંભીરે કહ્યું કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દૂરદેંશીથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાયા છે.
ગંભીરે કહ્યું, "હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દૂરદૃષ્ટિથી પ્રભાવિત છું."
"ભાજપે મને દેશ માટે કંઈક ખાસ કરવાની તક આપી છે અને મને આશા છે કે હું લોકોની અપેક્ષાઓ પર ખરો ઊતરીશ."
આ પ્રસંગે અરૂણ જેટલીએ વિશેષ ક્ષેત્રમાં મહારત હાંસલ કરનારી વ્યક્તિઓને ભાજપમાં જોડાવા અંગેની નીતિની વાત કરી તો રવિશંકર પ્રસાદે ગંભીરે ક્રિકેટ ક્ષેત્રે આપેલા યોગદાન અંગે વાત કરી.

ઇમેજ સ્રોત, Getty Images
ગંભીરે ભારત તરફથી પોતાની ક્રિકેટની શરૂઆત 1999-2000થી કરી હતી, જે બાદ તેઓ બે દાયકાઓ સુધી ભારતીય ટીમ તરફથી રમ્યા હતા.
ગંભીરે પોતાની આંતરરાષ્ટ્રીય કૅરિયરમાં 58 ટેસ્ટ મૅચ રમ્યા અને 41.95ની સરેરાશથી 4154 રન પણ બનાવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટેસ્ટ મૅચમાં ગંભીરે કુલ 9 સદી અને 22 અડધી સદી ફટકારી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

ગભીરે 147 આંતરરાષ્ટ્રીય વન ડેમાં 39.68ની સરેરાશથી 5238 રન બનાવ્યા. જેમાં 2011 વર્લ્ડ કપ ફાઇનલની યાદગાર 97 રનની ઇનિંગ્સનો પણ સમાવેશ થાય છે.
ગંભીરે 37 ટી-20 મૅચ પણ રમ્યા હતા. જેમાં તેમણે સાત અડધી સદીની મદદથી 932 રન બનાવ્યા હતા.
ગંભીરે સહેવાગ સાથે મળીને ભારતની સૌથી મજબૂત ઑપનિંગ જોડીમાંની એક જોડી બનાવી હતી.
બંનેએ સાથે મળીને 87 ઇનિંગ્સમાં કુલ 4412 રન બનાવ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
ઉપરાંત ગંભીરે 2009માં આઈસીસી ટેસ્ટ પ્લેયર ઑફ ધ યરનો 2009માં ઍવૉર્ડ પણ જીત્યો હતો.
2011માં રમાયેલા વર્લ્ડ કપના ફાઇનલમાં ગંભીરે ત્રીજા નંબરે આવીને 97 રન કર્યા હતા અને ભારતની જીતનો પાયો નાખ્યો હતો.
જેમાં સચિન અને સહેવાગ જલદી આઉટ થયા હતા જે બાદ જો ગંભીરે બાજી ના સંભાળી હોત તો ભારતને કદાચ વર્લ્ડ કપ જીતવો અઘરો થઈ પડ્યો હોત.
2009ના વર્ષમાં ગૌતમ ગંભીરે લગાતાર પાંચ સદી કરી હતી અને સતત પાંચ સદી કરનારા ખેલાડીઓમાં પોતાનું નામ અંકે કર્યું હતું.
આઈપીએલની વાત કરીએ તો તેમની કૅપ્ટનશીપ હેઠળ કોલકતા નાઇટ રાઇડર્સ બે વખત ચૅમ્પિયન બની હતી.
બાદમાં તેઓ દિલ્હી ડેરડેવિલ્સ સાથે પણ જોડાયા હતા, જેમાં તેમને કૅપ્ટન પદેથી હટાવવામાં આવ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












