આપત્તિજનક ટિપ્પણી બદલ સાધના સિંહે માયાવતીની માફી માગી

ઉત્તર પ્રદેશનાં મુગલસરાય બેઠક પરથી ભાજપનાં ધારાસભ્ય સાધના સિંહે બહુજન સમાજવાદી પ્રમુખ માયાવતીને અંગે વિવાદાસ્પદ નિવેદન બાદ આખરે માફી માગી છે.

પોતાનાં માફીપત્રમાં સાધના સિંહે કહ્યું કે, મારી મંશા 2 જૂન 1995નો ગેસ્ટ હાઉસ કાંડમાં ભાજપે માયાવતીજીની જે મદદ કરી હતી તે યાદ કરાવવાનો હતો, એમનું અપમાન કરવાનો નહોતો. જો મારા શબ્દોથી કોઈને કષ્ટ થયું હોય તો હું ખેદ પ્રગટ કરું છું.

ઉલ્લેખનીય છે કે વિવાદ બાદ બસપાનાં રામ ચંદ્ર ગૌતમે બાબુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અગાઉ શું કહ્યું હતું સાધના સિંહે

ગેસ્ટહાઉસ કાંડ મુદ્દે વાત કરતાં સાધાના સિંહે કહ્યું, "પૂર્વ મુખ્ય મંત્રી ના તો પુરુષ લાગે છે, ના તો મહિલા. તેમને પોતાના સન્માન અંગે જાણ નથી.""જ્યારે દ્રોપદીનું ચીરહરણ થયું, ત્યારે તેમણે બદલો લેવાની પ્રતિજ્ઞા લીઘી હતી. તેઓ એક સ્વાભિમાની સ્ત્રી હતાં."

"પરંતુ આજે એક મહિલા છે જેમનું બધું લૂંટાઈ ગયું હોવા છતાં, ખુરશી મેળવવા માટે પોતાનું સન્માન વેચી નાખ્યું.""આવી મહિલા માયાવતીજીનો અમે આ કાર્યક્રમના માધ્યમથી તિરસ્કાર કરીએ છીએ. તેઓ નારી જાત પર કલંક છે."

સાધના સિંહે વધુ આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરતા કહ્યું:

"જેમને ભાજપના નેતાઓએ લૂંટવાથી બચાવી, એ જ મહિલા સુખ-સુવિધા અને પોતાના વર્ચસ્વને બચાવવા અપમાનને ઘોળીને પી ગઈ."

"જે દિવસે મહિલાનું ચીરહરણ થાય છે, તેમનું બ્લાઉઝ ફાટી જાય છે, પેટીકોટ ફાટી જાય, સાડી ફાટી જાય છતાં જે મહિલા સત્તા માટે આગળ આવે, તો તે કલંકિત છે."

"તેને મહિલા કહેવામાં પણ સંકોચ થાય છે. તે કિન્નરથી પણ વધુ બદતર છે, કારણ કે તે ના તો પુરુષ છે અને ના તો મહિલા."

તમે આ વાંચ્યું કે નહીં?

'ભાજપની માનસિક સ્થિતિ બગડી'

સાધના સિંહ જ્યારે આવું બોલી રહ્યાં હતાં, ત્યારે તેમની સાથે મંચ પર પક્ષના પ્રદેશ મહામંત્રી પંકજ સિંહ પણ હાજર હતા.

ઉલ્લેખનીય છે કે બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીએ ગત 12 જાન્યુઆરીના રોજ લખનૌમાં 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગઠબંધનની જાહેરાત કરી હતી.

હાલમાં સાધના સિંહના આ નિવેદન અંગે ટીકા થઈ રહી છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે આ નિવેદનને વખોડી કાઢ્યું છે.

અખિલેશ યાદવે ટ્વીટ કર્યું, "મુગલસરાયથી ભાજપનાં મહિલા ધારાસભ્યએ સુશ્રી માયાવતી માટે જે રીતે આપત્તિજનક શબ્દો વાપર્યાં તે નિંદાસ્પદ છે."

"આ ભાજપની નૈતિકતા અને હતાશાનું પ્રતીક છે સાથે જ આ દેશની મહિલાઓનું પણ અપમાન છે."

આ સિવાય બહુજન સમાજ પાર્ટીના મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાએ કહ્યું,"અમારી પાર્ટીના પ્રમુખ માટે જે શબ્દોનો ઉપયોગ કરાયો તે ભાજપનું સ્તર બતાવે છે."

"આ ગઠબંધન બાદ ભાજપના નેતાઓનું માનસિક સંતુલન બગડી ગયું છે અને તેમને આગરા અને બરેલીની હૉસ્પિટલોમાં ભરતી કરાવવાની જરૂર છે."

બીજી તરફ આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય અલ્કા લાંબાએ પણ આ નિવેદનની ટીકા કરી હતી.

તેમણે ટ્વિટર પર સાધના સિંહના નિવેદનને શેર કરતા લખ્યું છે, "કોણ કહે છે કે કિન્નર બદતર હોય છે? બલકે આવું વિચારનારા બદતર હોય છે. માયા તો નારી છે, બસ આજકાલ 56" ના એક મર્દ પર ભારે છે.

જોકે, આવું પ્રથમ વખત નથી કે જ્યારે ભાજપના કોઈ નેતાએ માયાવતીને લઈને આ પ્રકારનું આપત્તિજનક નિવેદન આપ્યું હોય. આ પહેલાં જુલાઈ 2016માં યૂપીમાં પાર્ટીના ઉપાધ્યક્ષ દયાશંકર સિંહે માયવતીને 'વેશ્યાથી બદતર ચરિત્ર'વાળી નેતા કહ્યું હતું.

આ નિવેદન બાદ વિવાદ થયો અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હાલમાં દયાશંકરનાં પત્ની સ્વાતિ સિંહ ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી છે અને દયાશંકરને પાર્ટીમાં એન્ટ્રી મળી ગઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો