પ્રેસ રિવ્યૂ: રાજસ્થાન વિધાનસભામાં ધારાસભ્યો ‘પ્રેતાત્માઓ'થી ભયભીત!

રાજસ્થાન વિધાનસભા હૉલ

ઇમેજ સ્રોત, rajassembly.nic.in

નવગુજરાત સમયના અહેવાલ મુજબ રાજસ્થાન વિધાનસભામાં 'આત્માઓ'નો 'વાસ' હોવાની ધારાસભ્યોને આશંકા છે.

ધારાસભ્યોનું માનવું છે કે ગૃહમાં ૨૦૦ સભ્યોની સંખ્યા લાંબા સમય સુધી ટકતી નથી. કોઈ એક ધારાસભ્ય રાજીનામું આપી દે છે અથવા તો કોઈ એકને જેલ થઈ જાય છે અથવા કોઈનું મોત થઈ જાય છે.

કેટલાક ધારાસભ્યો આ મામલે પોતાનો ડર અંગે મુખ્યમંત્રી વસુંધરા રાજેને જણાવી ચૂક્યા છે. તેમણે કોઈ પૂજારીને બોલાવીને પ્રેત આત્માને શાંત કરવાની માગણી કરી છે.

ધારાસભ્યોના ડરનું કારણ છે કે વિધાનસભાની ઇમારતનું નિર્માણ સ્મશાનની જમીન પર થયું છે. વિધાનસભાની ઇમારતથી ૨૦૦ મીટર દૂર લાલ કોઢી મોક્ષધામ બન્યું છે.

નવેમ્બર ૧૯૯૪થી ૨૦૦૧ની વચ્ચે તૈયાર કરાયેલું હાલનું વિધાનસભા ભવન આશરે ૧૭ એકરમાં ફેલાયેલું છે.

તમને આ પણ વાંચવું ગમશે

line

રાજ્યસભાની 58 બેઠકોની ચૂંટણી માર્ચમાં

અરુણ જેટલી

ઇમેજ સ્રોત, Getty Images

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ ચૂંટણી પંચે 16 રાજ્યની રાજ્યસભાની 58 બેઠકો માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે.

ચૂંટણી 23 માર્ચે યોજાશે તે જ દિવસે પરિણામ પણ જાહેર થશે. 12 માર્ચ સુધીમાં ઉમેદવારી પત્રકો ભરવાના રહેશે.

ગુજરાતની ચાર બેઠકો ભાજપ પાસે છે. અરુણ જેટલી, પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને શંકર વેગડ સાંસદોનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે.

અહેવાલ મુજબ કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકી અને દિપક બાબરીયા રેસમાં આગળ છે. ભરતસિંહના માર્ગમાં શક્તિસિંહ ગોહિલ છે. બંનેમાંથી કોઈ એકને તક મળી શકે છે.

આ અહેવાલમાં એ પણ કહેવાયું છે કે લોકસભા ચૂંટણીને જોતા ભાજપ અરુણ જેટલીને ગુજરાતથી યુપી કે મહારાષ્ટ્ર મોકલી શકે છે.

line

ગુજરાત સરકારનો 'હવાઈ' ખર્ચ!

હેલિકૉપ્ટર ને આવકારતા લોકોની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સંદેશના અહેવાલ મુજબ રાજ્ય સરકારની માલિકીના પ્લેન અને હેલિકૉપ્ટર પાછળ છેલ્લા બે વર્ષમાં 10.71 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

જેમાં પ્લેન અને હેલિકૉપ્ટરના મેઇન્ટેનન્સ તથા પાઇલટ સહિતના અન્ય સ્ટાફના પગાર વગેરેનો પણ સમાવેશ થાય છે.

કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમાર દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા જણાવાયું હતું કે, વર્ષ 2016માં પ્લેન માટે 2.26 કરોડ અને 2017માં 2.35 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

જ્યારે હેલિકૉપ્ટર પાછળ 2.87 કરોડ અને 3.23 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હતો.

2017નું વર્ષ ચૂંટણીનું હતું અને તેમાં સરકાર દ્વારા આચારસંહિતા લાગુ થયા પૂર્વે અનેક ઉદ્દઘાટનો, ખાતમુહૂર્ત અને શિલારોપણ સહિતના કાર્યક્રમો કરાયા હતા.

જેના કારણે 2016 કરતાં 2017ના વર્ષમાં હેલિકૉપ્ટર પાછળ એક કરોડ રૂપિયાનો વધુ ખર્ચ થયો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો