You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Top News: PNB કૌભાંડમાં આરોપી નીરવ મોદીની બ્રિટનમાં આશ્રય માટે અરજી
બ્રિટિશ અખબાર 'ફાઈનૅન્શિયલ ટાઇમ્સ'માં દાવો કરાયો છે કે પંજાબ નૅશનલ બૅન્કના મુખ્ય આરોપી નીરવ મોદીએ બ્રિટનમાં રાજ્યાશ્રય માગ્યો છે.
અખબારી અહેવાલમાં જણાવ્યું છે કે ભારત અને બ્રિટનના અધિકારીઓએ હીરા વેપારી નીરવ મોદી બ્રિટનમાં હોવાની સ્પષ્ટતા કરી છે.
લંડનમાં તેમનો એક સ્ટોર છે અને હાલ તે લંડનમાં જ હોવાનું આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
આ અહેવાલ અનુસાર નીરવ મોદીએ રાજ્યાશ્રય માગવા પાછળનું કારણ ભારતમાં તેમની સાથે રાજકીય દમન થઈ રહ્યું હોવાનું જણાવ્યું છે.
નોંધનીય છે કે 13 હજાર કરોડ રૂપિયાથી પણ વધુના પીએનબી કૌભાંડમાં નીરવ મોદી મુખ્ય આરોપી છે.
ભારતના આ સૌથી મોટા બૅન્ક કૌભાંડમાં વૉન્ટેડ નીરવ મોદી ફેબ્રુઆરી મહિનાથી ગુમ છે અને ભારતીય તપાસ સંસ્થાઓ તેમને શોધી રહી છે.
ઉચ્ચ પદો માટે સરકારની જાહેરાતે વિરોધ સર્જ્યો
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલમાં જણાવાયું છે કે કેન્દ્ર દ્વારા સરકારના ઉચ્ચ પદો પર 'પ્રતિભાશાળી અને અને પ્રેરિત નાગરિકો'ની ભરતી માટે 'લૅટરલ ઍન્ટ્રી' માટે અપાયેલી જાહેરાતથી વિવાદ થયો છે.
સરકારનાં આ નિર્ણયને વિરોધ પક્ષે 'ગેરબંધારણીય' અને 'વ્યવસ્થાનો તોડી પાડનારો' ગણાવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું તમે આ વાંચ્યું?
કોંગ્રેસના પ્રવક્તા પી.એલ પુનિયાએ આરોપ લગાવ્યો છે કે આવી રીતે વ્યવસ્થા તંત્રને તોડી આરએસએસ-ભાજપ અને કેટલાંક કૉર્પોરેટ હાઉસીઝ દ્વારા સરકારને અંદરથી જ પ્રભાવિત કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
નોંધનીય છે કે કેન્દ્ર સરકારે રવિવારે એક જાહેરાત આપી હતી. જેમા 'શ્રેષ્ઠ પ્રતિભા' પાસેથી સરકારના ઉચ્ચ પદો માટે વગર પરીક્ષાએ અરજીઓ મંગાવવામાં આવી છે.
સુનિલ છેત્રીએ કરી લાયોનલ મેસીની બરોબરી
બીબીસી હિંદી સેવાના એક અહેવાલ અનુસાર ભારતીય ફુટબૉલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રીએ રવિવારે યોજાયેલી 'ઇન્ટરકૉન્ટિનેન્ટલ કપ'ની ફાઇનલ મેચમાં કેન્યા વિરુદ્ધ બે ગોલ ફટકારી આર્જેન્ટિનાના દિગ્ગજ ફુટબૉલર લાયોનલ મેસીના 64 ગોલની બરોબરી કરી લીધી છે.
અંતિમ મુકાબલામાં બન્ને ગોલ પ્રથમ હાફમાં જ નોંધાયા અને એ રીતે ભારતે કેન્યાને 2-0થી હરાવી 'ઇન્ટરકૉન્ટિનેન્ટલ ફુટબૉલ કપ' જીતી લીધો.
અહેવાલમાં જણાવાયું છે કે છેત્રી અને મેસી આંતરરાષ્ટ્રીય ફુટબૉલમાં સક્રિય ખેલાડીઓમાં સૌથી વધુ ગોલ કરવા બાબતે સંયુક્ત રૂપે બીજા સ્થાને છે.
સક્રિય ફુટબૉલર્સમાં સૌથી વધુ ગોલ કરવાનો વિક્રમ પોર્ટુગલના ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નામે છે. જેમણે 150 આંતરરાષ્ટ્રીય મેચોમાં 81 ગોલ ફટકાર્યા છે.
ગુજરાતમાં 24 કલાકમાં અકસ્માતે 17નાં મોત
'દિવ્ય ભાસ્કર'ના એક અહેવાલ અનુસાર ગુજરાતમાં શનિવારથી રવિવાર વચ્ચેના 24 કલાક દરમિયાન વિવિધ અકસ્માતોમાં 17 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે 51 લોકો ઘવાયા હતા.
અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે સુરત, રાજકોટ, જૂનાગઢમાં થયેલા માર્ગ અકસ્માતમાં 12 લોકોનાં મોત નિપજ્યા. જ્યારે ડૂબવાને કારણે 5 લોકોએ જીવ ગુમાવવો પડ્યો.
સુરત નજીક વહેલી સવારે ચાર વાગ્યે મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે નંબર 48 પર એક અજાણ્યા વાહન પાછળ ટ્રક કન્ટેનર અને લક્ઝરી બસનો અકસ્માત થતાં બસનાં ચાલક સહિત ચાર લોકો મૃત્યુ પામ્યા હતા.
જ્યારે જૂનાગઢ- રાજકોટ હાઇવે પર વડાલ અને ચોકી વચ્ચે મધરાતે 02:45 વાગ્યે ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. જેમાં ચાર લોકો મૃત્યુ પામ્યા અને 16 લોકોને ઇજા પહોંચી.
આ ઉપરાંત મહિસાગર જિલ્લાના દેગમડાં ગામે મહિસાગર નદીમાં નહાવા પડેલા પાંચ યુવાનોનું ડૂબી જતાં મૃત્યુ થયું હતું.
ભારતે વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટને ફરી નકાર્યો
ભારતે શાંઘાઈ કૉર્પોરેશન ઑર્ગેનાઇઝેશન(એસસીઓ)માં ચીનના મહત્ત્વાકાંક્ષી વન બેલ્ટ વન રોડ(ઓબીઓઆર) પ્રોજેક્ટને સમર્થન નહીં આપવાનું વલણ ચાલું રાખ્યું હોવાનું 'નવગુજરાત સમય'ના એક અહેવાલમાં જણાવાયું છે.
અખબારે એવું પણ નોંધ્યું છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી છે કે કોઈ પણ મોટા સંપર્ક સવલત પ્રોજેક્ટમાં સભ્યો દેશોનાં સાર્વભૌમત્વ અને અખંડિતતાનું સન્માન થવું જોઈએ.
આ પ્રોજેક્ટનો એક ભાગ 50 અબજ ડૉલરનો ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કૉરિડોર પાકિસ્તાન પ્રશાસિત કશ્મીરમાંથી પસાર થાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો