હું અભિનેત્રીઓને મોટી કરુ છું, તેઓ લગ્ન કરી જતી રહે છે : શાહરુખ ખાન

શાહરુખ ખાન

ઇમેજ સ્રોત, SPICE PR

    • લેેખક, સુપ્રિયા સોગલે
    • પદ, મુંબઈથી બીબીસી સંવાદદાતા

બોલીવૂડ અભિનેતા શાહરુખ ખાન શુક્રવારે 53 વર્ષના થયા. આ તકે તેમણે પોતાની આગામી ફિલ્મ 'ઝીરો'નું ટ્રેલર લૉન્ચ કર્યું.

આ ફિલ્મમાં મેરઠની પટકથા છે. ફિલ્મમાં શાહરુખ ખાને બઉવા સિંહનું પાત્ર ભજવ્યું છે.

શાહરુખ પ્રતિવર્ષ તેમના જન્મદિને પત્રકારો સાથે પોતાના ઘર 'મન્નત'માં ઉજવણી કરે છે. આ વર્ષે પણ તેમણે આ રિવાજ જાળવી રાખ્યો હતો.

શાહરુખના ઘર 'મન્નત' બહાર સવારથી જ હજારોની સંખ્યામાં તેમનાં સમર્થકો ઉપસ્થિત હતાં.

શાહરુખે પોતાના ચાહકોને નિરાશ ન કર્યાં, તેમણે ઘરની બાલ્કનીમાંથી તેમના ચાહકોનું અભિવાદન સ્વીકાર્યુ હતું.

line

ઠિંગુજીનું પાત્ર

ફિલ્મ ઝીરોના એક પોસ્ટરમાં શાહરુખ-અનુષ્કા

ઇમેજ સ્રોત, SPICE PR

ઇમેજ કૅપ્શન, ફિલ્મ ઝીરોના એક પોસ્ટરમાં શાહરુખ-અનુષ્કા

'ઝીરો' ફિલ્મના ટ્રેલર લૉન્ચ સમયે અનુષ્કા શર્મા, કેટરીના કૈફ અને દિગ્દર્શક આનંદ એલ રાય પણ ઉપસ્થિત હતા. આ ફિલ્મમાં શાહરુખ ખાન એક ઠિંગુજીના પાત્રમાં જોવા મળશે.

આ દરમિયાન શાહરુખે કહ્યું કે સમાજમાં લોકોને એમના કદ, રંગ-રૂપને લીધે ભેદભાવ સહેવો પડે છે.

એમનું કહેવું છે કે આજના સમયમાં ઘણા બધા લોકો ટીકા કરનારા બની ગયા છે.

શાહરુખ ખાન પોતાનું ઉદાહરણ આપતા કહે છે, ''જયારે હું મુંબઈ આવ્યો હતો ત્યારે મને માત્ર અભિનયનો શોખ હતો.''

''હું તેજસ્વી નહોતો જેમ કે સચિન તેંડુલકર, વિરાટ કોહલી રમતમાં છે. દિલીપ સાહેબ અને બહુ મોટા દિગ્ગજ કલાકારો અભિનયમાં તેજસ્વી રહ્યા છે.''

''હું એમના જેવો નહોતો પણ મને અભિનયનો શોખ હતો. લોકોએ મને કહ્યું કે તમારી નાક ખરાબ છે, તમે એટલા લાંબા પણ નથી, બહુ ઝડપથી વાત કરો છો, ઘઉંવર્ણા રંગના છો, તમે હીરો નહીં બની શકો.''

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

શાહરુખે પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતા કહ્યું, ''જે પણ મોટી વ્યક્તિને હું જાણતો હતો એમણે મારામાં કોઈ ને કોઈ ખામી જરૂર કાઢી.''

''હું કહેતો હતો કે મને અભિનયનો શોખ છે, જેને હું મારી નથી શકતો અને એ હું કરતો રહીશ.''

''મને દિલથી પ્રેરણા મળી રહી છે કે હું અભિનય તો જરૂરથી કરીશ. ઠીક છે જો હું હીરો જેવો નથી દેખાતો પરંતુ કંઈકને ને કંઈક તો કરી જ લઈશ.''

બોલીવૂડમાં 25 વર્ષો પૂરા કરી ચૂકેલા શાહરુખ ખાન હવે 'કિંગ ઑફ રોમાન્સ' તરીકે ઓળખાય છે.

