મરીના બીચ ખાતે રાજકીય સન્માન સાથે થઈ કરુણાનિધિની દફનવિધિ

ઇમેજ સ્રોત, Getty Images
બુધવારે સાંજે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે ડીએમકેના અધ્યક્ષ તથા પૂર્વ મુખ્ય મંત્રી એમ. કરુણાનિધિની ચેન્નાઈના મરીના બીચ ખાતે દફનવિધિ કરવામાં આવી હતી.
રાજાજી હોલ ખાતેથી તેમનો પાર્થિવદેહ અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો, જ્યાંથી તેમની અંતિમયાત્રા શરૂ થઈ હતી.
કરુણાનિધિને અંતિમ વિદાય આપવા લોકો મોટી સંખ્યામાં ચેન્નાઈના રાજાજી હોલ ખાતે પહોંચ્યાં હતાં.
લોકોની ભારે ભીડને કારણે ત્યાં નાસભાગ મચી હતી, જેમાં બે વ્યક્તિનાં મૃત્યુ થયાં છે, જ્યારે 41 અન્યને ઇજા પહોંચી છે.
આ પહેલા કરુણાનિધિના અંતિમ વિશ્રામસ્થળની જગ્યા અંગે ઊભો થયેલો વિવાદ હાઈ કોર્ટના ચુકાદા બાદ ઉકેલાયો હતો.

મરીના બીચ ખાતે અંતિમ વિશ્રામ

ઇમેજ સ્રોત, Getty Images
બુધવારે સવારે મદ્રાસ હાઈ કોર્ટે કરુણાનિધિને મરીના બીચ પર દફનાવવાની પરવાનગી આપી દીધી છે.
તામિલનાડુના આ દિગ્ગજ નેતાના નિધન બાદ તેમના પરિવાર અને સમર્થકોની માંગણી હતી કે, તેમને ચેન્નઈના મરીના બીચ ખાતે દફનાવવામાં આવે, પરંતુ તામિનાડુ સરકારે એ માંગળી સ્વીકારી નહોતી.
જેને કારણે સમગ્ર વિવાદ હાઈ કોર્ટ સુધી પહોંચ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડીએમકેની માંગણી હતી જે મરીના બીચ ખાતે તામિલનાડુનાં પૂર્વ મુખ્ય મંત્રી જે. જયલલિતાને સમાધિ આપવામાં આવી હતી, તે સ્થળે જ કરુણાનિધિને અંતિમ વિશ્રામસ્થળ ફાળવવામાં આવે.
આ અંગે ડીએમકે દ્વારા ઔપચારિક રીતે મુખ્યમંત્રીને વિનંતી કરવામાં આવી હતી, જેને રાજ્ય સરકારે નકારી કાઢી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?

આ સંદર્ભે રાજય સરકાર દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. રાજ્યના મુખ્ય સચિવ ગિરિજા વૈદ્યનાથનના કહેવા પ્રમાણે, મુખ્યમંત્રીનું કહેવું હતું કે મરીનાના દરિયા કિનારે સમાધિસ્થળોનો કેસ હાઈ કોર્ટમાં છે.
આથી ડીએમકે એ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને માંગ કરી હતી કે કરુણાનિધિને મરીના બીચ ખાતે દફન કરવાની મંજૂરી આપવામાં આવે.
કરુણાનિધિના પુત્ર એમ. કે. સ્ટાલિન, એમ. કે. અલ્લાગિરિ તથા પુત્રી કનિમોડી ઇચ્છે છે કે અન્ના દુરૈની સમાધિની પાસે જ તેમને અંતિમવિશ્રામ આપવામાં આવે.

કેમ છે મરીના બીચ ખાસ?
કોઈ પણ રાજ્ય કે દરિયાકાંઠાના શહેર માટે તેનો બીચ તે શહેરના લોકો માટે ફરવાનું સ્થળ તો હોય જ છે.
જોકે, તામીલનાડુના રાજકારણમાં ચેન્નઈના મરીના બીચનું સ્થાન મહત્ત્વનું છે કારણ કે અહીં જ મોટે ભાગે વિવિધ રાજકીય મુદ્દા બાબતે દેખાવો અને વિરોધ પ્રદર્શનો થાય છે.

