પ.બંગાળમાં ચાર દિવસમાં ભાજપના બે કાર્યકર્તાઓની હત્યા

    • લેેખક, પ્રભાકર એમ.
    • પદ, કોલકાતાથી બીબીસી ગુજરાતી માટે

ઝારખંડ નજીક આવેલા પશ્ચિમ બંગાળના પુરલિયા જિલ્લામાં શનિવારે સવારે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો.

મૃતક 32 વર્ષના દુલાલ દાસ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ભાજપના સક્રિય કાર્યકર હતા.

દુલાલનો મૃતદેહ બલરામપુર વિસ્તારમાં એક વીજળીના થાંભલા પરથી લટકેલી હાલતમાં મળી આવ્યો હતો.

આ પહેલાં બુધવારે બલરામપુર વિસ્તારમાં ભાજપના અન્ય એક કાર્યકર 20 વર્ષના ત્રિલોચન મહતોનો મૃતદેહ ઝાડ સાથે લટકેલો મળ્યો હતો.

પોતાના બે યુવાન કાર્યકર્તાઓની હત્યા માટે ભાજપે સત્તાપક્ષ તૃણમૂલ કોંગ્રેસને જવાબદાર ઠેરવી છે. જ્યારે બીજી તરફ રાજ્ય સરકારે આ બંને મામલાની તપાસ સીઆઇડીને સોંપી દીધી છે.

એક જ પદ્ધતિથી થઈ બે હત્યા

આ હત્યાની સૂચના મળતા જ ભાજપ નેતા મુકુલ રાય ઘટનાસ્થળે જવા રવાના થયા. તેમણે બીબીસીને જણાવ્યું, "પુરલિયા જિલ્લામાં અમારી પાર્ટીના વધુ એક કાર્યકર્તાની હત્યા થઈ છે. હું ઘટનાસ્થળે જઈ રહ્યો છું. આ મામલો ગંભીર છે."

ભાજપના રાષ્ટ્રીય સચિવ રાહુલ સિન્હાએ કહ્યું, "દુલાલની હત્યા પણ એ રીતે જ કરવામાં આવી, જે રીતે ત્રણ દિવસ પહેલાં ત્રિલોચન મહતોની હત્યા કરવામાં આવી હતી."

તમે આ વાંચ્યું કે નહીં?

સિન્હાએ દાવો કર્યો કે હાલમાં પંચાયત ચૂંટણીમાં બલરામુપરની બેઠકો હારવાને કારણે તૃણમૂલ કોંગ્રેસે આ વિસ્તારમાં આતંક મચાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને થયેલી પંચાયતની ચૂંટણીમાં ભાજપે બલરામપુર વિસ્તારની સાતેય પંચાયત બેઠકો જીતી હતી.

'પોલીસ કંઈ ના કરી શકી'

ભાજપના પશ્ચિમ બંગાળ પ્રભારી કૈલાશ વિજયવર્ગીએ આરોપ મૂક્યો છે કે આ હત્યાઓ પાછળ તૃણમૂલ કોંગ્રેસનો હાથ છે.

તેમનું કહેવું છે કે ગઈ રાત્રે દુલાલના અપહરણના સમાચાર મળ્યા બાદ તેમણે પોલીસ મહાનિદેશક(કાયદો અને વ્યવસ્થા) અનુજ શર્મા સાથે વાત કરી હતી અને દુલાલની તપાસ કરવા અંગે જણાવ્યું હતું. પરંતુ પોલીસ કંઈ કરી ના શકી અને સવારે દુલાલનો મૃતદેહ મળ્યો.

ભાજપના સ્થાનિક નેતા વિદ્યાસાગર ચક્રવર્તીએ જણાવ્યું કે દુલાલે પંચાયયત ચૂંટણીમાં પક્ષ માટે ખૂબ જ કામ કર્યું હતું.

ચક્રવર્તીનો દાવો છે કે દુલાલે બુધવારના રોજ થયેલી ત્રિલોચન મહતોની હત્યાના વિરોધમાં શુક્રવારે પોલીસ સ્ટેશન ઘેરવાનો કાર્યક્રમ રાખ્યો હતો.

સ્થાનિક લોકો અને વિદ્યાસાગર ચક્રવર્તી અનુસાર, દુલાલ પોલીસ સ્ટેશન ઘેરવાના કાર્યક્રમથી સાંજે ઘરે આવ્યા હતા. ત્યારબાદ તેઓ સ્કૂટર લઈને બહાર ગયા હતા.

સીઆઈડી તપાસનો આદેશ

દુલાલના પરિવારે જણાવ્યું કે તેમણે દુલાલને ફોન કર્યો હતો ત્યારે કોઈએ લાઇન કાપી નાખી. તેમનું સ્કૂટર મોડી રાત્રે એક તળાવ કિનારેથી મળી આવ્યું હતું. સવારે તેમનો મૃતદેહ એક ટાવર સાથે લટકેલો મળ્યો હતો.

તૃણમૂલ કોંગ્રસેના પ્રવક્તા ડેરેક ઓ બ્રાયને જણાવ્યું કે આ હત્યાઓની વિભિન્ન દિશાઓમાં તપાસ થવી જોઈએ.

તેમાં ભાજપ, બજરંગ દળ અને સરહદ પર એટલે કે ઝારખંડમાં સક્રિય માઓવાદીઓની તપાસ પણ જરૂરી છે.

મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જીએ ત્રણ દિવસ પહેલાં થયેલી ત્રિલોચનની હત્યાને ભાજપ અને બજરંગ દળના આંતરિક ઝઘડાનું પરિણામ ગણાવ્યું હતું.

'વધી શકે છે રાજનૈતિક સંઘર્ષ'

બલરામપુર વિસ્તારના તૃણમૂલ કોંગ્રેસના નેતા સૃષ્ટિધર મહતોએ આ હત્યાને ભાજપના આંતરિક ક્લેશનું પરિણામ ગણાવ્યું છે.

જ્યારે ત્રિલોચનની હત્યા કરવામાં આવી હતી, ત્યારે તેમની ટી-શર્ટ અને ઘટનાસ્થળ પરથી એક નોટ મળી હતી.

તેની પર લખ્યું હતું, "18 વર્ષની ઉંમરમાં ભાજપ માટે કામ કરવાનું પરિણામ એ આવ્યું કે આજે તારો જીવ ગયો."

રાજનૈતિક વિશ્લેષક વિશ્વનાથ ચક્રવર્તીનું માનવું છે કે આવતા વર્ષ થનારી લોકસભા અને ત્યારબાદની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં રાજનૈતિક સંઘર્ષ વધુ વધવાની આશંકા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો