ઉર્જિત પટેલનું રાજીનામું : રિઝર્વ બૅન્ક અને મોદી સરકાર વચ્ચેની તકરાર

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી હિંદી
- પદ, નવી દિલ્હી
સરકાર અને ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઈ) વચ્ચે તણાવની ખબરો વચ્ચે RBI ગવર્નર ઉર્જિત પટેલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
ભારતની અર્થવ્યવસ્થા પાટા પર ચઢવા માટે સંઘર્ષ કરી રહી છે ત્યારે પટેલનું રાજીનામું મહત્ત્વપૂર્ણ બની રહે છે.
આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ પણ ચેતવણી આપી હતી કે જો પરિસ્થિતિમાં સુધારો ન આવ્યો તો દેશમાં આર્થિક સંકટ આવી શકે છે.
જોગાનુજોગ પટેલની સાથે ખુદ આચાર્યના રાજીનામાની પણ અફવા ઉઠી હતી. આ બધું શું અચાનક થયું? કે પછી પરિસ્થિતિ પહેલેથી વણસી રહી હતી.
વર્ષ 2018માં અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી ઘણી ઘટનાઓ એવી ઘટી કે જેનાથી હાલની પરિસ્થિતિની પૃષ્ઠભૂમિ તૈયાર થઈ છે.
એક નજર એવા જ મુદ્દાઓ પર કે જે તણાવનું કારણ બન્યા.

તમે આ વાંચ્યું કે નહીં?

આરબીઆઈની કૅશ રિઝર્વ

ઇમેજ સ્રોત, Getty Images
આર્થિક કટોકટી ઊભી થાય ત્યારે તેને પહોંચી વળવા માટે આરબીઆઈને કેટલી કૅશ રિઝર્વની જરૂર છે, તે મુદ્દો તાજેતરમાં વિખવાદનું મોટું કારણ બન્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આરબીઆઈ દર વર્ષે પોતાની પાસે રહેલી મૂડી અનામત પર સરકારને ડિવિડન્ડ ચૂકવે છે.
આરબીઆઈના ડેટા અનુસાર, બૅન્ક પાસે હાલમાં કુલ નવ લાખ 60 હજાર કરોડની કૅશ રિઝર્વ છે.
સરકાર રિઝર્વ બૅન્ક પાસેથી રૂ. ત્રણ લાખ 60 હજાર કરોડની અપેક્ષા રાખી રહી હતી.
આરબીઆઈની રિઝર્વ જુદા જુદા હેડ નીચે હોય છે, જેમ કે ફંડ, ચલણી નાણું તથા સોનાનું પુનઃમૂલ્યાંકન ખાતું અને એસેટ ડેવલપમૅન્ટ ફંડ.
પાછળથી સરકારે આ પ્રકારની કોઈ 'અપેક્ષા' હોવાનો ઇન્કાર કર્યો હતો.

વ્યાજ દર

ઇમેજ સ્રોત, HORACIO VILLALOBOS - CORBIS
એવી ચર્ચા રહી છે કે સરકાર આરબીઆઈ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો ન કરવાથી નાખુશ હતી.
આરબીઆઈએ વ્યાજદર ઓછા કરવાના બદલે વધારી દીધા હતા.
ભારતીય રિઝર્વ બૅન્ક તેને પોતાનો સર્વાધિકાર માને છે. ત્યારબાદ સરકાર અને આરબીઆઈ વચ્ચે અધિકારો મામલે ઘણી વખત મતભેદના સમાચાર આવ્યા હતા.


ડૂબેલું દેવું એટલે કે NPA

ઇમેજ સ્રોત, AFP
ફેબ્રુઆરીમાં આરબીઆઈએ એક સર્ક્યુલર બહાર પાડીને એનપીએ (નોન-પર્ફૉર્મિંગ એસેટ)ને પરિભાષિત કર્યું અને દેવું આપવાની શર્તો ફરી નક્કી કરી.
આને કારણે બંને પક્ષકારો વચ્ચેનો તણાવ વકર્યો.
સરકારને લાગ્યું કે આરબીઆઈનું બૅન્કો પ્રત્યેનું વલણ ખૂબ જ કડક છે.
સરક્યુલરના કારણે બે સરકારી બૅન્કોને બાદ કરતા બધી જ સરકારી બૅન્કની દેવું આપવાની ક્ષમતા સવાલોના ઘેરામાં આવી ગઈ.

નીરવ મોદી 'કૌભાંડ'

જ્યારે નીરવ મોદી કૌભાંડ સાથે જોડાયેલી જાણકારીઓ અને સમાચાર સામે આવ્યા તો તે જ સમયે સરકારે આરબીઆઈની નિયમન સંબંધિત નીતિઓ પર સવાલ ઉઠાવ્યા.
આ જ સમયે આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલે સરકારી બૅન્કોના નિરીક્ષણ માટે વધારે અધિકાર માગ્યા, જેથી તેમને ખાનગી બૅન્કોની સમકક્ષ લાવી શકાય.

એનબીએફસી (નોન- બૅન્કિંગ ફાઇનાન્સિયલ કંપની)

ઇમેજ સ્રોત, Reuters
આઈએલ ઍન્ડ એફએસ પોતાનું દેવું ચૂકવવામાં નિષ્ફળ રહ્યા બાદ સરકારે આરબીઆઈને નાણાંકીય સંકટ સામે ઝઝૂમી રહેલી એનબીએફસી (નોન-બૅન્કિંગ ફાયનાન્સિયલ સર્વિસિઝ)ને રાહત આપવા કહ્યું હતું.
સરકારને લાગ્યું કે આરબીઆઈએ આ દિશામાં કોઈ પગલું ઉઠાવ્યું નહીં.


નાચિકેત મોરને હટાવવા

ઇમેજ સ્રોત, PTI
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના બોર્ડ સભ્ય નાચિકેત મોરને કાર્યકાળ સમાપ્ત થવાના બે વર્ષ પહેલાં જ પદ પરથી હટાવી દેવાયા હતા.
મોરને આ અંગે કોઈ ઔપચારિક જાણકારી પણ આપવામાં આવી ન હતી. મોરે ઘણા મુદ્દાઓ પર સરકારનો વિરોધ કર્યો હતો.
એવું માનવામાં આવે છે કે આ જ કારણથી તેમને પદ પરથી હટાવી દેવાયા હતા.
મધ્યસ્થ બૅન્કના ઉચ્ચ અધિકારીઓને તેનાથી આઘાત લાગ્યો હતો.

પેમેન્ટ્સ પ્રબંધક
સરકારની પેમેન્ટ્સ માટે અલગથી પ્રબંધક સ્થાપિત કરવાના નિર્ણયનો RBIએ વિરોધ કર્યો.
આરબીઆઈએ પોતાની વેબસાઇટ પર એક નોટ જાહેર કરી તેનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
જોકે, સરકારે કહ્યું હતું કે તેઓ RBIના ક્ષેત્રાધિકારમાં દખલગીરી કરતી નથી.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












