સુષમા સ્વરાજને દરરોજ કેમ ફોન કરી રહી છે આ પત્નીઓ?

    • લેેખક, ગુરપ્રીત કૌર
    • પદ, બીબીસી સંવાદદાતા

NRI સાથે લગ્ન કરીને મુશ્કેલીઓનો સામનો કરી રહેલી તેમજ મદદ માગતી મહિલાઓની સંખ્યામાં દેશમાં દિવસે ને દિવસે વધી રહી છે.

છેલ્લા પાંચ વર્ષોમાં આવી ફરિયાદ કરનારી મહિલાઓની સંખ્યામાં બે ગણો વધારો થયો છે.

દિલ્હી મહિલા આયોગ પાસે 2013માં જ્યાં 361 મહિલાઓએ ફરિયાદ નોંધાવી હતી, જ્યારે 2017માં તેમને 528 ફરિયાદો મળી છે.

તેમાંથી મોટાભાગની મહિલાઓની બે પ્રકારની ફરિયાદો છે. ઘણી મહિલાઓનાં પતિ લગ્ન કરી તેમને ભારતમાં છોડીને જતા રહ્યા હોય છે.

તમને આ પણ વાંચવું ગમશે

ઘણી મહિલાઓ એવી છે કે જેમને પતિ પરદેશ સાથે તો લઈ ગયા, પરંતુ ત્યાં વિદેશમાં તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે.

વિદેશમાં તેમની મદદ કરનારું પણ કોઈ નથી. પંજાબના મોહાલી જિલ્લાનાં રહેવાસી રમનની પણ કંઈક આવી જ વાત છે.

"મારા જેઠના 16 વર્ષના દીકરાએ જેઠની સામે મારી સાથે જબરદસ્તી સંબંધ બનાવવા પ્રયાસ કર્યો. તે સમયે રૂમમાં મારા સાસરી પક્ષના અન્ય સભ્યો પણ હાજર હતા.

"મારી નણંદ ફોન પર ગાળો રેકોર્ડ કરીને મને મોકલે છે. સાસરે તો ઠીક, મારા સાસરીયા તો મને પિયરમાં પણ શાંતિથી જીવવા દેતા નથી."

ફોન પર રડતાં-રડતાં રમને આ વાત બીબીસીને કહી.

તેમનાં લગ્ન 4 ડિસેમ્બર 2016ના રોજ કૅનેડામાં રહેતા હરપ્રીત સાથે થયાં હતાં.

લગ્નના લગભગ બે મહિના બાદ જ હરપ્રીત રમનને સાસરિયામાં છોડીને કૅનેડા પરત ફરી ગયા હતા.

જતાં સમયે તેમણે રમનને વાયદો કર્યો હતો કે તેઓ જલદી રમનને કૅનેડા બોલાવી લેશે, પરંતુ તે 'જલદી' ક્યારેય ન આવી.

શું કહે છે આંકડા?

તાજેતરના આંકડામાંથી માહિતી મળે છે કે આવી રાહ જોવામાં રમન એકલાં નથી.

વિદેશ મંત્રાલયના આંકડા અનુસાર, એક જાન્યુઆરી 2015થી માંડીને 30 નવેમ્બર 2017 વચ્ચે મંત્રાલયના NRI સેલમાં પતિથી ત્રાસેલી મહિલાઓના 3,328 ફોન આવ્યા હતા.

એટલે કે દર આઠ કલાકેમાં આશરે એક મહિલાએ મંત્રાલય પાસે ફોન કરીને મદદ માગી.

50%થી વધુ મહિલાઓ પંજાબની

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પરેશાન યુવતીઓમાં મોટાભાગની પત્નીઓ પંજાબની છે. બીજા અને ત્રીજા નંબરે તેલંગાણા અને કર્ણાટકની યુવતીઓ છે.

રમનની કહાણી એવી હતી કે જેમાં પતિએ લગ્ન બાદ પત્નીને છોડી દીધી હતી, પરંતુ બીજી તરફ પંજાબનાં વધુ એક મહિલા મનદીપનો કિસ્સો થોડો ફિલ્મી છે.

મૉલમાં તેમને એક વખત જોઈ, એક યુવકના પરિવારજનોએ લગ્નની ઇચ્છા વ્યક્ત કરી હતી.

મનદીપનાં પરિવારજનોએ પહેલા તો શિક્ષણનું બહાનું કરી વાત ટાળી દીધી હતી, પરંતુ હાથમાં આવેલા NRI યુવકને તેઓ ગુમાવવા પણ માગતા ન હતા.

આખરે 22 માર્ચ 2015ના રોજ મનદીપનાં લગ્ન હરજોત સાથે કરાવી દેવાયાં હતાં. તેઓ પણ કૅનેડામાં જ રહેતા હતા.

પરંતુ ક્યાં તે વાતની ખબર પણ મનદીપને નથી. લગ્નના પાંચ મહિના સુધી તેઓ સાથે રહ્યા અને ત્યારબાદ પતિ કૅનેડા જતા રહ્યા.

ત્યાં ગયા બાદ બન્ને વચ્ચે માત્ર એક વખત વાત થઈ છે.

મનદીપ જણાવે છે કે તેમનાં પૂર્વ સસરા એક નિવૃત્ત પોલીસકર્મી છે. તેમણે કથિત રીતે બંદૂકની અણિએ કાગળ પર લખાવી લીધું હતું કે મનદીપ તેમનાં પતિ સાથે છૂટાછેડા લેવા માગું છું.

આશ્ચર્યની વાત એ છે કે રમન અને મનદીપે વિદેશ મંત્રાલયના NRI સેલમાં ફરિયાદ દાખલ કરાવી નથી. તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પોતાને કેસ નોંધાવ્યો છે.

એટલે કે, વિદેશ મંત્રાલયના આંકડા પણ વાસ્તવિક તસવીર રજૂ કરી રહ્યા નથી.

ફરિયાદ ક્યાં અને કેવી રીતે?

જોગવાઈઓ પ્રમાણે, કોઈ પણ મહિલા NRI લગ્ન સાથે જોડાયેલા મામલા અંગે ફરિયાદ રાષ્ટ્રીય મહિલા પંચ સમક્ષ પણ કરી શકે છે.

આયોગ ફરિયાદની એક કૉપી વિદેશ મંત્રાલય અને એક કૉપી સ્થાનિક પોલીસ સ્ટેશનને મોકલે છે.

આયોગ સ્થાનિક પોલીસની મદદથી બન્ને પક્ષો સાથે વાત કરે છે.

જો યુવક વિરુદ્ધ 'રેડ એલર્ટ નોટિસ' કાઢવાની હોય તો પોલીસ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને પછી વિદેશ મંત્રાલય જે દેશમાં યુવક વસવાટ કરતો હોય એ દેશનો સંપર્ક સાધે છે.

વિદેશ મંત્રાલયની ભૂમિકા શું છે?

મહિલા પાસે જે પુરાવા છે, તેને તેઓ રજૂ કરી શકે છે જેમ કે, પતિના પાસપોર્ટની કૉપી કે બીજી કોઈ જાણકારી.

જો યુવકની કંપની વિશે માહિતી હોય તો રાષ્ટ્રીય મહિલા આયોગ કંપની સાથે પણ સંપર્ક સાધે છે, જેથી યુવક પર વધારે દબાણ લાવી શકાય છે.

જ્યારે યુવકની નોકરી પર વાત આવી જાય છે, તો તે સમાધાન માટે પ્રયાસ કરવા લાગે છે.

રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરપર્સન રેખા શર્મા જણાવે છે કે ઘણા કેસ ખૂબ જટિલ હોય છે.

જો NRI પતિ ભારતના નાગરિક ન રહ્યા હોય અને તેમને પાસપોર્ટ બીજા કોઈ દેશનો હોય તો કેસ મુશ્કેલ બની જાય છે કેમ કે, તેમાં બેથી ત્રણ દેશ સામેલ થઈ જાય છે.

આ સિવાય પણ ઘણી એવી ફરિયાદ હોય છે કે જ્યાં NRI યુવક પત્નીઓને વિદેશ લઈ જઈને ત્યાં તેમનું શારીરિક અને માનસિક શોષણ કરે છે.

વિદેશ મંત્રાલયની માહિતી અનુસાર, આવા કિસ્સાઓમાં મહિલાઓ જેતે દેશમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી શકે છે.

એ પછી ત્યાંના ભારતીય દૂતાવાસ, ભારતના વિદેશ મંત્રાલય સાથે સંપર્ક કરી મહિલાની મદદ કરી શકે છે.

NRI પતિઓની આવી પત્નીઓની વિદેશ મંત્રાલય કેટલાક એનજીઓના માધ્યમથી આર્થિક અને કાયદાકીય મદદ પણ કરે છે.

શું છે સમાધાન?

રેખા શર્મા કહે છે કે આ પ્રકારના કેસ માટે અલગથી સેલ કે ટીમ બનાવવાની જરૂર છે.

તેમના આધારે તેઓ પ્રયાસ કરી રહ્યા છે કે રાષ્ટ્રીય મહિલા આયોગ, મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલય મળીને આ સમસ્યાઓનું સમાધાન લાવે.

માત્ર ફરિયાદો એક જગ્યાએથી બીજી જગ્યાએ ફોરવર્ડ કરવાનું કામ ન કરે.

(ઓળખ ગુપ્ત રાખવા માટે નામ બદલી નાખવામાં આવ્યા છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો