You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉમર ખાલિદ : 'જ્યારે તેણે મારી તરફ ગન તાકી'
- લેેખક, ફૈઝલ મોહમ્મદ અલી
- પદ, બીબીસી સંવાદદાતા
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનના પૂર્વ નેતા ઉમર ખાલિદ પર ગોળીબાર થયો છે, જેમાં તેમનો આબાદ બચાવ થયો છે.
મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, ખાલિદ નવી દિલ્હીના કૉન્સ્ટિટ્યૂશન ક્લબની બહાર હતા ત્યારે બે શખ્સોએ તેમની ઉપર ફાયરિંગ કર્યું હતું.
આ ક્લબ દિલ્હીના રફી માર્ગ પર આવેલું છે. પાસે જ સંસદ ભવન આવેલું છે એટલે આ વિસ્તારને દિલ્હીના સુરક્ષિત વિસ્તારોમાંથી એક માનવામાં આવે છે.
ઉમર ખાલીદ કૉન્સ્ટિટ્યૂશન ક્લબ ખાતે ' Towards a Freedom Without F ear ' કાર્યક્રમમાં ભાગ લેવાના હતા.
'હું ડરી ગયો'
પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે, સફેદ શર્ટ પહેરેલા શખ્સે ઉમર ખાલિદને ધક્કો મારીને ફાયરિંગ કર્યું હતું. ઉમર પડી ગયા હોવાથી ગોળી તેમને વાગી ન હતી.
હુમલા બાદ ખાલિદે ક્વિન્ટને કહ્યું હતું, "જ્યારે તેણે મારી તરફ ગન તાકી તો હું ખૂબ જ ડરી ગયો હતો. ગૌરી લંકેશ સાથે જે કાંઈ થયું હતું, તે મને યાદ આવી ગયું."
આ અંગે દિલ્હી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી સંવાદદાતા ફૈઝલ મોહમ્મદ સાથે વાતચીતમાં દિલ્હી પોલીસના જેસીપી (જોઇન્ટ કમિશનર ઑફ પોલીસ) અજય ચૌધરી સાથે વાત કરી હતી. જેમાં ચૌધરીએ જણાવ્યું :
"પોલીસને ઘટનાસ્થળેથી પિસ્તોલ મળી આવી છે. કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું હતું, તે અંગે તપાસ ચાલુ છે."
હુમલા સમયે ખાલિદ સૈફઈ પણ ઉમર ખાલિદ સાથે હતા. તેમણે કહ્યું કે બે રાઉન્ડ ફાયરિંગ થયું હતું. કોઈકે પાછળથી ઉમરને પકડવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે અન્ય સાથીઓએ દરમિયાનગીરી કરી હતી. ઉમર ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
કોણ છે ઉમર ખાલિદ?
તા. નવમી ફેબ્રુઆરીના દિવસે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં કથિત રીતે ભારત-વિરોધી સૂત્રોચ્ચાર થયા હતા.
સંસદ પર હુમલાના ગુનેગાર અફઝલ ગુરુને ફાંસી આપવાના વિરોધમાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું.
ત્યારબાદ એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું.
આ સમિતિએ ઉમર ખાલિદ તથા અનિર્બાન ભટ્ટાચાર્યને યુનિવર્સિટીમાંથી હાંકી કાઢવાના આદેશ આપ્યા હતા.
એ સમયે ખાલિદ પીએચડીના છેલ્લા વર્ષમાં હતા. હાઈકોર્ટના આદેશ બાદ યુનિવર્સિટીએ બંને વિદ્યાર્થીના સંશોધનપત્ર સ્વીકાર્યા હતા.
ખાલિદે દેશવિરોધી નારેબાજીના આરોપોને નકાર્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો