ગાયથી વિમાન સુધીઃ વિજ્ઞાનનો ઇતિહાસ બદલનારા ભારતીયો

ઇમેજ સ્રોત, HULTON ARCHIVE/GETTY IMAGES
- લેેખક, આયેશા પરેરા
- પદ, બીબીસી ન્યૂઝ
ભારતના માનવ સંસાધન વિકાસ મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન સત્યપાલ સિંહના એક નિવેદનથી લોકો નવાઈ પામ્યા હતા.
તેમણે કહ્યું કે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને પ્રાચીન ભારતની વિજ્ઞાનની શોધો વિશે ભણાવવાની જરૂર છે.
તેમનું કહેવું હતું કે વિમાનનો પ્રથમ ઉલ્લેખ પ્રાચીન હિંદુ ગ્રંથ રામાયણમાંથી મળે છે.
રાજધાની દિલ્હીમાં એન્જિનિયરિંગ પુરસ્કાર સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા સત્યપાલ સિંહે એવું પણ કહ્યું કે રાઇટ બ્રધર્સથી આઠ વર્ષ પહેલાં ભારતના શિવાકાર બાબૂજી તલપડેએ વિમાનની શોધ કરી લીધી હતી.

વિજ્ઞાનમાં પ્રાચીન ભારતનું યોગદાન

ઇમેજ સ્રોત, Getty Images
શિવાકાર બાબૂજી તલપડેની આ કહેવાતી ઉપલબ્ધિની પ્રધાનની વાતની સોશિયલ મીડિયામાં મજાક ઉડાવવામાં આવી રહી છે.
જોકે, પ્રાચીન ભારતની વિજ્ઞાનની ઉપલબ્ધિઓ કે વિમાનની શોધ જેવી વાતો કરનારા સત્યપાલ સિંહ કંઈ પ્રથમ પ્રધાન નથી.
2015માં એક પ્રતિષ્ઠિત વિજ્ઞાન સંમેલન વખતે એક વક્તાએ કહ્યું હતું કે વિમાનની શોધ સાત હજાર વર્ષ પહેલાં ભારદ્વાજ ઋષિએ કરી હતી.
રિટાયર્ડ કેપ્ટન અને પાઇલટ ટ્રેનિંગ સંસ્થાના પ્રમુખ આનંદ બોડાસે પણ દાવો કર્યો હતો કે આજનાં વિમાનોથી પણ વધારે ઉત્તમ વિમાનો હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રાચીન વિમાનો બીજા ગ્રહો સુધી જવા માટે સક્ષમ હતા એવો દાવો પણ તેમણે કરેલો.
આવો જોઈએ, આવા જ્ઞાનને લગતા દાવાઓ, જે સાંભળીને લોકો અચરજ પામી ગયા હતા.


પ્લાસ્ટિક સર્જરીના ગૉડ

ઇમેજ સ્રોત, AFP
2014માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં ડૉક્ટરો અને મેડિકલ કર્મચારીઓની એક સભામાં કહ્યું હતું કે ભગવાન ગણેશની કથા દર્શાવે છે કે ત્યારે પણ પ્લાસ્ટિક સર્જરી સંભવ હતી.
મોદીએ કહ્યું હતું કે, "આપણે ગણેશજીની પૂજા કરીએ છીએ."
"કોઈ તો પ્લાસ્ટિક સર્જન હશે એ જમાનામાં જેમણે મનુષ્યના શરીર પર હાથીનું મસ્તક રાખીને પ્લાસ્ટિક સર્જરી શરૂ કરી હશે."
તેમણે એમ પણ કહ્યું હતું કે, "મહાભારતમાં કહેવાયું છે કે કર્ણ માતાની કૂખમાંથી પેદા થયા નહોતા."
"તેનો અર્થ એ થયો કે જે સમયે જેનેટિક સાયન્સ પણ ઉપલબ્ધ હતું. તેથી જ તો માતાની કૂખ વિના તેમનો જન્મ થયો હશે."
ભારતની પુરાણ કથાઓ અનુસાર ભગવાન શિવે પોતાના પુત્રના ઘડ ઉપર હાથીનું મસ્તક લગાવીને તેને નવું જીવન આપ્યું હતું.
તે પછી ભગવાન ગણેશને ગજાજન કહેવાનું શરૂ થયું હતું.

દિવ્ય એન્જિનિયરિંગ

ઇમેજ સ્રોત, AFP
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આઈઆઈટીઆરએએમ સંસ્થાના કાર્યક્રમમાં રામાયણ ગ્રંથના નાયક રામની એન્જિનિયરિંગ કુશળતાની પ્રસંશા કરી હતી.
તેમણે કહ્યું હતું કે, "રામાયણમાં જણાવ્યા અનુસાર ભગવાન રામે પોતાના પત્ની સીતાને રાવણની કેદમાંથી છોડાવવા માટે શ્રીલંકા સુધી એક પુલનું નિર્ણાણ કર્યું હતું."
"આજે પણ રામસેતુના અવશેષ હિંદ મહાસાગરમાં જોવા મળે છે."
"ઘણા હિંદુઓને ખાતરી છે કે આ એ જ સેતુ છે, જે ભગવાન રામે બનાવ્યો હતો."
રૂપાણીએ કહ્યું, "વિચાર કરો, રામ કેવા એન્જિનિયર હતા કે તેમણે ભારત અને શ્રીલંકાને જોડનારો પુલ બનાવ્યો."
"એટલું જ નહીં ખિસકોલીએ પણ પુલ બનાવવામાં તેમની મદદ કરી હતી. આજે પણ લોકો કહે છે કે રામસેતુના અવશેષો સમુદ્રમાં છે."


ઑક્સિજન છોડતી ગાય

ઇમેજ સ્રોત, AFP
આ વર્ષે જાન્યુઆરીમાં રાજસ્થાનના શિક્ષણ અને પંચાયતી રાજ વિભાગના પ્રધાન વાસુદેવ દેવનાણીએ લોકોને ગાયનું વૈજ્ઞાનિક મહત્ત્વ સમજાવ્યું હતું.
તેમણે એવું કહીને સૌને ચોંકાવી દીધા કે 'ગાય એકમાત્ર એવું પ્રાણી છે, જે ઑક્સિજન લે છે અને છોડે છે.'
આવી વાત માટે તેમણે કોઈ પ્રમાણ આપ્યું નહોતું.
બીજી બાજુ હાલમાં જ નાસાએ પોતાના રિપોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ગાયોના ઓડકારથી મોટા પ્રમાણમાં હાનિકારક મીથેન ગૅસ નીકળે છે.
અખબારોમાં દેવનાણીનું નિવેદન છપાયું તે પછી તેમની પણ મજાક ઉડાવાઈ હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












