કર્ણાટક ચૂંટણી: શા માટે ચૂંટણીઢંઢેરામાં સેનિટરી નેપકિનના સમાવેશની થઈ રહી છે ચર્ચા?

    • લેેખક, ઇમરાન કુરૈશી
    • પદ, બીબીસી ન્યૂઝ

કર્ણાટકમાં વિધાનસભાની ચુંટણી થવાની છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોએ પોતાના ચુંટણીઢંઢેરામાં મફત સેનિટરી નેપકિન આપવાનું વચન આપ્યું છે.

એવું લાગે છે જાણે મફત સેનિટરી નેપકિન આપવાનું વચન આપી આ પક્ષો ગ્રામીણ મહિલાઓને આકર્ષવાના પ્રયાસો કરી રહ્યા છે.

પહેલાં કોંગ્રેસ અને હવે ભાજપે પોતાના ચુંટણીઢંઢેરામાં ગરીબીરેખાની નીચે આવતા કુટુંબોની મહિલાઓ અને વિદ્યાર્થિનીઓને મફત સેનિટરી પૅડ આપવાનું વચન આપ્યું છે.

સેનિટરી નેપકિન પર જીએસટી

એક બાજુ જ્યાં ભાજપ મફત સેનિટરી નેપકિન આપવાની જાહેરાત કરી રહ્યું છે, ત્યારે કેન્દ્રની ભાજપ સરકારે સેનિટરી નેપકિન પર 12 ટકા જીએસટી લગાડ્યો હતો. એ સમયે તેનો સમ્રગ દેશમાં વિરોધ થયો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

કર્ણાટકમાં હેલ્થ મૂવમૅન્ટના સહ-સંયોજક ડૉ.અખિલાના જણાવે છે, "ચૂંટણીઢંઢેરાનો એક ભાગ હોવા છતાં આમાં ખુશ થવા જેવું કંઈ છે નહીં.

"પહેલાં તો તમે સેનિટરી નેપકિન પર જીએસટી લગાવો છો અને પછી એને મફત આપો છો. આનાથી મહિલાની સ્વચ્છતા પ્રત્યેના તમારા નિરર્થક વચનોની ખબર પડે છે."

'આ બધું હાસ્યાસ્પદ'

કોપલમાં આવેલા એનજીઓ અંગદા માટે કામ કરનારાં જ્યોતિ હિતનલનું કહેવું છે, "આ બધું હાસ્યાસ્પદ લાગે છે કે અચાનક રાજનૈતિક પક્ષો સેનિટરી નેપકિનને લઈને આટલા બધા સક્રિય થઈ ગયા છે.

"આ એક એવો વિષય છે કે જે આજે પણ 'ટૅબૂ' બનેલો છે. મહિલાઓ માટે શું સ્વાસ્થ્યવર્ધક છે? એ જાણ્યા વગર જ તમે કોઈ ચીજનું વચન આપી રહ્યા છો."

ડૉ. અખિલાનું કહેવું છે કે, "સેનિટરી પૅડ આપવાની જાહેરાત કરવી એક વાત છે. પરંતુ શું સરકારે, સરકારી સ્કૂલના ટૉઇલેટમાં પાણીની ઉપલબ્ધતા અંગે ખાતરી આપી છે?

"સત્તાધીશો માસિક ધર્મ જેવા વિષયો પર સંરચનાત્મક અને સાંસ્કૃતિક મુદ્દાઓ પર વાત જ કરતા નથી. તો સેનિટરી પૅડના નિકાલનો પણ સવાલ ઊભો થાય છે."

હિતનલે સરકારી સ્કૂલમાં કર્ણાટક સરકારના મફત સેનિટરી પૅડ વહેંચવાની શરૂઆત પર ધ્યાન દોર્યું.

"સરકાર એ તારણ પર કઈ રીતે પહોંચી કે એક છોકરીને માત્ર 10 જ પૅડની જરૂર પડે છે અને એ પૅડ છે પણ ક્યાં? આ બધા કોઈ સ્ટોરરૂમ કે સરકારી સ્કૂલના ઓરડામાં પડ્યા હશે."

'આકર્ષવાના પ્રયાસો'

પરંતુ કૉમ્યુનિસ્ટ પાર્ટી(માર્કસવાદી)નાં એમ. નીલા આ મુદ્દે કંઈક જુદો જ વિચાર ધરાવે છે.

નીલા જણાવે છે, "જીએસટી પછી તો પછી પણ આ મુદ્દાને 'ટૅબૂ'ની જેમ ગણવો અને વાત ન કરવાના બદલે તો આ સારું જ છે.

"રાજકીય પક્ષોને છેવટે એ લાગ્યું તો ખરું કે આ પણ એક મુદ્દો છે."

ડૉ. અખિલાનું માનવું છે કે આનાથી થોડું તો થોડું પણ કંઈક સારું થઈ શકે છે.

તેઓ કહે છે, "ઘણી જગ્યાએ મહિલાઓ અને છોકરીઓ માટે આ એક હાઇજીન પ્રોજેક્ટ છે. આપણે તેને અર્થપૂર્ણ બનાવવો જોઈએ.''

અખિલ ભારત જનવાદી મહિલા સંગઠનનાં કે. એસ. વિમલાનું કહેવું છે, "દર વખતે આ લોકો ચુંટણીઢંઢેરો તૈયાર કરે છે, ત્યારે મહિલાઓને આકર્ષવા માટે કંઈક નવું કરતા જ હોય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો