BBC TOP NEWS: 100ની નવી નોટ ATMમાં નાખવા 1 અબજ રૂપિયાનો ખર્ચ થશે

ઇમેજ સ્રોત, AFP
એટીએમ ઑપરેશન્સ (એટીએમમાં પૈસા નાંખવા સંબંધિત કામગીરી) સાથે સંકળાયેલી ઇન્ડસ્ટ્રીઝ અનુસાર આરબીઆઈ દ્વારા લાવવામાં આવનારી 100 રૂપિયાની નવી નોટ માટે એટીએમને અપગ્રેડ કરવા પાછળ 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડશે.
'હિન્દુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર દેશના 2.4 લાખ એટીએમ મશીનોને આ માટે કેલિબ્રેટ કરવા પડશે.
આ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા નિષ્ણાતોનું માનવું છે કે 200 રૂપિયાની નવી નોટ માટે મશીનો રિકેલિબ્રેટ કરવાનું કામ હજુ માંડ પૂર્ણ થવા આવ્યું છે, ત્યારે ફરીથી 100 રૂપિયા માટે મશીનોને અપગ્રેડ કરવું કઠિન રહેશે.
અહેવાલમાં જણાવાયું છે કે નવી અને જૂની બન્ને નોટ માટે એટીએમને સક્ષમ બનાવવું સૌથી મોટો પડકાર છે.
એફઆઈએસ કંપનીના એટીએમ સંબંધિત બાબતોના મેનેજિંગ ડિરેક્ટર રાધા રામા દોરાઈ અનુસાર જો નવી નોટની સપ્લાય પૂરતા પ્રમાણમાં નહીં હશે, તો જૂની નોટની અછત દૂર કરવામાં સમસ્યા સર્જાશે.
આ કારણે એટીએમમાંથી 100 રૂપિયાની નોટ નીકળવાની પ્રક્રિયામાં વિક્ષેપ સર્જાશે.
આપને આ પણ વાંચવું ગમશે

ગુજરાત ભાજપના પૂર્વ ઉપ-પ્રમુખ સામે દુષ્કર્મનો ગુનો દાખલ
ગુજરાતના ભાજપના પૂર્વ ઉપ-પ્રમુખ જયંતી ભાનુશાળી સામે યુવતીએ દુષ્કર્મની ફરિયાદ કરતા તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર બળાત્કાર, અપહરણ અને ધમકી સહિતના ગુનાની કલમો લગાડવામાં આવી છે.
અહેવાલ અનુસાર 21 વર્ષીય યુવતીએ શુક્રવારે પોલીસ અધિકારી સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું.
વળી યુવતી સીઆરપીસી 164 હેઠળ ન્યાયાધિશ સમક્ષ નિવેદન નોંધાવવા પણ સંમત હોવાનું તેમાં જણાવાયું છે.
અત્રે નોંધવું રહ્યું કે સુરતની યુવતીએ જયંતી ભાનુશાળી પર ફૅશન ડિઝાઇનિંગમાં ઍડમિશન અપાવવા મદદ કરવાનું કહીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે.

અમેરિકા ચીનની વસ્તુઓ પર 505 અબજ ડૉલરની ડ્યૂટી લાદશે?

ઇમેજ સ્રોત, Getty Images
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ચીનની તમામ આયાતી 505 અબજ ડૉલરની ચીજવસ્તુઓ પર આયાત જકાત લાદવા માટે ધમકી આપી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલે કડક વલણ અપનાવતા કહ્યું કે જો જરૂર પડશે તો અમેરિકા ચીનમાંથી આયાત થતી તમામ વસ્તુઓ પર આયાત ડ્યૂટી લાગુ કરશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે વર્ષ 2017માં ચીનમાંથી 505 અબજ ડૉલર(લગભગ 34,79,478 કરોડ રૂપિયા)ની વસ્તુઓ આયાત થઈ હતી.
અહેવાલમાં ટ્રમ્પને ટાંકીને કહેવાયું છે કે, "ચીન અમને લાંબા સમયથી લૂંટી રહ્યું છે. હું ચીનની તમામ આયાત પર શુલ્ક લગાવવા માટે તૈયાર છું."

વન-ડેમાં બેવડી સદી કરનાર પ્રથમ પાકિસ્તાની બેટ્સમેન
'એનડીટીવી'ના અહેવાલ અનુસાર પાકિસ્તાનના બેટ્સમેન ફખર ઝમાન વન-ડેમાં બેવડી સદી ફટકારનારા પ્રથમ પાકિસ્તાની બેટ્સમેન બન્યા છે.
સાથે જ તે બેવડી સદી ફટકારનાર વિશ્વના છઠ્ઠા બેટ્સમેન બની ગયા છે.
ઝિમ્બાબ્વે સામેની મેચમાં ફખર ઝમાને અણનમ 210 રનની ઇનિંગ રમી હતી.
ઝમાને 156 બૉલમાં 24 ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે 210 રન ફટકાર્યા હતા.
પાકિસ્તાને આ મેચ 244 રનથી જીતી લીધી હતી.

હરિયાણા : 40 વ્યક્તિઓએ બળાત્કાર કર્યાની મહિલાની ફરિયાદ

'સ્ક્રોલ' ન્યૂઝ વેબસાઇટના અહેવાલ અનુસાર હરિયાણાના પંચકૂલામાં એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે 40 વ્યક્તિએ તેની સાથે દુષ્કર્મ આચર્યું.
આ મામલે ત્રણની ધરપકડ કરવામાં આવી છે.
મહિલાનો આરોપ છે કે તે નોકરી માટે બહાર નીકળી હતી અને તેને ચાર દિવસ સુધી ગેસ્ટ હાઉસમાં બંધક રાખવામાં આવી.
આ દરમિયાન તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું.
મહિલાએ આરોપી વિશે એવું પણ કહ્યું કે તેમાંથી એક વ્યક્તિને તેમના પતિ ઓળખતા હતા અને ગેસ્ટ હાઉસમાં નોકરી અપાવવાની વાત થઈ હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