એમની ઇચ્છા છે કે લોકો ટીકા કરવાને બદલે દરેક વસ્તુમાં કંઈક સારું જોવાના પ્રયત્ન કરે.

ઝીરો ફિલ્મમાં શાહરુખની સાથે કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા પણ દેખાશે.

બંને અભિનેત્રીઓ સાથે શાહરુખ ખાને પહેલાં પણ ફિલ્મો કરી છે.

શાહરુખ ખાને કહ્યું કે અનુષ્કા શર્માથી એમણે ઇમાનદારી શીખી છે અને કેટરીનાથી ક્ષમાભાવ.

line

અનુષ્કા-કેટરીના સાથે જોડી

ફિલ્મ ઝીરોના એક પોસ્ટરમાં શાહરુખ-કેટરીના-અનુષ્કા

ઇમેજ સ્રોત, SPICE PR

ઇમેજ કૅપ્શન, ફિલ્મ ઝીરોના એક પોસ્ટરમાં શાહરુખ-કેટરીના-અનુષ્કા

અનુષ્કા શર્માએ શાહરુખને જન્મદિવસની શુભકામના આપતા કહ્યું, ''મેં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 10 વર્ષો પુરાં કરી લીધાં છે.''

''10 વર્ષો પહેલાં શાહરુખ ખાન સાથે જ મારી પહેલી ફિલ્મ 'રબ ને બના દી જોડી' થી શરૂઆત કરી હતી અને હવે 'ઝીરો' રિલીઝ થશે.''

અનુષ્કાનું માનવું છે, ''ઝીરો માં એમનું પાત્ર એમના બધા જ મુશ્કેલ પાત્રોમાંથી એક રહ્યું છે કેમકે એ આમાં તે વિકલાંગ છોકરીનું પાત્ર ભજવી રહી છે.''

અનુષ્કાએ કહ્યું કે ફિલ્મના શૂટિંગ દરમિયાન એ ખૂબ જ દબાણ અનુભવતી હતી અને ઘણી વખત એમનો આત્મવિશ્વાસ પણ ડગમગતો હતો.

જીવનમાં એ ખૂબ જ ચંચળ છે અને આ પાત્ર માટે એમને વ્હીલચેર પર બેસીને જ બધા હાવભાવ આપવાના હતા.

કેટરીના કૈફ માટે પણ આ ફિલ્મ ખાસ છે. આમાં એ એક સ્ટારનું પાત્ર નિભાવી રહ્યાં છે જેની પોતાની ભાવનાત્મક મુશ્કેલીઓ છે.

line

અભિનેત્રીઓનાં લગ્ન વિશે શાહરુખે શું કહ્યું?

ફિલ્મ ઝીરોના એક પોસ્ટરમાં શાહરુખ-કેટરીના

ઇમેજ સ્રોત, SPICE PR

ઇમેજ કૅપ્શન, ફિલ્મ ઝીરોના એક પોસ્ટરમાં શાહરુખ-કેટરીના

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રીઓનાં લગ્નો અંગેના એક સવાલના જવાબમાં શાહરૂખે કહ્યું, ''જયારે હું નવો હતો ત્યારે શ્રીદેવીજી, માધુરી જેમણે મારી ખૂબ મદદ કરી એમનાં લગ્ન થઈ ગયાં.''

''એ પછી બીજી પેઢીનાં લગ્નો થયાં. હવે આ ત્રીજી પેઢીની અભિનેત્રીઓ છે જેમની સાથે મેં કામ કર્યું અને હવે એમનાં લગ્ન થઈ રહ્યાં છે.''

''હું ખૂબ જ ભાવુક થઈ જાઉ છું. મારી શુભકામનાઓ દીપિકા અને રણવીર સાથે છે, જેમનાં લગ્ન જલ્દી જ થવાનાં છે.''

''જેટલી ખુશીઓ મારા લગ્નજીવનમાં છે, એમને પણ એટલી ખુશીઓ મળે. દીપિકા અને અનુષ્કાએ મારી સાથે કારકિર્દીની શરૂઆત કરેલી.''

''મને એવું લાગે છે કે હું એમને ઉછેરીને મોટી કરું છું અને પછી એ લગ્ન કરીને જતી રહે છે.''

શાહરુખ ખાન, કેટરીના કૈફ અને અનુષ્કા શર્માની જોડી આ પહેલાં યશ ચોપડાની છેલ્લી ફિલ્મ 'જબ તક હૈ જાન' માં જોવા મળ હતી.

આનંદ એલ રાય દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'ઝીરો' 21 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો