BBC TOP NEWS: કન્હૈયા કુમાર બિહારમાંથી લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમારને લોકસભાની ચૂંટણી દરમિયાન બિહારની બેગુસરાઈ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવે તેવી શક્યતા છે.

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, મૂળ બેગુસરાઈના કુમારે ચૂંટણી લડવા માટેની તૈયારી દાખવી છે.

તેમણે કહ્યું, "જો મારી પાર્ટી (કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા) મને બેગુસરાઈની બેઠક પરથી ઉમેદવાર બનાવે અને મહાગઠબંધનના સભ્યો મને ટેકો આપે તો મને કોઈ વાંધો નથી."

કુમારે ઉમેર્યું હતું કે આ અંગે 'પાર્ટી કે મહાગઠબંધન' સ્તરે કોઈ ચર્ચા નથી થઈ. પરંતુ કુમારને કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ તથા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો ટેકો મળે તેવી શક્યતા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

બિહાર સીપીઆઈના મહાસચિવ સત્ય નારાયણ સિંહના કહેવા પ્રમાણે, કન્હૈયા કુમારના સમર્થનમાં બેઠક ખાલી કરવાની તૈયારી રાજદ સુપ્રીમો લાલુપ્રસાદ યાદવે આપી છે. હાલમાં આ બેઠક ભાજપ પાસે છે.

ઉલ્લેખનીય છે કે કન્હૈયા કુમાર પર જેએનયુમાં રાષ્ટ્રવિરોધી નારેબાજી કરવાનો આરોપ છે.

આ માટે તેમને જેલવાસ ભોગવવો પડ્યો હતો તથા તેમની સામે કેસ ચાલી રહ્યો છે.

યુપી : ભારે વરસાદથી 16નાં મૃત્યુ

છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા ભારે વરસાદ તથા વીજળી પડવાને કારણે ઉત્તર પ્રદેશમાં 16 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 12 અન્ય ઘાયલ થયાં છે.

ખબર એનડીટીવીના અહેવાલ મુજબ, શાહજહાંપુરમાં છ, સીતાપુરમાં ત્રણ, અમેઠીમાં બે, ઔરૈયામાં બે ઉપરાંત લખીમપુર ખીરી, રાયબરેલી અને ઉન્નાવમાં એક-એક વ્યક્તિનાં મૃત્યુ થયાં છે.

હવામાન ખાતાની આગાહી પ્રમાણે, આગામી 24 કલાક દરમિયાન યુપીના અનેક વિસ્તારોમાં 'ભારેથી અતિભારે' વરસાદ પડે તેવી શક્યતા છે.

કેન્દ્રીય જળ આયોગના અહેવાલ પ્રમાણે, ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે ગંગા, ઘાઘરા, શારદા તથા રામગંગા ઉપરાંત અનેક નદીઓનાં જળસ્તર જોખમી સ્તરે કે તેની નજીક પહોંચી ગયા છે.

કાનપુર તથા બલિયામાં ગંગા નદી જોખમના સ્તરની નજીક પહોંચી ગઈ છે, જ્યારે ફરુખાબાદ તથા નરૌરામાં જોખમના સ્તરની ઉપર વહી રહી છે.

નાના-લઘુ ઉદ્યોગોનું NPA વધ્યું

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, નોટબંધી તથા ગુડ્સ ઍન્ડ સર્વિસિઝ ટેક્સને કારણે નાના અને લઘુ ઉદ્યોગોને ભારે ફટકો પડ્યો છે, જેના કારણે તેઓ લૉન નથી ચૂકવી શકતા.

અખબાર રાઇટ ટુ ઇન્ફોર્મેશન હેઠળ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા પાસેથી માગેલી માહિતી મુજબ લૉન ડિફોલ્ટ બે ગણી વધી છે.

માર્ચ 2017માં નોન પરફૉર્મિંગ ઍસેટ્સ રૂ. 8,249 કરોડ હતી, જે માર્ચ 2018માં રૂ. 16,118 કરોડ પર પહોંચી ગઈ હતી.

આવી જ રીતે રૂ. 25 લાખથી વધુ અને પાંચ કરોડથી ઓછું રોકાણ ધરાવતા ઉદ્યોગોની એનપીએ રૂ. 82,382 કરોડથી વધીને માર્ચ 2018માં 98,500 કરોડ પર પહોંચી ગઈ છે.

લગભગ બે અઠવાડિયા પહેલાં બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં આરબીઆઈએ સ્વીકાર્યું હતું કે નોટબંધી તથા જીએસટીને કારણે લઘુ તેમજ નાના ઉદ્યોગોને ભારે ફટકો પડ્યો છે.

ગુજરાતમાં 72.44 ટકા વરસાદ

ગુજરાતી અખબાર સંદેશના અહેવાલ પ્રમાણે, ગુજરાતમાં મોસમનો સરેરાશ 72.44 ટકા વરસાદ પડી ગયો છે.

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 92.61 ટકા અને કચ્છમાં સૌથી ઓછો 26.12 ટકા વરસાદ પડ્યો છે.

રાજ્યના 203 જળાશયોમાં કુલ 51.58 ટકા જળસંગ્રહ થયો છે.

સરદાર સરોવર ડેમની સપાટી 122 મીટરના વિક્રમજનક આંકને પાર કરી ગઈ છે.

ડેમમાં એક લાખ 87 હજાર મિલિયન ક્યૂબિક ફૂટ જળસંગ્રહ થયો છે, જે તેની કુલ ક્ષમતાના 55.99 ટકા છે.

કોલકત્તામાં 'ખોદ્યો ડૂંગર, નીકળ્યો ઉંદર'

રવિવારે અમુક કલાકો માટે કોલકતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી.

શહેરના એક ખાલી પ્લૉટમાંથી 14 નવજાત બાળકોના મૃતદેહ મળી આવ્યા હોવાના અહેવાલ વહેતા થયા હતા અને મેયરે તેની પુષ્ટિ પણ કરી હતી.

હરિદેવપુરના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ નિલાંજન બિશ્વાસને ટાંકતા એનડીટીવી લખે છે :

"જ્યારે તબીબોએ પ્લાસ્ટિકની બેગ્સમાં રહેલાં પેકેટ્સ ખોલ્યાં ત્યારે તેમાંથી 'હ્યુમન ટિશ્યૂ' મળ્યાં ન હતાં, છતાં મળી આવેલી વસ્તુઓને ફોરેન્સિક તપાસાર્થે મોકલી દેવાઈ છે."

આ પહેલાં કોલકતાના મેયર સોવન ચેટરજીએ કથિત ક્રાઇમ-સીનની મુલાકાત લીધી હતી અને 14 નવજાત બાળકોના મૃતદેહો મળ્યા હોવાની વાત કહી હતી.

પોલીસની સ્પષ્ટતા બાદ મેયરની પ્રતિક્રિયા મેળવવા માટે પ્રયાસ હાથ ધરાયા હતા પરંતુ સફળતા મળી ન હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો