ક્રિશ્ચિયન મિશેલ : 'રાકેશ અસ્થાનાએ મારું જીવન નરક બનાવી દેવાની ધમકી આપી હતી.'

અગસ્તા વેસ્ટલૅન્ડ કેસમાં ભારત લાવવામાં આવેલા કથિત વચેટિયા ક્રિશ્ચિયન મિશેલે દિલ્હીની એક અદાલતમાં સીબીઆઈના પૂર્વ નિર્દેશક રાકેશ અસ્થાનાએ જીવન નરક બનાવી દેવાની ધમકી આપી હોવાનો દાવો કર્યો છે.

ક્રિશ્ચિયન મિશેલે કોર્ટમાં કહ્યું, "થોડાં સમય પહેલા રાકેશ અસ્થાના મને દુબઈમાં મળ્યા હતા અને ધમકી આપી હતી કે મારું જીવન નરક બનાવી દેવામાં આવશે."

"મારી બાજુના કેદી ગેંગસ્ટર છોટા રાજન છે. મને સમજ નથી પડતી કે મે શું અપરાધ કર્યો છે કે હત્યા કરનારા લોકોની સાથે રાખવામાં આવ્યો છે."

સમાચાર સંસ્થા એએનઆઈએ આ અંગે ટ્ટીટ કરીને માહિતી આપી છે.

અદાલત સામે મિશેલે જેલમાં હેરાનગતિની પણ ફરિયાદ કરી છે.

ઉલ્લેખનીય છે કે સૅન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન(સીબીઆઈ)એ તેમના જ નંબર-2 અધિકારી સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના સામે લાંચના મામલે ફરિયાદ નોંધેલી છે.

આલોક વર્મા અને રાકેશ અસ્થાના વિવાદ બાદ તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

શું છે કથિત કૌભાંડ?

ન્યૂઝ એજન્સી પીટીઆઈ (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇંડિયા)ના રિપોર્ટ મુજબ, મિશેલ પર વાયુદળના તત્કાલીન વડા એસ. પી. ત્યાગી, તેમના પરિવારજનો તથા અન્ય આરોપીઓ સાથે મળીને ગુનાહિત કાવતરું ઘડવાનો આરોપ છે.

હેલિકૉપ્ટરની ઉડ્ડાણ ક્ષમતા છ હજાર થી ઘટાડીને 4,500 મીટર કરીને ત્યાગીએ તેમના પદનો દુરુપયોગ કર્યો હતો.

તા. આઠમી ફેબ્રુઆરી 2010ના સંરક્ષણ મંત્રાલયે 12 વીવીઆઈપી હેલિકૉપ્ટર ખરીદવાનો કૉન્ટ્રેક્ટ રૂ. 3,600 કરોડના ખર્ચે અગસ્તા વેસ્ટલૅન્ડને આપ્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

મિશેલનું મહત્ત્વ

પીટીઆઈના અહેવાલ મુજબ દુબઈની કોર્ટે 57 વર્ષીય મિશેલની અપીલ ફગાવી દેતા યુએઈની સરકારે મિશેલના પ્રત્યાર્પણને લીલીઝંડી આપી હતી.

સીબીઆઈના વચગાળાના ડાયરેક્ટર એમ. નાગેશ્વર રાવે મિશેલના પ્રત્યાર્પણનું ઑપરેશન કૉર્ડિનેટ કર્યું હતું.

જોઇન્ટ ડાયરેક્ટર સાઈ મનોહરના નેતૃત્વમાં અધિકારીઓની એક ટીમ દુબઈ ગઈ હતી. આ ટુકડીએ પ્રત્યાર્પણની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.

સંરક્ષણ બાબતોના જાણકાર રાહુલ બેદીના કહેવા પ્રમાણે, ચૂંટણીના થોડા સમય અગાઉ જ મિશેલનું પ્રત્યાર્પણ ભાજપના લાભમાં છે. સાથે જ ઉમેરે છે કે 'મિશેલ પાસેથી કેટલું નીકળે છે, એ પણ મહત્ત્વપૂર્ણ છે.'

12 વીવીઆઈપી હેલિકૉપ્ટર ખરીદવાનો સોદો કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન થયો હતો.

બેદી કહે છે, 'સતત રફાલનો મુદ્દો ઉઠાવી રહેલી કોંગ્રેસ અગસ્તા મુદ્દે ઘેરાઈ શકે છે.'

ભાજપનું માનવું છે કે આ મામલે મિશેલનું પ્રત્યાર્પણ એ 'ભારતની જીત' છે. ભાજપનું કહેવું છે કે મિશેલનું આગમન એ ભારતના 'ફર્સ્ટ ફૅમિલી' માટે 'મોટી સમસ્યા' બની શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો