પ્રણવ મુખર્જીને ભારત રત્ન આપવાનો નિર્ણય ભાજપને કેટલો ફાયદો કરાવી શકશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રાજેશ પ્રિયદર્શી
- પદ, ડિજિટલ એડિટર, બીબીસી હિંદી
પ્રણવ મુખર્જીને ભારત રત્ન આપીને ભાજપે એક તીરથી અનેક નિશાન સાધ્યાં છે.
આ ચર્ચા મુખર્જીની યોગ્યતા વિશે નહીં, પરંતુ ચૂંટણીના વર્ષમાં લેવાયેલા પ્રતિકાત્મક નિર્ણયો દ્વારા આપવામાં આવેલા સંકેત બાબતે છે.
ભારત રત્ન અને પદ્મ પુરસ્કાર હંમેશા રાજકીય જ રહ્યા છે.
1988માં ચૂંટણી પહેલાં તમિલનાડૂની જનતાને રીઝવવા તે વખતની રાજીવ ગાંધીની સરકારે એમ.જી. રામચંદ્રનને ભારત રત્ન આપ્યો હતો, જેની ઘણી ટીકા થઈ હતી.
ઉદાહરણ તરીકે 1984 અને 2004માં યોગ્ય હોવા છતાં વડા પ્રધાન પદથી મુખર્જી ચુકી ગયા.
અથવા તો ગાંધી પરિવારના વિશ્વાસપાત્ર ન હોવાને કારણે તેમને હાંસિયામાં ધકેલી દેવાયા.
એટલે ભાજપ મુખર્જીને કૉંગ્રેસના પરિવાર કેન્દ્રિત રાજકારણના પીડિત તરીકે રજૂ કરી રહી છે.
ભાજપનું માનવું છે કે કૉંગ્રેસે એક વિશેષ પરિવારની બહારના લોકોને એમની યોગ્યતા છતાં યોગ્ય સ્થાન નથી આપ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર


ઇમેજ સ્રોત, Getty Images
પ્રણવદાને ભારત રત્ન આપીને ભાજપે આ જ કહાણીને બહુ રોચક બનાવી દીધી છે.
આમ તો કૉંગ્રેસની વિચારધારાનો અગત્યનો ચહેરો ગણાતા મુખર્જીને વિશેષ ઓળખ આપવાના પ્રયત્નો ગયા વર્ષે પણ થયા હતા.
તેમને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અથવા આરએસએસના એક આયોજનમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ત્યારે તેમણે જવું કે નહીં એ અંગે ઘણી ચર્ચાઓ થઈ હતી. ચર્ચાઓ તો એટલે સુધી થઈ હતી કે તેમનાં પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ પણ પિતાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા.
વિરોધ છતાં પ્રણવ મુખર્જીએ 7 જૂનના રોજ નાગપુરમાં આરએસએસના વડા મથકમાં ભાષણ આપ્યું.
જેમાં તેમણે રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ અને દેશભક્તિની વાતો કરી.

તમે આ વાંચ્યું કે નહીં?

આ ભાષણે સાબિત કરી દીધું કે મંચ ભલે અલગ હોય પણ તેમની વિચારધારામાં કોઈ જ પરિવર્તન આવ્યું નથી.
ગયા વર્ષની આ ઘટના બાદ હવે નવા વર્ષમાં પ્રણવ મુખર્જીને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી.
આ નિર્ણય ફરી એક વખત તેમને ગાંધી પરિવારની વિચારધારાથી અલગ સાબિત કરવાની કવાયત જણાય છે.
વાત એટલી જ નથી કે પશ્ચિમ બંગાળમાં પોતાનો પગ જમાવવા માટે ભારે સંઘર્ષ કરી રહેલો ભાજપ બંગાળી અસ્મિતાનું સન્માન કરતો જણાય છે.
ભાજપ ચૂંટણી પ્રચારમાં સરાજાહેર કહેશે કે કૉંગ્રેસ પર જે પરિવારનો કબજો છે તેણે બે વખત બંગાળના સપૂતને વડા પ્રધાન બનતા અટકાવ્યા હતા અને અમે વિરોધી પક્ષ હોવા છતાં તેમને સર્વોચ્ચ સન્માન આપ્યું હતુ.
ભાજપન બંગાળ પ્રત્યે ભારે અપેક્ષા રાખીને બેઠો છે.
તેને લાગે છે કે ઉત્તરના રાજ્યો અને મહારાષ્ટ્રમાં થયેલાં નુકસાનને બંગાળ સરભર કરી શકે એમ છે.
સરવાળે, કૉંગ્રેસના 'ફૅમિલી નંબર-1'ને નીચું દર્શાવીને 'મૉરલ હાઇ ગ્રાઉન્ડ' ઝડપી લેવું. એનો રાજકીય લાભ બંગાળવમાં ઉઠાવવો અને એ સાથે જ દાવો કરવો કે ભાજપ દેશના દરેક સપૂતનું સન્માન કરે છે અને કૉંગ્રેસ માત્ર એક પરિવારનું જ.
ભાજપે પ્રણવ મુખર્જીને ભારત રત્ન આપીને તેમને કૉંગ્રેસી વડા પ્રધાનો અને રાષ્ટ્રપતિઓની સમકક્ષ મૂકી દીધા છે.
એ યાદીમાં ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધી પણ સામેલ છે.
આમ, ભારતના રાજકીય ઇતિહાસમાં પ્રણવ મુખર્જીને સોનિયા ગાંધીથી ઉપર મૂકીને ભાજપે એક રાજકીય ચૂંટી પણ ખણી છે.

ભૂપેન હઝારિકા અને 'નાગરિકતા બિલ'

ઇમેજ સ્રોત, Getty Images
હાલ પૂર્વોત્તર ભારતમાં લોકોમાં ભારે અસંતોષ છે જોવા મળી રહ્યો છે. નાગરિકત્વના કાયદાને પગલે પણ ભારે ઊહાપોહ સર્જાયો છે.
વળી, આસામમાં ભાજપે જે ગઠબંધન સરકાર બનાવી હતી એના પર પણ જોખમ તોળાઈ રહ્યું છે.
'નાગરિકતા કાયદા' બાબતે અસામ ગણ પરિષદે ભાજપનો સાથ છોડી દીધો છે.
એ બિલે લોકોને બે બે ફાંટામાં વહેંચી નાખ્યા છે, ત્યારે ભાજપની સરકારમાં પણ ચીરો પડ્યો હોવાની ચર્ચાઓ થઈ રહી છે.
એવું નથી કે ભૂપેન હઝારિકા ભારત રત્ન મેળવનાર આસામની પ્રથમ વ્યક્તિ છે.
તેમના પહેલાં સ્વાતંત્ર્ય સેનાની અને આસામના પ્રથમ મુખ્ય મંત્રી ગોપીનાથ બોર્દોલોઈને 1999માં આ સન્માન મળી ચૂક્યું છે.
જાણીતા ફિલ્મકાર અને સંગીતકાર ભૂપેન હઝારિકાને પૂર્વોત્તર ભારતના અવાજ રૂપે ઓળખવામાં આવે છે. લોકો તેમનું સન્માન કરે છે.
2004માં ભાજપમાં હઝારિકાને ભારત રત્ન આપીને આ આગને ઠંડી કરવાનો પ્રયાસ કરાયો છે.

નાનાજી દેશમુખ અને દક્ષિણપંથી રાજનીતિ

ઇમેજ સ્રોત, Getty Images
તો એવું પણ નથી કે ભાજપની સરકારે પહેલી વાર કોઈ કૉંગ્રેસી નેતાનું ભારત રત્નથી સન્માન કર્યું હોય.
આ પહેલાં મોદીએ કૉંગ્રેસના અધ્યક્ષ રહી ચુકેલાં પંડિત મદન મોહન માલવીયને આ સન્માન આપ્યું હતું.
પંડિત મદન મોહન માલવીયને આપેલું સન્માન એક નવી પરંપરાની શરૂઆત હતી. તેનો હેતુ હિંદુવાદી છબિ ધરાવતા નેતાઓ માટે નવો રસ્તો બનાવવાનો હતો.
માલવિય કૉંગ્રેસમાં હતાં, પણ 'નહેરુવાદી બિનસાંપ્રદાયિક વિચારધારા' ધરાવતા નહોતા. તેઓ લાલા લજપતરાય જેવા ઉદાર હિંદુવાદી નેતા હતા.
માલવીયે 1909માં લાહોરમાં અખિલ ભારતીય હિંદુ મહાસભાની બેઠકની આગેવી કરી હતી.
ચંડિકદાસ અમૃત રાવ દેશમુખ એટલે કે નાનાજી સંઘ સાથે જોડાયેલા બીજા નેતા છે, જેમને ભારત રત્ન સન્માન અર્પણ થશે.
અટલ બિહારી વાજપેયી સંઘમાંથી આવનારા પહેલા નેતા હતા, જેમને આ સન્માન મળેલું.
આ નિર્ણય રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને ખુશ કરવાનો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

જો ભવિષ્યમાં ભાજપ સત્તા પર રહી તો શ્યામા પ્રસાદ મુખર્જી અને દિનદયાળ ઉપાધ્યાય જેવા નેતાઓની જેમ અંતે સાવરકર, કેશવ બલિરામ હેડગેવાર અને સદાશિવ રાવ ગોલવલકર જેવા લોકોને સન્માનિત કરવા તરફ આગળ વધશે.
સાવરકર, હેડગોવર અને ગોલવલકર આ સન્માન માટે યોગ્ય છે કે નહીં તે અંગે વ્યાપક રાષ્ટ્રીય ચર્ચાઓ થઈ શકે છે.
પરંતુ આ પહેલાં પણ એવા ઘણા લોકોને ભારત રત્ન પ્રાપ્ત એનાયત કરાયો છે, જેમના નામ પર ચર્ચા થઈ શકે છે.
નોબલ પુરસ્કારની જેમ જ ભારત રત્ન પણ એવા ઘણા લોકોને નથી મળ્યો, જેઓ ખરેખર તેના હકદાર છે અને એવા ઘણા લોકોને મળ્યો છે, જેના નામ પર ચર્ચાઓ થઈ શકે છે.
જે ત્રણ લોકોને આ વખતે ભારત રત્ન આપવામાં આવ્યો, તેમને લઈને ખાસ ચર્ચા નથી થઈ.
પરંતુ સન્માન અંગેની સારી વાત એ છે કે તે એવા લોકોને મળવું જોઈએ, જેનાથી સન્માનની પણ ગરિમા વધે.
સન્માન કોઈ વ્યક્તિનું માન વધારવા માટેનું માપદંડ ના હોવું જોઈએ.

આપને આ પણ વાંચવું ગમશે

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