આ ઉપરાંત રાજ્યના લોકો પર ઊંડી છાપ છોડી જનારા રાજકીય નેતાઓના અવસાન બાદ તેમની સમાધિ પણ અહીં જ બનેલી જોવા મળે છે.
કરુણાનિધિનો પરિવાર અન્નાદુરૈને તેમનો ગુરુ માનતો હતો. અન્નાને મરીના બીચ ખાતે સમાધિ આપવામાં આવી છે.
આ માટે એવો તર્ક આપવામાં આવી રહ્યો છે કે મરીના બીચ ખાતે કોઈ ભૂતપૂર્વ મુખ્ય મંત્રીને અંતિમવિશ્રામ આપવામાં નથી આવ્યો.

હાલમાં ત્યાં જે ત્રણ મુખ્ય મંત્રીઓનાં સમાધિસ્થળ આવેલાં છે, તે મુખ્ય મંત્રી હતાં ત્યારે અવસાન થયું હતું.
ઉલ્લેખનીય છે કે અન્નાદુરૈ, એમ.જી. રામચંદ્રન તથા જયલલિતાના સમાધિસ્થળ અહીં છે.
રાજ્ય સરકારનું કહેવું છે કે પૂર્વ મુખ્ય પ્રધાન કામરાજ તથા રાજાજીની સમાધિ પણ ગાંધી મંડપમ પાસે છે.
ત્યાં બે એકર જગ્યા ફાળવવા માટે સરકાર તૈયાર છે, પરંતુ ડીએમકે ઇચ્છતી હતી કે દ્રવિડ નેતાઓની પાસે જ કરુણાનિધિની સમાધિ માટે જગ્યા આપવામાં આવે.

ઇમેજ સ્રોત, Getty Images
તામિલનાડુના મુખ્ય મંત્રીનું કહેવું છે કે મરીના બીચ ખાતે નેતાઓની સમાધિ બનાવવા સંદર્ભે હાઈકોર્ટમાં ત્રણ જાહેર હિતની અરજીઓ દાખલ કરવામાં આવી છે.
અહીં સમાધિસ્થળ બનાવવામાં આવે તો 'કૉસ્ટલ રૅગ્યુલેશન ઝોન રુલ્સ'નો ભંગ થશે. મુખ્યમંત્રીને લાગે છે કે જો ત્યાં સમાધિસ્થળ બનાવવામાં આવે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાશે.

શા માટે દફનવિધિ ?

જયલલિતાનાં નિધન સમયે સવાલ ઊભો થયો હતો કે તેઓ બ્રાહ્મણ હતાં, તો પણ શા માટે તેમનાં અગ્નિસંસ્કાર કરવામાં ન આવ્યા?
એ સમયે મદ્રાસ યુનિવર્સિટીના તામિત ભાષા-સાહિત્યના નિવૃત્ત પ્રો. ડૉ. વી. આરસૂએ બીબીસીને જણાવ્યું હતું, જયલિતા દ્રવિડ ચળવળ સાથે જોડાયેલાં હતાં.
દ્રવિડ આંદોલન કોઈ બ્રાહ્મણવાદી કે હિંદુવાદી પરંપરા કે રિવાજોને માનતા નથી.
જયલલિતા દ્રવિડ પાર્ટી (ઑલ ઇન્ડિયા અન્ના દ્રમૂક કઝગમ્)ના વડાં હતાં, કરુણાનિધિ પણ આ આંદોલન સાથે જ સંકળાયેલા હતા.
ડૉ. વી. આરસૂએ જણાવ્યું હતું કે સામાન્ય હિંદુ પરંપરાથી વિપરિત દ્રવિડ ચળવળ સાથે સંકળાયેલાં લોકો તેમની જાતિસૂચક અટકનો ઉપયોગ નથી કરતા.
જયલલિતા પહેલાં એમ.જી. રામચંદ્રનને પણ દફનાવવામાં આવ્યા હતા. તેમના સમાધિસ્થળની પાસે જ દ્રવિડ આંદોલનના દિગ્ગજ નેતા તથા ડીએમકેના સ્થાપક અન્નાદુરૈનું સમાધિસ્થળ આવેલું છે. તેઓ દ્રવિડ મુખ્ય મંત્રી હતા.
એમ. જી. આર. ડીએમકે (દ્રવિડ મુનેત્ર કઝગમ્)માં જ હતા, પરંતુ અન્નાદુરૈના નિધન બાદ કરુણાનિધિને કમાન સોંપવામાં આવી હતી. તેના અમુક વર્ષો બાદ રામચંદ્રને ડીએમકે સાથે છેડો ફાડી નાખ્યો અને એઆઈએડીએમકેનો પાયો નાખ્યો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












