સલમાનના જામીન અરજી અને જજોની બદલી વચ્ચે સંબંધ હતો?

ઇમેજ સ્રોત, Getty Images
કાળિયારના શિકાર મામલે જોધપુરની સેશન્સ કોર્ટે શનિવારે સલમાન ખાનને જામીન આપી દીધા છે. સલમાન ખાનને 50 હજાર રૂપિયાના મુચરકા પર જામીન આપવામાં આવ્યા છે.
જોકે, સલમાન ખાનની જામીન અરજી પર સુનાવણી થાય તે પહેલા શુક્રવારે રાત્રે રાજસ્થાન હાઈકોર્ટે 87 જજોની બદલી કરી હતી.
જેમાં સલમાનની જામીન અરજીની સુનાવણી કરી રહેલા જોધપુર સેશન્સ કોર્ટના જજ રવિન્દ્ર કુમાર જોશીની પણ બદલી કરવામાં આવી હતી.
શુક્રવારના રોજ રાજસ્થાન હાઈકોર્ટની વેબસાઇટ પર જાહેર કરાયેલા ટ્રાન્સફર આદેશના આધારે, જોધપુરના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રવિન્દ્ર કુમાર જોશીની બદલી સિરોહી કરી દેવાઈ છે.
તેમની જગ્યાએ ચંદ્ર શેખર શર્માને જોધપુર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

ઇમેજ સ્રોત, HCRAJ.NIC.IN
જ્યારે ફિલ્મ સ્ટાર સલમાનના જામીનની સુનાવણી પર લોકોની નજરો હતી, તેવામાં જજની ટ્રાન્સફર ક્યારે અને કેવી રીતે થઈ?
તે અંગે જાણવા માટે લોકોમાં ઉત્સુક્તા ફેલાઈ હતી, તો તમને જણાવીએ કે ભારતમાં જિલ્લા જજની બદલી કોણ કરે છે અને તેની પ્રક્રિયા તેમજ આધાર શું છે?

કોણ કરે છે બદલી?

ઇમેજ સ્રોત, HCRAJ.NIC.IN
ભારતમાં જિલ્લા કોર્ટ જિલ્લા સ્તરે ન્યાય સુનિશ્ચિત કરવા માટે કામ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કોર્ટ પ્રશાસનિક રૂપે એ પ્રદેશની હાઈ કોર્ટ અંતર્ગત અને તેના ન્યાયિક નિયંત્રણમાં હોય છે, જે પ્રદેશમાં તે જિલ્લો આવતો હોય.
એટલે કે, જજ જોશી સહિત આ 87 જજોની બદલી રાજસ્થાન હાઈકોર્ટે કરી છે.
બદલી પર હાઈ કોર્ટના રજિસ્ટ્રાર જનરલના હસ્તાક્ષર હોય છે કે જે આ સંબંધે વહીવટી ઑથોરિટી હોય છે.
પરંતુ બદલીનો નિર્ણય હાઈકોર્ટની ટ્રાન્સફર કમિટી લે છે, જેમાં હાઈકોર્ટના વરિષ્ઠ જજ સામેલ હોય છે.
તમને આ પણ વાંચવું ગમશે
ટ્રાન્સફર કમિટીમાં કેટલા અને કોણ જજ સામેલ હશે, તેનો નિર્ણય હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ લે છે.
જિલ્લા કોર્ટ અથવા સેશન્સ કોર્ટ કોઈ જિલ્લાની સુપ્રીમ કોર્ટ હોય છે.
જિલ્લા સ્તરના જજ પ્રદેશ સરકારના કર્મચારી હોતા નથી.
જોકે, તેમનું વેતન પ્રદેશ સરકારના ખજાનામાંથી ચૂકવાય છે, પરંતુ તેમના પે સ્કેલ ન્યાયિક વેતન આયોગ નક્કી કરે છે, પ્રદેશ સરકાર નહીં.

પ્રદેશ સરકારની કોઈ ભૂમિકા છે?

ઇમેજ સ્રોત, Getty Images
વરિષ્ઠ વકીલ ડૉ. સૂરત સિંહ જણાવે છે કે પ્રદેશ સરકાર કોઈ જિલ્લા કે સેશન્સ જજની બદલી માટે અરજી કરી શકે છે.
પરંતુ પ્રદેશના ન્યાયિક પ્રમુખ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ હોય છે અને તે તેમની પર નિર્ભર હોય છે કે તેઓ એ અરજી પર વિચાર કરે કે નહીં.
ન્યાયપાલિકા એક સ્વતંત્ર સંસ્થા છે, એ માટે જજોની બદલીમાં સરકારની સીધી કોઈ ભૂમિકા હોતી નથી.
સૂરત સિંહ જણાવે છે, "જોકે 1985 પહેલા એવું ન હતું. ત્યારે સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટના જજની બદલી પણ સરકાર જ કરતી હતી.
"પરંતુ 1992માં શરૂ થઈને 1998માં સમાપ્ત થયેલા 'થ્રી જજીસ કેસ'ના પરિણામ સ્વરૂપે પાંચ જજોની કૉલિઝિયમ વ્યવસ્થા શરૂ થઈ.
"ત્યારથી બદલી કરવાની સત્તા ન્યાયપાલિકાને મળી."

ટ્રાન્સફરના આધાર

ઇમેજ સ્રોત, HCRAJ.NIC.IN
કોઈ જિલ્લા જજના ટ્રાન્સફરના સામાન્યતઃ બે કારણ હોય છે. એક રૂટિન પ્રક્રિયા અને બીજી પર્ફૉર્મન્સ.
સામાન્યપણે જો કોઈ જજે ક્યાંક બે-ત્રણ વર્ષ વિતાવ્યા છે, તો તેમની બદલી કરી દેવામાં આવે છે.
ડૉ. સૂરત સિંહ જણાવે છે કે દરેક પ્રદેશમાં જિલ્લા અને સેશન્સ જજોની દર વર્ષે બદલી થાય છે, જેમાં મોટા સ્તર પર બદલી થાય છે.
સિસ્ટમની એકરૂપતાને ધ્યાનમાં રાખતા મોટાભાગના પ્રદેશોમાં આ બદલીઓ આ જ સિઝનમાં જ હાથ ધરાય છે.

ઇમેજ સ્રોત, HCRAJ.NIC.IN
જોકે, ઘણી વખત એવું થાય છે કે જજ પોતે જ બદલી માટે પોતાની પસંદગીની ત્રણ જગ્યાઓના નામ આપે છે.
જો જજે આપેલા ત્રણ વિકલ્પોમાંથી કોઈ એક તેમને મળી જાય છે તો તેને 'ઑન રિક્વેસ્ટ' બદલી કહેવામાં આવે છે.
બદલીના આદેશની કૉપીમાં આ વાતનો ઉલ્લેખ પણ હોય છે.
જોકે, હાઈ કોર્ટની ટ્રાન્સફર કમિટી બધા જ જજોના 'ઑન રિક્વેસ્ટ' અનુરોધ માનવાની ગેરંટી લેતી નથી.

જિલ્લા અને સેશન્સ જજોના કામ

ઇમેજ સ્રોત, Getty Images
જિલ્લા સ્તરના સર્વોચ્ચ જજ જિલ્લા અને સેશન્સ કોર્ટના જજ હોય છે. તેમની પાસે લૉઅર કોર્ટના નિર્ણય પર અપીલ કરવામાં આવે છે.
જ્યારે જિલ્લા સ્તરની કોર્ટમાં સિવિલ મામલા અંગે સુનાવણી થાય છે તો તેને સિવિલ કોર્ટ કહેવામાં આવે છે.
જ્યારે જિલ્લા સ્તર પર આપરાધિક મામલાની સુનાવણી થાય છે તો તેને સેશન્સ કોર્ટ કહેવામાં આવે છે. સેશન્સ કોર્ટ પાસે સજા-એ-મોત આપવાના અધિકાર પણ છે.
ભારતમાં કોર્ટનું વર્ગીકરણ કેસની પ્રકૃતિ પર સિવિલ કે ક્રિમિનલ એમ બે પ્રકારે કરવામાં આવે છે.
જિલ્લા કોર્ટમાં લંબિત કામ કાજને ધ્યાનમાં રાખીને સરકાર અતિરિક્ત જિલ્લા જજ અને ઉચ્ચ જિલ્લા જજોની નિયુક્તિ કરી શકે છે.
અતિરિક્ત જિલ્લા જજોની પાસે જિલ્લા જજો જેટલી જ શક્તિઓ હોય છે.
જિલ્લા અને સેશન્સ કોર્ટના અધીનસ્થ પણ ઘણી કોર્ટ હોય છે.
સિવિલ મામલા માટે સૌથી નીચલી કોર્ટ હોય છે એક સિવિલ જજની કોર્ટ (જુનિયર ડિવિઝન).
આ જ રીતે આપરાધિક મામલા પર સુનાવણી માટે અધિકૃત સૌથી નીચલી કોર્ટ ન્યાયિક મજિસ્ટ્રેટની કોર્ટ હોય છે.
સિવિલ જજની કોર્ટ નાના સિવિલ કેસોની સુનાવણી હાથ ધરે છે.
આ જ રીતે ન્યાયિક મજિસ્ટ્રેટની કોર્ટ એવા પ્રકારના આપરાધિક કેસો પર સુનાવણી કરે છે, જેમાં પાંચ વર્ષ સુધીની સજા થઈ શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













