અમદાવાદની છેલ્લી મુલાકાતમાં સરદારે કહ્યું હતું, 'તમારા પૈસા તમારા શહેરના વિકાસ માટે અર્પણ'

ઇમેજ સ્રોત, kalpit Bhachech
- લેેખક, કલ્પિત ભચેચ
- પદ, બીબીસી ગુજરાતી માટે
15મી ડિસેમ્બરે સરદાર વલ્લભભાઈ પટેલ નિર્વાણને પામ્યા હતા. એ પહેલાં સરદાર વર્ષ 1950માં 31મી ઑક્ટોબરે તેમના જન્મદિને અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદની તેમની આ છેલ્લી મુલાકાત હતી.
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે અમદાવાદ શહેરના વિકાસમાં સિંહફાળો આપ્યો હતો.
જેની કદર કરવા અને તેમનું ઋણ ચૂકવવા મ્યુનિસિપાલિટી દ્વારા તેમના જન્મદિને જ તેમનું નાગરિક સન્માન કરવાનું આયોજન કરાયું હતું.
નાદુરસ્ત તબિયત હોવા છતાંય મ્યુનિસિપાલિટીના નિમંત્રણને માન આપી સરદાર તેમની 75મી વર્ષગાંઠના દિવસે 31-10-1950ના રોજ અમદાવાદ આવ્યા હતા.
આ જન્મદિને તેમને સન્માનરૂપે મ્યુનિસિપાલિટી દ્વારા રૂપિયા 15 લાખનો ચેક આપવામાં આવ્યો હતો.
સરદારે આ ચેકને સાદર પરત કરતા કહ્યું હતું કે 'તમારા પૈસા તમારા શહેરના વિકાસ માટે અર્પણ.'
સરદારના નિર્વાણદિને તેમની અમદાવાદની છેલ્લી મુલાકાતની તસવીરી યાદગીરી.


ઇમેજ સ્રોત, Kalpit Bhachech
ઇતિહાસકાર અને સરદાર પટેલના જીવન પર સંશોધન કરનાર ડૉ. રિઝવાન કાદરી કહે છે :
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"સરદારને સન્માનવા અમદાવાદના નાગરિકો, સંસ્થાઓના યોગદાનના પગલે મ્યુનિસિપાલિટી દ્વારા સરદારનું નાગરિક સન્માન યોજાયું હતું, જેમાં તેમને સન્માનરૂપે રૂ 15 લાખ જેટલી માતબર રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો."
"ચેક સ્વીકાર્યા બાદ સરદારે માઈક હાથ લીધું અને કહ્યું કે "અમદાવાદના નગરજનોને મારા નતમસ્તક વંદન. મારા સન્માનની આ ધનરાશિ તમારા શહેરના વિકાસ માટે હું મ્યુનિસિપાલિટીને અર્પણ કરું છું."


ઇમેજ સ્રોત, Kalpit Bhachech
આટલું કહી સરદાર પટેલે ચેક મ્યુનિસિપાલિટીના પદાધિકારીને સુપ્રત કર્યો.
ડૉ.કાદરીએ ઘટનાક્રમ અંગે વધુમાં જણાવે છે, "આ પ્રસંગે સરદાર એ તેમના સંબોધનમાં એમ પણ જણાવ્યું હતું કે જો હું અમદાવાદમાં વધુ રહ્યો હોત તો આ શહેરની સુરત બદલી નાખી હોત."

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
સરદારની આ મુલાકાત અમદાવાદ અને ગુજરાતની છેલ્લી મુલાકાત પુરવાર થઈ.
આ યાત્રાના માત્ર દોઢ મહિના બાદ 15-12-1950ના રોજ અખંડ ભારતના શિલ્પી ફાની દુનિયામાંથી વિદાય લીધી.
ત્યારબદ તેમની અસ્થિયાત્રા અમદાવાદમાં નીકળી હતી, સરદાર સાહેબને અંતિમ વિદાય આપવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














