CRPF પુલવામા હુમલો : એક પાકિસ્તાની મહિલા આ રીતે આપી રહી છે બેઉ દેશોમાં #AntiHateChallenge

    • લેેખક, શુમાઈલા ઝાફરી
    • પદ, બીબીસી ન્યૂઝ, ઇસ્લામાબાદ

પુલવામા હુમલાના પીડિતોની સાથે સહાનુભૂતિ દર્શાવવા પાકિસ્તાની મહિલાઓના એક જૂથે સોશિયલ મીડિયા ઉપર ઝુંબેશ ઉપાડી છે.

આ #AntiHateChallenge ની શરૂઆત એક પત્રકાર અને શાંતિ હિમાયતી સેહિર મિર્ઝાએ કરી છે.

તેણીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ફેસબુક પર એક તસવીર પોસ્ટ કરી છે જેમાં તેઓ હાથમાં એક બેનર લઈને ઊભા છે.

બેનરમાં લખ્યું છે, "I am a Pakistani, and I condemn Pulwama terrorist attack (હું પાકિસ્તાની છું, અને હું પુલવામા આતંકવાદી હુમલાને વખોડું છું.)"

આ 'અમન કી આશા' ફેસબુક ગ્રુપમાં શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે, "કાશ્મીરમાં થયેલા ગમખ્વાર આતંકવાદી હુમલાએ નિર્દોષોનો જીવ લીધો છે જેનાથી અમે ખૂબ વ્યથિત છીએ."

સેહિર માને છે કે કસોટીના વખતમાં, યુદ્ધ અને આતંકવાદ વિરુદ્ધ બોલવા માટે ભારતીયો અને પાકિસ્તાનીઓના વધુ સમજદાર અવાજોની જરૂર છે.

તમે આ વાંચ્યું કે નહીં?

તેમણે પાકિસ્તાનીઓને પુલવામા હુમલાની નિંદા કરવા અને આ સ્થિતિમાં ભારતીયોની પડખે ઉભા રહેવા માટે પાકિસ્તાનીઓને હૅશટૈગ #AntiHateChallenge, #NotoWar #WeStandWithIndia #CondemnPulwamaAttack સાથે જોડાવવા આહ્વાન કર્યું છે.

સેહિરે બીબીસીને જણાવ્યુ કે યુદ્ધ જેવી સ્થિતિથી તેઓ ખૂબ વ્યથિત હતાં, "આપણે જોયું કે ભારતના લોકો ખૂબ ગુસ્સામાં હતા, તેઓ દુ:ખી હતા અને ત્યાં તમામ પ્રકારના પ્રતિભાવો સોશિયલ મીડિયામાં વ્યક્ત થયા હતા."

આથી સેહિર અને તેમના મિત્રોએ વિચાર્યું કે પાકિસ્તાન તરફથી મૌન તોડવું જરૂરી હતું.

તેમણે ઉમેર્યુ , "હું માનું છું કે ગુસ્સાની ક્ષણોમાં, દુઃખ અને તકલીફમાં, શાતા ઉભી કરવાની આપણે જરૂર હોય છે અને એ પ્રેમ તથા હૂંફ થકી જ શક્ય છે."

તેમણે ફેસબુક પોસ્ટમાં યુદ્ધ પ્રત્યેની ઘૃણા વ્યક્ત કરવા સાહિર લુધિયાનવીને પણ ટાંક્યા છે.

"લોહી ભલે આપણું હોય કે તેમનું, એ માનવજાતિનું લોહી છે.

યુદ્ધ ભલે પૂર્વ કે પશ્ચિમમાં છેડાય, એ વિશ્વ શાંતિની હત્યા છે.

બોમ્બ ભલે ઘર પર પડે કે સીમા ઉપર, આત્માનું મંદિર ઘાયલ થા છે.

યુદ્ધ પોતે જ એક સમસ્યા છે, યુદ્ધથી સમસ્યાઓ કેવી રીતે ઉકેલાશે?

આજે એ લોહી અને આગ વરસાવશે, આવતી કાલે ભૂખ અને અભાવ."

આ અભિયાનમાં થોડાંક મિત્રો તરત જ જોડાયાં. તેમાંના એક હતા શમિલા ખાન.

શમિલા લાહોર સ્થિત વકીલ છે.

શમિલાએ કહ્યું, "અમને લાગ્યું કે હુમલા વિષયક ચર્ચામાં શાંતિની વાતચીતનો અભાવ છે, બન્ને તરફની ચર્ચા રાષ્ટ્રવાદ અને તેને લગતા કટ્ટરવાદ ઉપર આધારિત હતી. અમે '#AntiHateChallenge' દ્વારા શાંતિ પર આધારિત વિચારો રજૂ કરવા ઇચ્છતાં હતાં," .

આ પડકારમાં અત્યાર સુધી થોડીક મહિલાઓએ ભાગ લીધો છે પરંતુ તેમને ખૂબ વ્યાપક પ્રમાણમાં પ્રતિક્રિયા મળી છે.

સીમાપારથી કેટલાંક લોકોએ આ પહેલને બિરદાવી છે.

ભારતમાં સમર્થન

ફિલ્મ મેકર અને ફેસબુક ગ્રુપ 'અમનની આશા'ના એડિટર બીના સરવારે આ ચેલેંજને ટેકો આપ્યો છે.

પોતાના એક ટ્વીટમાં તેમણે લખ્યું કે જબરદસ્ત #AntiHateChallenge ની શરૂઆત. #Pakistan પાકિસ્તાની યુવા મહિલાઓએ પ્રોફાઈલ પિક્ચર પોસ્ટ કરતા કહ્યું, "હું પાકિસ્તાની છું અને હું #Pulwama આતંકવાદી હુમલાની નિંદા કરું છું. #NoToWar ".

તેમના ફેસબુક ટાઈમલાઈન ઉપર તેમણે કહ્યું હતું , "જેમ કોઈએ કહ્યું છે, હું આને એક હિંસક કૃત્ય માટે 'અપરાધબોધ' નહીં પરંતુ નિંદા (એની પાછળના કારકોની પરવા કર્યા વગર) તરીકે જોવું છું. મોતના શરણે થયેલા લગભગ 50 નિ:શસ્ત્ર સૈનિકો અને તેમના પરિવારો જેમાંથી મોટે ભાગે આર્થિક સંઘર્ષોનો સામનો કરી રહ્યાં છે, તેમની માટે કરુણા અને સંવેદના વ્યક્ત કરું. "

'માનવતામાં વિશ્વાસ વધુ દૃઢ બન્યો'

કેટલાંક ભારતીયોએ આને ખૂબ સાહસ ભરેલી ચેષ્ટા ગણાવી છે.

વિનાયક પદ્મદેવે @Padmadeo લખ્યું, "માનવતામાં મારો વિશ્વાસ વધુ દૃઢ બન્યો છે. #AntiHateChallenge આભાર.''

રાજીવ સિંઘે @Rajiv5174 તેમના એક ટ્વીટમાં કહ્યું, "#AntiHateChallenge આ હિંમતવાન છોકરીને સલામ @SehyrMirza જેણે આ પહેલ કરીને પુલવામાની દુ:ખદ ઘટના સામે પોતાનો પક્ષ મુક્યો જે પાકિસ્તાનમાંથી બીજા કોઈએ નથી કર્યું. આજે જ્યારે પ્રેમની જગ્યાએ નફરત અને માનવતાને બદલે બર્બરતા પ્રવર્તમાન છે ત્યારે તેણી એક આશાના કિરણ સમી દેખાય છે. તેની ઉપર ઈશ્વરની કૃપા વરસે."

સિદ્ધાર્થ દાસે @sidharthone કહ્યું કે, "તેઓ તેમના દેશમાં ખુબ લઘુમતીમાં હશે, પરંતુ છતાં પાકિસ્તાનમાં માનવતા ધરાવતા લોકો વસે છે! સલામ છે @SehyrMirza - ભારતના શબોની ગણતરી કરીને આનંદ લેનારા તમારા જ દેશવાસીઓ તમારી ઉપર હુમલો કરી શકે છે- પરંતુ મજબૂત રહેજો. ઈશ્વર તમને સુખી રાખે."

ટ્રોલ

પરંતુ સેહિર મિર્ઝાનું કહેવું છે કે તેમને મિશ્ર પ્રતિભાવો મળ્યા છે.

સમર્થન અને માન્યતાની સાથે તેમને ઑનલાઈન ખૂબ ટીકા અને અપશબ્દોનો પણ સામનો કરવો પડ્યો છે.

તેમણે કહ્યું,"અમને ટ્રોલ કરવામાં આવ્યા; કેટલાંક લોકો એવું પણ કહે છે કે તસવીરો નકલી છે. પરંતુ અમે માનીએ છીએ કે બંને તરફના શાંતિ સમર્થકો હાલ આ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યાં છે, એટલે બોલવું અગત્યનું છે અને તમારો અવાજ અન્યો સુધી પહોંચે એ પણ જરૂરી છે."

આ પડકારનો વિરોધ કરનારાઓની દૃષ્ટિએ પુલવામા હુમલો, ભારતીય સુરક્ષા દળોનું તરફથી કાશ્મીરમાં એક દાયકાથી કરવામાં આવેલ દમનનું પરિણામ છે.

બુરહાન ગિલાની @iKatar_Koshur ટ્વિટર ઉપર લખે છે, "જો પાકિસ્તાની કુલીન વર્ગને પાડોશીના લોહીયાળ સંઘર્ષ વિષે જાણકારી ના હોય અને કઈ રીતે કામ થાય છે એ અંગે કોઈ ગંભીર સમજણ ના હોય, તો તેમણે આવી બુદ્ધિહીન નિંદાઓ ન કરવી જોઈએ. તમારા દિમાગમાં ઊંડા ઉતરીને વિચારો કે શાંતિ ત્યારે જ આવશે જ્યારે કબજાનો અંત આવશે."

આપને આ પણ વાંચવું ગમશે

શમિલા ખાન કહે છે, ''કેટલાંક લોકો બહુ બારીક દૃષ્ટિકોણ ધરાવે છે અને તેમનો મત છે કે આવી જટિલ સ્થિતિને એક જ બેનર હેઠળ સમાવી શકાય નહીં. ''

તેઓ ઉમેરે છે, "અમે ખુશ છીએ કે અમે એ ચર્ચા આરંભી દીધી છે કે પાકિસ્તાનીઓ પાસે જવાબ આપવાની શ્રેષ્ઠ રીત કઈ હોઈ શકે, કેવી રીતે તેઓ શાંતિના હેતુને સર્વોચ્ચ સ્થાને મુકીને અસરકારક રીતે તેમની સ્થિતિ વ્યક્ત કરી શકે, તે પણ કાશ્મીરીઓની લાગણી અને અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને."

"પરંતુ આપણે બોલવાનું ચાલુ રાખવું જોઈએ, જેથી આપણે, નાગરિક ચર્ચાની પુનઃપ્રાપ્તિ કરી શકીએ, નહીંતર બન્ને તરફની સરકારો પોત-પોતાના રાષ્ટ્રવાદી કથનો તરફ વાળતા રહેશે." તેમ શમિલા ઉમેરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો