રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા ભાજપમાં જોડાયાં, મોદીને ગણાવ્યા પ્રેરણાસ્રોત

ઇમેજ સ્રોત, Darshan Thakkar
ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની અને કરણી સેનાની મહિલા પાંખનાં પ્રમુખ રીવાબા જાડેજા ભાજપમાં જોડાઈ ગયાં છે.
જામનગરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગમનના એક દિવસ પહેલાં રીવાબાએ કેસરી ખેસ ધારણ કરી લીધો છે.
ભાજપ સરકારમાં મંત્રી આર.સી. ફળદુ, ભાજપનાં સાંસદ પૂનમ માડમ તેમજ જામનગર શહેર ભાજપ પ્રમુખ હસમુખ હિંડોળજાની હજરીમાં રીવાબા વિધિવત્ રીતે ભાજપમાં જોડાયાં.
પત્રકારો સાથેની વાતચીતમાં રીવાબાએ કહ્યું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદી મારા માટે પ્રેરણાસ્રોત છે અને એ જ કારણ છે કે હું ભાજપમાં જોડાઈ."
"મને લાગે છે કે ભાજપમાં જોડાવાથી હું મારા સમુદાય જ નહીં, મારા દેશ માટે પણ શ્રેષ્ઠ પ્રદાન કરી શકીશ."

કરણી સેનાની મહિલા પાંખનાં પ્રમુખ

ઇમેજ સ્રોત, RAVINDRA JADEJA/INSTAGRAM
વ્યવસાયે મિકૅનિકલ એંજિનયર રીવાબા ભાજપમાં જોડાયાં એ પહેલાંથી જ કરણી સેના સાથે જોડાયેલાં છે.
ગત વર્ષે ઑક્ટોબર માસમાં તેમને કરણી સેનાની મહિલા પાંખનાં પ્રમુખ બનાવાયાં હતાં.
કરણી સેનામાં જોડાતી વખતે રીવાબાએ મહિલાઓના સશક્તીકરણ માટે કામ કરવાની નેમ વ્યક્ત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પત્રકારો સાથેની વાતચીતમાં રીવાબાએ કહ્યું હતું, "જ્યારે આસપાસ કોઈ પુરુષ ના હોય ત્યારે સ્વરક્ષણ કરી શકે, પોતાનું ધ્યાન જાતે જ રાખી શકે એવી રીતે મહિલાઓનું સશક્તીકરણ કરવાનો મારો ઉદ્દેશ છે."
પોતે આવી ઘટનામાંથી પસાર થયાં હોવાનું પણ રીવાબાએ એ વખતે કહ્યું હતું.
નોંધનીય છે કે જામનગરમાં રીવાબાની ગાડી અથડાઈ જતાં સ્થાનિક પોલીસ કૉન્સ્ટેબલે તેમની સાથે કથિત મારઝૂડ કરી હતી. રીવાબા અને રવીન્દ્ર જાડેજાના વર્ષ 2016માં લગ્ન થયાં હતાં. દંપતીને એક પુત્રી પણ છે.

રીવાબા સાથે જોડાયેલા કેટલાક વિવાદ
ઑગસ્ટ-2017માં રવીન્દ્ર જાડેજા અને રીવાબાએ ગીરના અભયારણ્યની મુલાકાત લીધી હતી અને સિંહો સાથે 'સેલ્ફી' પડાવી હતી અને સોશિયલ મીડિયા પર મૂકી હતી. 'નિયમ ભંગ' બદલ રવીન્દ્ર જાડેજાને રૂ. 20 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
જાન્યુઆરી-2017માં રવીન્દ્ર જાડેજા તથા તેમના પત્ની રીવાબા જઈ રહ્યાં હતાં, ત્યારે તેમની કાર અને સ્કૂટી વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં એક યુવતીને ઇજા પહોંચી હતી. બાદમાં જાડેજા જ તેમને હૉસ્પિટલ લઈ ગયા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












